દિવાળીની રાત્રે સિંધુભવન રોડ પર નબીરાઓએ આતંક મચાવ્યો
- દિવાળીની રાત્રે સિંધુ ભવન રોડ પર નબીરાઓએ રોડની વચ્ચે ફટાકડા ફોડ્યા
- બેફામ ફટાકડા ફોડી વાહન ચાલકોના જીવ જોખમમાં મુક્યા
- નબીરાઓના કારણે રોડ પર ટ્રાફિકજામ
અમદાવાદ: દિવાળીની રાત્રે બેફામ નબીરાઓના કારણે સિંધુભવન રોડ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ બેફામ નબીરાઓ રસ્તાની વચ્ચે જોખમી ફટાકડા ફોડી વાહનચાલકોના જીવ જોખમમાં મુક્યા હતા. દિવાળીની રાત્રે સિંધુભવન રોડ પર ટ્રાફિક જામની સ્થિતિમાં પોલીસની ગાડી ફસાઇ હતી .
પોલીસ પણ ટ્રાફિકજામમાં ફસાઈ
ગયા વર્ષે પણ કેટલાક બેફામ નબીરાઓએ સરેઆમ જોખમી ફટાકડા ફોડી જનતાનો જીવ જોખમમાં મુકી દહેશત ફેલાવી હતી. અને આ વર્ષે પણ એ સ્થિતિમાં કોઇ ફેર ન પડ્યો હોય તેમ રસ્તાની વચ્ચોવચ ફટાકડા ફૂટ્યા હતા. અમદાવાદના સિંધુભવન રોડ પર કેટલાક લોકો દારૂખાનું લઈને રસ્તા પર ઉતરી ગયા હતા. કોઈ ફૂટપાથ પર તો કોઈ રસ્તાની વચ્ચોવચ બેફામ ફટાકડા ફોડી રહ્યા હતા. પોલીસની ગાડી પણ આ ટ્રાફિક જામમાં ફસાઈ હતી પણ કોઈની હિંમત ન હતી કે આ બેફામોને રોકી શકે. મોડી રાત્ર સુધી આ તમાશો ચાલ્યો અને સામાન્ય લોકો હેરાન પરેશાન થતા રહ્યા.તાજ હોટલથી લઈને પકવાન ચાર રસ્તા સુધી જાણે ફટાકડા ફોડવા માટે પોલીસે મંજૂરી આપી હોય તે પ્રમાણેની વ્યવસ્થા થઈ ગઈ હતી. પોલીસ પણ મુકપ્રેક્ષક બની હતી.
લાંબી વાહનોની લાઈન ભારે ટ્રાફિક જામ અને આ બધાની વચ્ચે ફૂટપાથ પર હજારો રૂપિયાના ફટાકડા ફૂટી રહ્યા હતા. કોઈ ટુ-વ્હીલર ચાલક બાજુમાં જાય તો તેની બાજુમાંથી પણ ગમે ત્યારે બોમ્બ ફૂટી રહ્યા હતા. રસ્તાની વચ્ચોવચ બોમ્બ મૂકવામાં આવ્યા હતા જેના કારણે લોકો પરેશાન હતા. એટલું જ નહીં જ્યારે પણ આ પ્રકારની સ્થિતિ સર્જાય ત્યારે સ્થાનિક પોલીસને આ દિશામાં કાર્યવાહી કરવાની હોય છે. પરંતુ આખી રાત થયેલી આ સ્થિતિમાં પોલીસના વાહનો પણ આમાં ફસાઈ ગયા હતા અને તે પણ બહાર નીકળવાનો પ્રયાસ કરતા હતા.
આ પણ વાંચો, મિર્ઝાપુરમાં લોકમાન્ય તિલક એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો, કોચના કાચ તૂટ્યા