25મી મે ગુરૂવારના રોજ સ્વ. નરસિંહભાઈ જી. પટેલની તૃતિય પુણ્યતિથિએ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન


- સ્વ. એન.જી. પટેલની તૃતિય પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ
- એન.જી.ગ્રુપ અને ઈન્ડિયન રેડ ક્રોસના ઉપક્રમે કરાયુ આયોજન
- એન.જી. ગ્રુપ દ્વારા નાગરિકોને આ સદકાર્યમાં જોડાવા જનઅપીલ
25મી મે ગુરૂવારના રોજ સ્વ. નરસિંહભાઈ જી. પટેલની તૃતિય પુણ્યતિથિએ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન, સમાજસેવીઓ અને જાગૃત નાગરિકોને જોડાવવા જનઅપીલ
શાસ્ત્રોમાં દાનનો અનેરો મહિમા ગવાયો છે. ભારત અને એમાંય ખાસ કરીને ગુજરાતમાં દાનવીરોની કોઈ કમી નથી. સંત અને શૂરાઓની ધરતી ગુજરાતમાં દાન-પુણ્યની ધારા અવિરત વહેતી રહે છે. ત્યારે અમદાવાદના એન.જી. ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પમાં જોડાવવા માટે નાગરિકોને અપીલ કરવામાં આવે છે. તારીખ 25 મે, 2023 ગુરૂવારના રોજ એન.જી.ગ્રુપના સ્વર્ગસ્થ CMD શ્રી નરસિંહભાઈ જી. પટેલની ત્રીજી પુણ્યતિથિએ આ વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે.
એન.જી.ગ્રુપ અને ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે બે અલગ-અલગ સ્થળ પર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એન.જી.ગ્રુપ સાઈટ ઓફિસ ગેલોપ્સ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક, મેલડી માતાજીના મંદિર સામે બાવળા હાઈવે ખાતે 25 મેના રોજ ગુરૂવારે સવારે 9.00થી સાંજના 5.00 સુધી આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત એન.જી.ગ્રુપ, એસ્ટ્રોન ટેક પાર્ક, ઈસ્કોન મંદિર સામે એસ.જી. હાઈવે ખાતે 25 મેના રોજ ગુરૂવારે સવારે 9.00થી બપોરે 5.00 દરમિયાન બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
ઉદ્યોગ જગતમાં આગવી ઓળખ ઉભી કરનાર સ્વ. નરસિંહભાઈ જી. પટેલની પુણ્યસ્મૃતિમાં આ સેવાકીય પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા બે વર્ષથી આ આયોજન કરવામાં આવે છે. 2022માં પણ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજારો સીસી બ્લડ એકત્ર થયું હતું. કંપનીના કર્મચારીઓ, જાગૃત નાગરિકો તેમજ સમાજસેવીઓ મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા. ત્યારે આ વર્ષે લોકસેવા તરફના આ ત્રીજા પગલામાં સૌનો સહયોગ મળશે તેવી આયોજકોને અપેક્ષા છે.