સુપ્રીમ કોર્ટે ED ડાયરેક્ટર સંજય મિશ્રાની સેવામાં 15 સપ્ટેમ્બર સુધીનો વધારો કર્યો છે. જો કે, કેન્દ્ર સરકાર દ્વારા તેમનો કાર્યકાળ 15 ઓક્ટોબર સુધી વધારવાની અપીલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ સંજોગોમાં ED ડાયરેક્ટર 15 સપ્ટેમ્બર પછી તેમના પદ પર ચાલુ રહેશે નહીં. ગુરુવારે આ નિર્ણયની સુનાવણી દરમિયાન ઘણી મહત્વની દલીલો સામે આવી હતી. કેન્દ્ર તરફથી કહેવામાં આવ્યું છે કે એક નાનો દેશ, જેની સાથે પડોશી દેશ પાકિસ્તાન પણ છે, તેઓ ભારત વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યા છે. ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ની ગ્રે લિસ્ટમાં ભારતને સામેલ કરવા માટે પાકિસ્તાન અને એક નાના દેશનું ષડયંત્ર છે.
જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંજય કરોલની બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી. કેસની સુનાવણી શરૂ થતાં જ કેન્દ્ર તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે ED ડાયરેક્ટર સંજય મિશ્રાને સેવામાં વધારો મળવો જોઈએ. આના પર જસ્ટિસ ગવઈએ પૂછ્યું કે, શું તમારો આખો વિભાગ બિનકાર્યક્ષમ છે? શું તમે વ્યક્તિ વિના કામ કરી શકતા નથી. આ અંગે ભારતના સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, અમે જાણીએ છીએ કે સંજોગો થોડા અસામાન્ય છે. ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) મુદ્દે પહેલેથી જ સંકેત આપવામાં આવ્યો હતો. FATF ટીમ 3 નવેમ્બરે ભારત આવશે.
જસ્ટિસ ગવઈએ પૂછ્યું, ટેરર ફાઇનાન્સિંગ મની લોન્ડરિંગ નથી. તુષાર મહેતાએ કહ્યું, ના, ટેરર ફાઇનાન્સિંગ પણ આનો એક ભાગ છે. પાકિસ્તાન FATFની ગ્રે લિસ્ટમાં છે. એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું, આ ખરાબ સંદેશ આપે છે કે 1.4 અબજની વસ્તી ધરાવતા દેશના લોકો એક અધિકારી પર નિર્ભર છે. એડવોકેટ પ્રશાંત ભૂષણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તે અધિકારી ‘ED ચીફ’ એટલા મહત્વના છે, તેથી તેમને સલાહકાર તરીકે નિયુક્ત કરો. FATFની સમીક્ષા આવતા વર્ષ સુધી ચાલી રહી છે, તો તેમને ઓક્ટોબર સુધી શા માટે જરૂર છે. કેન્દ્રએ ED ચીફનો કાર્યકાળ 15 ઓક્ટોબર સુધી લંબાવવાની અપીલ કરી હતી. પાડોશી દેશ FATFને લઈને ભારતની છબી ખરાબ કરવાનું ષડયંત્ર કરી રહ્યો છે.