નોરતાંના પ્રથમ દિવસે રાજ્યભરમાં હાર્ટ એટેકના 58 કેસ નોંધાયા
- અમદાવાદમાં હાર્ટ એટેકના 14 કેસ સામે આવ્યા
- EMRI 108 ઈમરજન્સી સર્વિસે ડેટા બહાર પાડ્યો
- આયોજકો દ્વારા તબીબોની ઈમરજન્સી ટીમ તૈનાત
નવરાત્રીના પહેલા દિવસે રવિવારે રાજ્યભરમાંથી હાર્ટ એટેકના 58 કેસ નોંધાયા હતા, જેમાંથી 14 એકલા અમદાવાદના હતા. EMRI 108 ઈમરજન્સી સર્વિસે રવિવારે સાંજે 6 વાગ્યાથી મધરાત 12 વાગ્યા સુધી 6 કલાકનો ડેટા જાહેર કર્યો હતો. જેમાં હાર્ટ એટેકના કેસ ઉપરાંત માર્ગ અકસ્માત, તાવ, શ્વાસ લેવામાં તકલીફ વગેરેના આંકડા બહાર પાડ્યા હતા. આ ડેટા પરથી એમ પણ જાણવા મળ્યું છે કે, સામાન્ય દિવસોની સરખામણીમાં માર્ગ અકસ્માતનું પ્રમાણ 21% જેટલું વધ્યું છે.
નવરાત્રીમાં ઉત્સાહની સાથે સાથે સ્વાસ્થ્યને લઈને ચિંતામાં પણ વધારો
આ વખતે નવરાત્રીમાં ઉત્સાહની સાથે સાથે સ્વાસ્થ્યને લઈને ચિંતામાં પણ વધારો થયો છે. હાર્ટ એટેકના સતત વધતા બનાવોને લઈ નવરાત્રીના આયોજકો દ્વારા તબીબોની ઈમરજન્સી ટીમ, એમ્બ્યુલન્સ સહિત મેડિકલ સેવા ગરબા ગ્રાઉન્ડ નજીક ઉપસ્થિત રાખવાનો નિર્ણય કર્યો છે. ગરબા રમતી વખતે ક્યાંક થોડીઘણી પણ તકલીફ જણાય તો રમવાનું તુરત જ બંધ કરી મેડિકલ સેવા માટે આગ્રહ રાખવા જણાવાયું છે. ખાસ કરીને જે લોકોને બીપી, હ્યદયરોગ તથા ડાયાબીટીસની બિમારી છે, દવાઓ ચાલુ છે તેમને લાંબા સમય સુધી ગરબા નહી રમવા સૂચન કરાયું છે. શ્વાસોશ્વાસની તકલીફ સહેજપણ જણાય તે સાથે જ ગરબા રમવાનું બંધ કરી દેવા કહેવામાં આવ્યું છે. તબીબો દ્વારા એક ગાઈડલાઈન આપવામાં આવી છે.
આ વખતે નવરાત્રી પહેલા જેવી સામાન્ય નથી. પહેલા તો ખેલૈયાઓ પગમાં કળ વળી જાય, પરસેવે રેબઝેબ થઈ જાય એમ મોડે સુધી ગરબે ઝૂમતા હતા. પણ કોરોના પછીની સ્થિતિમાં મોટો બદલાવ આવ્યો છે. લોકોના સ્વાસ્થય પર માઠી અસર થતી જોવા મળે છે. વધુ પરિશ્રામ કરનારાઓને સીધું હ્યદય પર જ દબાણ વધતું હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે. તબીબોના જણાવ્યા અનુસાર, વધુ પડતાં ઉત્સાહમાં ગરબા રમવાથી હૃદયની નળીમાં તિરાડ પડી લોહીનો ગંઠાવ થતા અવરોધ ઉભો થાય છે. જેનાથી હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે.
જોકે, સારી વાત એ છે કે, નવરાત્રીના પ્રથમ દિવસે જ હૃદયને લગતી તકલીફના 58 કેસ નોંધાતા સમયસર રીતે સારવાર કરવામાં આવી હતી. અને તકેદારી રાખવા સૂચનો આપવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: ગુજરાતમાં ગરબા રમતા હાર્ટ એટેકના કેસ વધ્યા, જાણો તબીબોની સલાહ