વલસાડમાં મોટી દીકરીના લગ્નની આગળની રાત્રે પિતાએ નાના જમાઈનું ઢીમ ઢાળી દીધું
વલસાડ, 30 જાન્યુઆરી 2024, પારડીના ગોયમા વિસ્તારમાં રહેતા પિતાએ નાની દીકરીના પતિનું ગળું દબાવીને હત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. હત્યા કર્યા બાદ સમગ્ર ઘટનાને આપઘાતમાં ખપાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ કેસમાં પારડી પોલીસે મૃતકનું પોસ્ટમોર્ટમ કરાવતા તેનું ગળુ દબાવીને હત્યા કરી હોવાનું જણાતા પોલીસે તપાસ વધુ તેજ કરી દીધી હતી. ત્યાર બાદ પોલીસે કડક પુછપરછ હાથ ધરતાં આરોપીએ હત્યા કરી હોવાનું કબૂલી લીધું હતું. પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સસરાએ પોલીસ સામે હત્યાનો ગુનો કબૂલી લીધો
પ્રાપ્ત વિગતો પ્રમાણે વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ગોયમા ગામે રહેતા વિનોદભાઈ ગુલાબભાઈ પટેલ અને તેમનાં પરિવારજનો 28મી તારીખે તેમના જમાઈને કપરાડા CHC ખાતે લઈ ગયા હતા. આ બનાવ આત્મહત્યાનો હોવાથી કપરાડા CHCના તબીબોએ પારડી પોલીસને ઘટનાની જાણ કરી હતી.પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ ખાતે ખસેડ્યો હતો. જમાઈના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવતાં ગળે ટૂંપો આપી તેમની હત્યા કરવામાં આવી હોવાનું તારણ જાણવા મળ્યું હતું. બનાવને આપઘાત ગણાવનાર સસરાની પૂછપરછ કરતાં પોતે જ જમાઈની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.
પીએમ રિપોર્ટમાં હત્યાનો ઘટસ્ફોટ થયો હતો
26 તારીખે સવારે જમાઈ રિતેશ કોઈ કારણોસર પત્ની અને સાસુ સાથે મારામારી કરીને ત્યાંથી નીકળી ગયો હતો. 27મી તારીખે રાત્રે વિનોદભાઈની મોટી દીકરીના લગ્ન પ્રસંગના દાંડિયા રાસ હોવાથી જમાઈ રિતેશ પણ ત્યાં આવ્યો હતો. વિનોદભાઈએ પુત્રી અને પત્ની સાથે મારામારી બાબતે પૂછપરછ કરતા રિતેશે યોગ્ય જવાબ આપ્યો નહોતો. જેથી વિનોદભાઈ ગુસ્સે ભરાયા હતા અને તેની ગળે ટૂંપો દઈ હત્યા કરી હતી. જમાઈની હત્યા કર્યા બાદ 28મી તારીખે વિનોદભાઈ રિતેશના મૃતદેહને કપરાડા CHC લઈ ગયા હતા. જ્યાં પોતાના ઘર પર જમાઈએ અગમ્ય કારણસર આપઘાત કરી લીધાની જાહેરાત કરી હત્યાના બનાવને આપઘાતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પીએમ રિપોર્ટમાં હત્યાનો ઘટસ્ફોટ થયો હતો.
પોલીસે સસરાની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી
વિનોદભાઈની મોટી પુત્રીના 28મી તારીખે લગ્ન હતા અને જાન આવવાની હતી, પરંતુ એ પહેલાં જ 27મી તારીખે રાત્રે દાંડિયારાસ પત્યા બાદ હત્યાનો આ બનાવ બન્યો હતો. મૃતક રિતેશે પાંચ વર્ષ પૂર્વે વિનોદભાઈની નાની દીકરી સાથે લવ-મેરેજ કર્યા હતા. તે અવારનવાર સસરાના ઘરે આવતો જતો રહેતો હતો. પરંતુ 26મી તારીખે કોઈ કારણોસર પત્ની અને સાસુ સાથે મારામારી કર્યા બાદ મામલો એટલો ઉગ્ર બન્યો હતો કે સસરાએ પોતાના ઘરે પ્રસંગ હોવા છતાં આ ગંભીર ગુનાને અંજામ આપી દીધો હતો. પોલીસે સસરાની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃરાજકોટમાં માતાએ 9 માસની બાળકીને એસિડ પીવડાવી પોતે જીવન ટૂંકાવ્યું