ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ, જાણો ક્યા થશે મેઘમહેર
- રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 47 તાલુકામાં વરસાદ નોંધાયો
- તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
- અમરેલીના બગસરામાં 3.22 ઈંચ, દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં 2.48 ઈંચ વરસાદ
ગુજરાતમાં ચોમાસાની વિદાયની શરૂઆત થઇ ગઇ છે ત્યારે રાજ્યમાં ફરી એકવાર વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 47 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ અમરેલીના બગસરામાં 3.22 ઈંચ, દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં 2.48 ઈંચ, ખંભાળિયામાં 2.16 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. તેમાં વઢવાણ,પાટડી, ચોટીલા અને લખતર પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વરસાદના કારણે વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. જ્યારે વડોદરા, અમદાવાદ, સુરત સહિતના અનેક શહેરોમાં છુટોછવાયો વરસાદ આવ્યો છે. હવામાન વિભાગ પ્રમાણે મધ્ય અરબી સમુદ્રમાં એક ડિપ્રેશન સર્જાયું છે. જે આગામી 24 કલાકમાં નબળું પડીને લો પ્રેશરમાં પરિવર્તિત થઇ શકે છે.
તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
આજે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથના અમુક સ્થળોએ અને છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે 16મી અને 17મી ઓક્ટોબરે અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો: રાજકોટના TRP ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠિયાની મુશ્કેલીમાં વધારો