ગુજરાતટોપ ન્યૂઝધર્મ

શતાબ્દી મહોત્સવમાં આજે છઠ્ઠા દિવસે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ તમામ ધર્મના આગેવાનોએ આપી હાજરી

આજે મહોત્સવના છઠ્ઠા દિવસે, પ્રમુખસ્વામી મહારાજ નગરમાં વિશાળ ભક્તમેદનીથી છલકાતાં નારાયણ સભાગૃહમાં વિશ્વના વિવિધ ધર્મો અને સંપ્રદાયોના પ્રતિનિધિઓ આજના સંવાદિતા દિન’ કાર્યક્રમમાં સમ્મિલિત થયા હતા. ભગવાનના ધૂન, પ્રાર્થના અને કીર્તન સાથે કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. વિશ્વભરમાં શાંતિ અને સંવાદિતાના દૂત એવા પ્રમુખસ્વામી મહારાજને યુવાવૃંદ દ્વારા વિશિષ્ટ નૃત્ય દ્વારા અંજલિ આપવામાં આવી હતી. ઉપરાંત પ્રમુખસ્વામી મહારાજના સંવાદિતાનાં વૈશ્વિક કાર્યોને અને તેઓની ઉદાત્ત જીવનભાવનને દર્શાવતી વિડીયો પ્રસ્તુત થઈ હતી. હિન્દુ, જૈન બૌદ્ધ, શીખ, ખ્રિસ્તી, મુસ્લિમ, યહૂદી કે અન્ય કોઈપણ ધર્મો અને સંપ્રદાયો પ્રતિ પ્રમુખસ્વામી મહારાજે હંમેશા આદર દાખવ્યો હતો. કોઈ પણ ધર્મ કે સંપ્રદાયના વ્યક્તિને પ્રમુખસ્વામી મહારાજની અક્ષુણ્ણ સાધુતા, અહંશૂન્યતા, પમાત્મા પ્રત્યે અનન્ય શ્રદ્ધા, નિષ્કલંક ચારિત્ર્ય, પવિત્રતા અને નિ:સ્વાર્થ ભાવનાઓ સ્પર્શી હતી. આજની આ વિશિષ્ટ સભામાં BAPS સંસ્થાના પૂ. અક્ષરવત્સલ સ્વામી અને પૂ. અક્ષરાતીત સ્વામીએ સર્વે અગ્રણીઓનો પરિચય કરાવ્યો હતો.

કોણ કોણ આજે ઉપસ્થિત રહ્યું હતું ?

આજના વિશિષ્ટ સંધ્યા કાર્યક્રમમાં વિશ્વભરમાંથી અનેકવિધ ધર્મ-પરંપરાઓમાંથી ઉપસ્થિત પ્રતિનિધિઓએ સાધુતાના ગૌરીશિખર સમાન પ્રમુખસ્વામી મહારાજને વાક-પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને પ્રમુખસ્વામી મહારાજના આંતરધર્મીય સંવાદિતાનાં વૈશ્વિક કાર્યો અને ઉદાર જીવનશૈલીનું સ્મરણ કર્યું હતું. આ પ્રસંગે યુવા મંડળ દ્વારા સાંસ્કૃતિક નૃત્યની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આજે કાર્યક્રમમાં બાવા જૈન સેક્રેટરી જનરલ વર્લ્ડ કાઉન્સિલ ઓફ રિલીજીયસ લીડર્સ તેમજ પૂજ્ય શ્રી સદગુરુ ઉદયસિંઘજી મહારાજ અધ્યક્ષ નામધારી શીખ સમાજ ઉપરાંત પ્રો. ડૉ ચિરાપત પ્રપંડવિદ્યા સ્થાપક સિલ્પકોર્ન યુનિવર્સિટી થાઈલેન્ડ તથા આચાર્ય ડૉ. લોકેશમુનિજી સ્થાપક પ્રમુખ અહિંસા વિશ્વ ભારતી ઓફ ગાંધીનગર ઉપરાંત પૂજ્ય ભિખ્ખુ સંઘસેના સ્થાપક પ્રમુખ મહાબોધિ ઇન્ટરનેશનલ મેડિટેશન સેન્ટર(MIMC) આ ઉપરાંત રબ્બી એઝેકેઇલ આઇઝેક માલેકર અગ્રણી યહૂદી સમાજ તથા સાદીકવલ-આઇદિઝ-ઝહાબી ભાઈસાહેબ જલાલુદ્દીન દાઉદી બોહરા સમાજ તથા આર્કબિશપ થોમસ મેકવાન આર્કડાયૉસેસ તેમજ પદ્મશ્રી એ. આઈ. ઉદયન ગાંધીપુરી આશ્રમ ઈન્ડોનેશિયા ઉપરાંત પૂજ્ય પરમાત્માનંદજી સ્થાપક આચાર્ય આર્ષ વિદ્યા મંદિર તેમજ પરમ ગુરુદેવ પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબજી સ્થાપક, પારસધામ ઉપરાંત હિઝ એક્સેલન્સી અબ્દુલ રહમાન બુ અલી અગ્રણી વિચારક બાહરીન અને પ. પૂ. સ્વામી અવધેશાનન્દજી જેવા મહાનુભાવોએ હાજરી આપી હતી.

એકેડેમિક ઇન્ટરનેશનલ કોન્ફરન્સ યોજાઈ

આજના દિવસે પ્રમુખસ્વામી મહારાજનગરમાં ભારતની વિવિધ યુનિવર્સિટીઓ ઉપરાંત કેમ્બ્રિજ, હાવર્ડ, શિકાગો અને ટોરોન્ટોની યુનિવર્સિટીઓમાંથી કુલ 150 જેટલાં વિદ્વાનોની હાજરીમાં International Conference on Ancient Indian texts, Temple Architecture and their contribution to modern practices વિષય ઉપર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના આયોજક ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ઓફ ધ આર્ટસ, ન્યુ દિલ્હી અને BAPS સ્વામિનારાયણ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ન્યુ દિલ્લી હતા. જેમાં હાજર મહાનુભાવોએ પોતાના વક્તવ્યમાં જે કહ્યું હતું તે નીચે મુજબ છે.

પૂ. બ્રહ્મવિહારી સ્વામી, BAPS

“પ્રમુખસ્વામી મહારાજે માનવતાનાં મૂળભૂત મૂલ્યોને મંદિરો દ્વારા પોષણ આપ્યું છે. નિર્માણાધીન આબુધાબી BAPS હિન્દુ મંદિર સંવાદિતાનું પ્રતીક છે.”

ડો.સચ્ચિદાનંદ જોશી, ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ઓફ આર્ટસ

“પ્રમુખસ્વામી મહારાજ માત્ર શુભ વિચારોના જનક નહોતા, પરંતુ તેને અમલમાં મૂકી શકનાર કુશળ નેતા હતા. મંદિરોને સર્જવાની તો વાત દૂર રહી પણ આપણે પ્રમુખસ્વામી મહારાજ દ્વારા સર્જિત મંદિરોના નામ પણ યાદ રાખી શકીએ કે કેમ તે પ્રશ્ન છે.”

શ્રી શ્રીકૃષ્ણ જુગનુ, ભારતીય વાસ્તુવિજ્ઞાનના વિદ્વાન

“સંસ્કૃતિ, કળા, સ્થાપત્ય, અને ધાર્મિક પરંપરાઓના રક્ષણ માટે આગમ શાસ્ત્રો, સંહિતાઓ, શિલ્પ શાસ્ત્રો અને પુરાણોએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે.”

આ ઉપરાંત મંદિર સ્થાપત્યના નિષ્ણાત, શ્રી જી . બી. દેગલુરકરે જણાવ્યું કે પ્રમુખસ્વામી મહારાજે ૧૧૦૦ જેટલાં મંદિર નિર્માણ દ્વારા હિંદુ સંસ્કૃતિને પુનર્જીવિત કરી છે.

જ્યારે કે, EARTH ના સ્થાપક ડો. યતિન પંડ્યાએ જણાવ્યું કે મંદિરો પરિવર્તન આણે છે. મંદિરો માનવનો ભગવાન સાથે નિકટ નાટો બાંધે છે.

પ્રોફેશનલ કોન્ફરન્સનું પણ આયોજન થયું હતું

આજે પ્રમુખસ્વામી મહારાજનગરમાં એકેડેમિક બાદ પ્રોફેશનલ કોન્ફરન્સનું પણ આયોજન થયું હતું જેમાં The Confederation of Real Estate Developers’ Associations of India (CREDAI) ના સભ્યો સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે પૂ. બ્રહ્મવિહારી સ્વામી, BAPS એ જણાવ્યું હતું કે, “મુશ્કેલીના સમયમાં જે મનુષ્ય હિંમત ન ગુમાવે તેને ભગવાન સહાય કરે છે. આ નગર કષ્ટોની વચ્ચે સેવાના અદમ્ય ઉત્સાહથી આકાર પામ્યું છે. પ્રમુખસ્વામી મહારાજના જીવનમાંથી શીખવા મળે છે કે કી રીતે પ્રસિદ્ધિની કામના કર્યા વગર શુભ કાર્ય કર્યા કરવું.”

આ ઉપરાંત CREDAI ગુજરાતના પ્રમુખ હેમલ પટેલે કહ્યું હતું કે, “પ્રમુખસ્વામી મહરાજની મહાનતાને પામવા 100 કોન્ફરન્સ કરવી પડે! પ્રમુખસ્વામી મહારાજ દ્વારા સર્જિત મંદિરો અને ખાસ કરીને 23 એકરમાં 6 વરસમાં નિર્મિત ગાંધીનગર અક્ષરધામ અને 100 એકરમાં 5 વરસમાં નિર્મિત દિલ્લી અક્ષરધામ રિયલ એસ્ટેટ ક્ષેત્રની વ્યક્તિઓ માટે પ્રેરણાદાયી છે.”

જ્યારે કે, અજમેરા ગ્રુપ ઓફ કંપનીઝના રજની અજમેરાએ કહ્યું હતું કે, “આજે આપણે જે પણ કૈંક સિદ્ધ કર્યું છે તે સર્વે પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદને આભારી છે. પ્રમુખસ્વામી મહારાજે આપણાથી બનતો પુરુષાર્થ કરી પરિણામ ભગવાન પર છોડતાં શિખવાડ્યું.”

આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રાહુલ પટેલ, (M/s Patel & Co., Chartered Accountants)એ જણાવ્યું હતું કે, “આવા ભવ્ય અને સુંદર નગરનું સર્જન પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદને કારણે શક્ય બન્યું છે.”

આવતીકાલના કાર્યક્રમોની રૂપરેખા

પ્રમુખસ્વામી મહારાજનગરમાં આવતીકાલે 21 ડિસેમ્બરે, બુધવારના સવારે 9.30થી સાંજે 5.00 સુધી એકેડેમિક કોન્ફરન્સ યોજાશે જેના આયોજક ગુરુ ઘાસીદાસ યુનિવર્સિટી, બિલાસપુર, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ અને BAPS સ્વામિનારાયણ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ન્યુ દિલ્લી છે. જેનો વિષય The Role of Saints in the Empowerment of Scheduled Castes (અનુસૂચિત જાતિઓના ઉત્કર્ષમાં સંતોનું પ્રદાન) રહેશે. આ ઉપરાંત સાંજે 5.00 થી 7.30 કલાક સુધી સંધ્યા સભા  ‘સમરસતા દિન’ – Equality Day: Celebrating Equality નું આયોજન કરવામાં આવ્યું છે.

Back to top button