એક તરફ મતદારોમાં ઉત્સાહ તો બીજી તરફ રાજ્યમાં 3 જગ્યાએ ખોટકાયું EVM
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કાની 93 બેઠકો પરનું મતદાન સવારથી શરુ થઈ ચૂક્યું છે. ગુજરાતમાં કુલ 14 જિલ્લાઓમાં મતદાન થઈ રહ્યું છે, ત્યારે ગુજરાતનાં અમુક મતદાન મથકો પર ઇવીએમ મશીન બંધ પડ્યું હતું. એક તરફ વહેલી સવારથી મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે મોટાભાગના મતદાન મથકો પર મતદારોની લાંબી લાઈનો લાગી ગઈ છે, ત્યારે અમદાવાદ, વડોદરા અને મોડાસાનાં મથકો પર ઇવીએમ મશીન બંધ થતા મતદાન પ્રક્રિયાને અટકાવવામાં આવી હતી, અને મતદારોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
આ પણ વાંચો : Live Update : મધ્યગુજરાતના 8 જિલ્લામાં મતદાન શરુ, જાણો તમામ અપડેટ
અમદાવાદના નારણપુરામાં ખોટકાયું ઇવીએમ
અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલા શાળા નંબર-4 ના મતદાન મથક ખાતે ઇવીએમ ખોટકાયું હતું. જેને લીધે મતદારોએ રાહ જોવી પડી હતી. નોંધનીય છે કે આ એ જ મતદાન મથક છે જ્યાં કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ આજે સવારે 10.30 વાગે મતદાન કરવાનાં છે.
વડોદરાનાં સાવલીમાં ઇવીએમ ઠપ
બીજી તરફ વડોદરા જિલ્લાના સાવલી વિધાનસભાનાં ટુંડાવ ગામમાં 221 નંબરના મતદાન મથક પર પણ ઇવીએમ અટકી પડ્યું હતું. જેને કારણે ઇવીએમ બદલવામાં આવ્યું હતું. અહીં, મતદાનની શરુઆતમાં જ ઇવીએમ ખોટકાતા મતદાન શરુ થયાના અડધો કલાક દરમિયાન એક પણ મત પડ્યો ન હતો.
મોડાસાના સીકા ગામમાં પણ ઇવીએમ બંધ
આ ઉપરાંત ઉત્તર ગુજરાતનાં મોડાસાના સીકા ગામમાં પણ ઇવીએમ બંધ થઈ ગયું હતું. મતદાનની શરુઆતમાં જ્યારે મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને ગ્રામજનો જ્યારે વહેલી સવારથી જ લાંબી લાઇનો લગાવી મતદાન કરવા ઉભા હતા, ત્યારે ઇવીએમ અટકતા તેમને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.