દિવાળીના દિવસે મુહૂર્ત ટ્રેડિંગ દરમિયાન ભારતીય શેરબજારમાં અદભૂત ઉછાળો જોવા મળ્યો હતો. પરંતુ બીજા દિવસે બજારમાં ભારે ઘટાડો નોંધાયો હતો. હકીકતમાં નબળા વૈશ્વિક સંકેતોને કારણે સોમવારે સેન્સેક્સ અને નિફ્ટી ઘટાડા સાથે બંધ થયા હતા. ખાસ કરીને ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડીઝના અમેરિકા અંગેના અહેવાલની અસર વૈશ્વિક બજારો પર દેખાઈ રહી છે. મૂડીઝે અમેરિકાના રેટિંગ આઉટલૂકમાં ફેરફાર કર્યો છે, જેના કારણે રોકાણકારોના સેન્ટિમેન્ટ પર અસર પડી છે. મૂડીઝના આ નિર્ણય પર અમેરિકી સરકારે નારાજગી વ્યક્ત કરી છે.
મૂડીઝે અમેરિકન માટે ખરાબ સમાચાર આપ્યા
મળતી માહિતી મુજબ, મૂડીઝે યુએસ ક્રેડિટ રેટિંગનો આઉટલૂક સ્થિરથી ઘટાડીને નેગેટિવ કરી દીધો છે. જોકે રેટિંગમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એજન્સીએ કહ્યું કે આ નિર્ણય વધતી જતી રાજકોષીય ખાધ અને ઘટતી લોન લેવાની ક્ષમતાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. આ વર્ષની શરૂઆતમાં ફિચે પણ અમેરિકાનું રેટિંગ ડાઉનગ્રેડ કર્યું હતું. મહત્વનુ છે કે શુક્રવારે અમેરિકન માર્કેટમાં તેજીનું વાતાવરણ હતું, પરંતુ મૂડીઝના અહેવાલે વાતાવરણ બગાડ્યું, જેના કારણે સોમવારે ભારતીય બજાર પણ ગબડવાનું શરૂ કર્યું. ટ્રેડિંગના અંતે નિફ્ટી 82 પોઈન્ટ ઘટીને 19,443.55 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. ટ્રેડિંગના અંતે BSE સેન્સેક્સ 325.58 પોઈન્ટ્સ અથવા 0.50%ના ઘટાડા સાથે 64,933.87 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.
રોકાણકારોને રૂ. 40,000 કરોડનું નુકસાન થયું છે
આ ઘટાડાને કારણે રોકાણકારોને એક જ દિવસમાં લગભગ 40,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપિટલાઇઝેશન 13 નવેમ્બરના રોજ ઘટીને રૂ. 3,22,07 લાખ કરોડ થઈ હતી, જે તેના અગાઉના ટ્રેડિંગ દિવસે એટલે કે રવિવાર, 12 નવેમ્બરે રૂ. 3,22,48 લાખ કરોડ હતી. આ રીતે, BSE માં લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં આજે લગભગ 40,000 કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. ટ્રેડિંગના અંતે સેન્સેક્સના 30 માંથી માત્ર 6 શેર જ તેજી સાથે બંધ થયા હતા. આ પૈકી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (એમએન્ડએમ), જેએસડબલ્યુ સ્ટીલ, એનટીપીસી, પાવર ગ્રીડ અને ઈન્ડસઈન્ડ બેંકના શેર ઊંચા સ્તરે બંધ થયા હતા. જ્યારે સૌથી વધુ ઘટાડો બજાજ ફાઇનાન્સ, ઇન્ફોસિસ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) અને ICICI બેન્કના શેરમાં જોવા મળ્યો હતો.