ભારત 74માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યું છે. ત્યારે સરકારે પદ્મ પુરસ્કારની જાહેરાત કરી છે. ગણતંત્ર દિવસની પુર્વ સંધ્યાએ સરકારે 2023 માટેના પદ્મ પુરસ્કાર વિજેતાઓન નામ જાહેરાત કર્યા છે. આ વખતે એક પદ્મ વિભૂષણ અને 25 પદ્મશ્રીના નામ જાહેર કરાયા છે. આ યાદીમાં એક ગુજરાતી નામ હીરાબાઈ લોબીનું પણ છે. તેમને સીદી આદિવાસીઓના બાળકોના શિક્ષણ માટે તેમના યોગદાન માટે સન્માનિત કરાયા છે. આ સિવાય મુનીશ્વર ચંદર દાવરને પણ પદ્મશ્રીથી સન્માનિત કરાયા છે. તે મુળ જબલપુરના છે અને છેલ્લા 50 વર્ષથી વંચિતોની સેવા કરી રહ્યા છે. આ સિવાય હેરાકા ધર્મની જાળવણી અને સંરક્ષણ માટે જીવન સમર્પિત કરનાર દિમા હસાઓના નાગા સામાજિક કાર્યકર રામકુઇવાંગબે નુમેને સામાજિક કાર્ય માટે પદ્મશ્રીથી નવાજાયા છે.
આ પણ વાંચો: વડોદરાના કરજણમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી
હીરબાઈ કોઈ રીયલ સેલેબ્રિટીથી ઓછા નથી
ગણતંત્રની પૂર્વ સંધ્યાએ ભારત સરકાર દ્વારા પદ્મ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી હતી. આ પદ્મ પુરસ્કારોની યાદીમાં ત્રણ ગુજરાતીઓને સ્થાન અપાયું હતું. ત્રણ ગુજરાતીઓ પદ્મ શ્રી પુરસ્કાર જીત્યા હતા. જે દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારો છે. સિદી સમાજના હિરાબેન લોબીનો સમાવેશ થાય છે. જેમની સાથે અમિતાભ બચ્ચન, મુકેશ અંબાણી જેવી સેલીબ્રીટીઓ પણ તેમનું સન્માન કરી તેની સાથે ફોટોગ્રાફ્સ લેવાનો ગર્વ લીધો છે. જૂનાગઢમાં સિદી સમાજને પગભર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપનારા હીરબાઈ કોઈ રીયલ સેલેબ્રિટીથી ઓછા નથી.
એક ઉમદા જીવન ધોરણ આપવા પોતાની જિંદગી વિતાવી
જુનાગઢના તાલાલાથી આશરે 10 કિમી દૂર આવેલું જાંબુર ગામ સિદી સમાજનું ગામ છે. અહી રહેતા સિદ્દી સમાજ આમ તો ગીર સાસણના જંગલમાં રહેતો હતો અને આદિવાસી જીવન ગુજારતો હતો. આશરે સવાસો વર્ષ પહેલા સિદ્દી સમાજને જંગલમાંથી બહાર કાઢી અહી રહેવા જગ્યા આપવામાં આવી જે ધીમેધીમે એક ગામમાં ફેરવાઈ અને જાંબુર ગામે નામ પ્રસિદ્ધ થયું. આમ છતાં અહીંના સમાજની હાલત તો આદિવાસી જેવી જ અને જંગલી રહેણી કરણી હતી. આથી અહી રહેતા બાદશાહ સમાજ માટે કાઈક કરી છુટવાની હામ ધરાવતા હીરબાઈ કે જેણે સમાજનો ઉદ્ધાર કરવા અને સમાજને શિક્ષિત બનાવી એક ઉમદા જીવન ધોરણ આપવા પોતાની જિંદગી વિતાવી દીધી.
આ પણ વાંચો: બોટાદ: 74 માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી, રાજ્યપાલ અને મુખ્યમંત્રી રહ્યા હાજર
મહિલાઓને રોજીરોટી મળી રહે પોતાના પગભર થાય એ હેતુથી કામ કર્યું
સરકાર પાસે મદદ લેવા છેક ગાંધીનગર પહોંચતા હીરબાઈ ભણેલા ન હતા પણ ગણેલા જરૂર હતા તેની પ્રતીતિ સૌ કોઈને કરાવતા. એક મહિલા ધારે તો શું કરી શકે એ સાબિત કર્યું હીરબાઈ એ. ગામના પુરુષો જોકે હીરબાઈનો વિરોધ કરતા પરંતુ ગામની મહિલાઓનો સાથ અને સહકાર હીરબાઈને હિમત પૂરી પાડતા. હીરબાઈએ પોતાના જ ખેતરમાં ઓર્ગેનિક ખાતરની મીની ફેક્ટરી શરુ કરી અને તેમાં ગામની મહિલાઓને રોજીરોટી મળી રહે પોતાના પગભર થાય એ હેતુથી કામ પર રાખી. સાથે સાથે થોડી રકમ બચત કરતા શીખવી અને ગામમાં જ એક શરાફી મંડળી શરુ કરી, પછી ધીમે ધીમે આસપાસના ગામડાઓમાં પણ મહિલાઓ માટે મંડળી શરુ કરી. એમાં સભ્યોની સંખ્યા વધતા બેંકમાં દરેક મહિલાનું એકાઉન્ટ ખોલાવવા મહેનત કરી. ઘણા પ્રયાસો પછી બધાના એકાઉન્ટ ખુલ્યા કારણ કે કોઈ મહિલા શિક્ષિત ન હતી અને બેંક વિષે કશું જ જાણતી નહતી.પરંતુ હીરબાઈ એ હિંમત ન હારી અને પોતે જાતે ધક્કા ખાધા અને ગામની મહિલાઓ માટે બચતનું સાધન બેંક એકાઉન્ટ જ છે એમ સમજી ખાતા ખોલાવ્યા.
આ પણ વાંચો: ગુજરાતમાં આગામી દિવસોમાં ઠંડીનું જોર રહેશે, હવામાન વિભાગે આગાહી કરી
સરપંચ બની ગામનો વિકાસ કર્યો
ગામના સરપંચ તરીકે પણ હીરબાઈએ કામ કર્યું અને ગામના વિકાસ માટે અન્ય કોઈ સરપંચ બને તો સહકાર આપ્યો. જીવનના 65 વર્ષ કેમ વીતી ગયા એ વિચારતા હીરબાઈ કહે છે કે, ક્યારેય મેં મારા વિષે ન વિચાર્યું, વિચાર્યું તો આ ગામ વિષે, મારા સમાજ વિષે એટલે જ આજે ગામના તમામ બાળકો, યુવાનો, યુવતીઓ ભણેલા છે. સરકારી નોકરીઓ કરે છે, આર્મી અને નેવીમાં જોડાયા છે. હીરબાઈના ખુદના પુત્રો, પુત્રીઓ ભણી ગણી આગળ વધ્યા છે અને તમના સંતાનો એટલે કે હીરબાઈના પૌત્રો અને પુત્રીઓ પણ કોલેજોમાં ભણી રહ્યા છે.