સરદારસિંહ રાણાના જન્મદિન નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ અર્પણ કરાઈ
- સ્વાતંત્ર્ય સૈનિક સરદારસિંહ રાણાનો આજે 154મો જન્મ દિવસ
- આઝાદીની ચળવળમાં સરદારસિંહ રાણાનો સિંહફાળો રહેલો છે
ગાંધીનગર, 10 એપ્રિલ: ઝાલાવાડી ક્રાંતિવીર અને સ્વાતંત્ર્ય સૈનિક એવા વીર સરદારસિંહ રાણાનો આજે 154મો જન્મ દિવસ છે જેમને દેશને આઝાદ કરવાની લડાઈમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ગુજરાત વિધાનસભાના પોડિયમ ખાતે પૂજ્ય સરદારસિંહ રાણાના જન્મદિવસ નિમિત્તે તેમના તૈલચિત્રને વિધાનસભાના સચિવ ડી.એમ.પટેલે આજે બુધવારે ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સ્વ. સરદારસિંહ રાણાના જન્મદિનના આ પ્રસંગે વિધાનસભાના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉપસ્થિત રહીને રાજ્યની ભાવિ પેઢી માટે પ્રેરણારૂપ પૂજય સરદારસિંહ રાણાના તૈલચિત્રને પુષ્પાંજલિ આપી હતી. સરદારસિંહ રાણા હીરા -ઝવેરાતના ધંધાર્થે વિદેશ ગયા, જ્યાં લંડનમાં ઇન્ડિયા હાઉસ સ્થાપી આઝાદીની ક્રાંતિ માટે પ્રવૃતિ શરૂ કરી હતી.
સરદારસિંહ રાણાએ મેડમ કામા સાથે સૂર્ય-ચંદ્રના નિશાનવાળો હિન્દનો પ્રથમ રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો
આઝાદીની ચળવળમાં સરદારસિંહ રાણાનો સિંહફાળો રહ્યો હતો. ક્રાંતિકારી અને સ્વાતંત્ર્ય સૈનિક સરદારસિંહ રાણા શ્યામજી કૃષ્ણ વર્માના પરિચયમાં આવતાં આઝાદીના રંગે રંગાયા હતા.સરદારસિંહ રાણાએ વર્ષ-૧૯૦૭માં જર્મનીમાં યોજાયેલી આંત૨રાષ્ટ્રિય સમાજવાદી પરિષદમાં હાજર રહીને મેડમ કામા સાથે સૂર્ય-ચંદ્રના નિશાનવાળો હિન્દનો પ્રથમ રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો.
સરદારસિંહ રાણા સંપૂર્ણપણે દેશ પ્રેમની ભાવના ધરાવતા અને વિલાયતી દવાઓ કરતા નેચરોપેથીમાં વિશ્વાસ કરતા હતા. ગુજરાતના સુપુત્ર એવા સરદારસિંહ રાણાએ વિદેશમાં જઈ ક્રાંતિવીરોને દેશની આઝાદી માટે તૈયાર કર્યા હતા અને તેમને સંપૂર્ણ જીવન દેશ માટે અર્પણ કર્યું હતું.
સુરેન્દ્રનગરના કંથારીયા ગામમાં સરદારસિંહ રાણાનો થયો હતો જન્મ
સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના કંથારીયા ગામે જન્મેલા સરદારસિંહ રાણાનું બાળપણ પોતાના ગામ કંથારિયામાં વીત્યું હતું. જ્યારે તેમણે તેમનો અભ્યાસ કંથારિયા, ધ્રાંગધ્રા, રાજકોટ, મુંબઈ અને પુના ખાતે કર્યો હતો. હીરા-ઝવેરાતના ધંધાર્થે તેઓ વિદેશ ગયા. રાણાએ લંડનમાં ઈન્ડિયા હાઉસની સ્થાપના કરી ભારતની ક્રાંતિ માટે પ્રવૃત્તિ શરૂ કરી. જ્યાં તેમને પંડિત શ્યામજી કૃષ્ણવર્મા અને મેડમ કામા સાથે મળીને ભારતની આઝાદી માટે ક્રાંતિકારી ચળવળ શરૂ કરી હતી.
ઝાલાવાડના પનોતા પુત્ર અને કંથારિયા ગામના સરદારસિંહ રવાજીભાઇ રાણાનો જન્મ 10 એપ્રિલ 1870ના રોજ ફુલજીબાની કુખે થયો હતો. તેઓએ પ્રાથમીક શિક્ષણ કંથારિયા ગામની શાળામાં કર્યા બાદ રાજકોટ આલ્ફ્રેડ સ્કૂલમાં અભ્યાસ કરવા ગયા હતા.જ્યાં ગાંધીજી સાથે મુલાકાત થઇ ગાંધીજી તેમને પ્રેમથી સદુભા કહીને સંબોધતા હતા. પુનાની ફગ્રેરીન કોલેજમાં સ્નાતક ડિગ્રી દરમિયાન લોકમાન્ય તિલક સાથે મળ્યા. 1898માં વધુ અભ્યાસ માટે લંડન ગયા 1900માં બાર એટર્નીની પરીક્ષા પાસ કરી બેરિસ્ટર બન્યા. લંડનમાં દાદાભાઇ નવરોજીને મળતા આઝાદીના રંગે રંગાયા હતા.
સરદારસિંહ રાણાએ પોતાની સંપત્તિ દેશની અલગ-અલગ યુનિવર્સિટીને દાન આપી
ફ્રાંસ જઇ ઝવેરાતના ઘંધામાં જંપલાવી જીવનચંદશેઢ સાથે કામ કર્યું. પેરીસમાં તેમને શ્યામજીકૃષ્ણ વર્મા મળ્યા જ્યાંથી ઇન્ડિયન હાઉસ સ્વતંત્રતા સેનાનીઓ મળતા ક્રાંતિકારી ચળવળનું કેન્દ્ર બન્યું હતું. જેમાં સરદારસિંહ રાણાએ આગેવાની કરી હતી. સરદારસિંહ રાણાએ શિક્ષણને ભારતનો પાયો હોવાનું માનતા હોવાથી પોતાની સંપત્તિ દેશની અલગ-અલગ યુનિવર્સિટીને દાન આપી હતી. 1952માં યોજાયેલી પહેલી લોકસભાની ચૂંટણીમાં જે 60 સાંસદો ચૂંટાયા તે સરદારસિંહ આપેલી સ્કોલરશિપ મેળવી ભણ્યા હતા. ટપાલ વિભાગે સરદારસિંહ રાણાની સ્મૃતિ કાયમી રાખવા સરદારસિંહના નામની પોસ્ટલ કવર બહાર પાડ્યું હતું. સુરેન્દ્રનગર, મૂળી અને ધ્રાંગધ્રાને જોડતા બ્રિજને સરદારસિંહ રાણા બ્રિજ નામ આપવામાં આવ્યું છે.
આ પણ જુઓ: અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સ્કીન બેંકનો પ્રારંભ કરાયા બાદ પહેલી વાર ત્વચા-ચામડીનું દાન મળ્યું