દિવાળીના પર્વે રાજકોટમાં બે-બે હત્યાથી ખળભળાટ
રાજકોટમાં દિવાળીના પર્વે હત્યાની બે-બે ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. મોરબી રોડ ઉપર રહેતા યુવાનને અન્ય શખસો સાથે ચૌદશની રાતે ફટાકડા ફોડવા બાબતે માથાકૂટ થઈ હતી જે બાબતે દિવાળીની રાતે યુવક અન્ય મિત્રો સાથે સમજાવવા જતા શખસોએ પોતાના મિત્રો સાથે મળી યુવકને છરી ઝીંકી દેતા તેનું સારવારમાં મોત થયું હતું. જ્યારે કે, કુવાડવાના પીપળીયા ગામે પૈસાની લેતી દેતી બાબતે બે પરપ્રાંતીય શ્રમિકો વચ્ચે બોલાચાલી થઈ હતી જે બાદ એક શ્રમિકે બીજાને છરી ભોંકી દેતા મોત થયું હતું.
ફટાકડા ફોડવા બાબતે થઈ હતી માથાકૂટ
રાજકોટમાં દિવાળીની રાતે પાંજરાપોળ વિસ્તારમાં હત્યાની ઘટના બની હતી. મોરબી રોડ સિલ્વર સોસાયટીમાં રહેતાં સાગર અમરાભાઇ (ધનરાજભાઇ) રાજૈયા-ગઢવી (ઉ.વ.28)ને રાતે તે પાંજરાપોળ પાસે હતો ત્યારે આ વિસ્તારના બે સગા ભાઇઓ સહિત ત્રણ જણાએ માર મારી પેટમાં છરી ભોંકી હત્યા કરી નાંખી હતી. સાગરના મામાના દિકરા કમલેશ ખાતરાને કાળી ચૌદશની રાતે ફટાકડા ફોડવા મામલે પડોશી શુભમ્, કરણ રીબડીયા અને કરણ ઝીંઝુવાડીયા સાથે ડખ્ખો થયો હતો. સાગર આ બધાને ઓળખતો હોઇ તે ગત રાતે આ ત્રણેયને પડોશમાં રહીને ઝઘડા ન કરાય તેમ કહી સમજાવતો હતો ત્યારે ત્રણેયે ગાળો દીધી હતી અને શુભમ ઉર્ફ સુબાએ ‘તું અમને સમજાવવાવાળો કોણ?’ કહી છરી ભોંકી દીધી હતી. આ ઘા જીવલેણ નીવડયો હતો.
પૈસાની લેતી દેતીમાં શ્રમિકો વચ્ચે માથાકૂટ થઈ હતી
બીજા બનાવમાં રાજકોટ નજીકના કુવાડવા વિસ્તારમાં પીપળીયા અને ધમલપર વચ્ચે આવેલા દેવ બ્રાઈટ નામના લોખંડના સળીયાને પોલીશીંગનું કામ કરતા કારખાનામાં કામ કરતા મૂળ યુપીના ગોંડા જિલ્લાના રાધેશ્યામ દેવેન્દ્ર પાંડે (ઉં.વ.26)ની શનિવારે રાત્રે તેની સાથે જ કામ કરતાં મુળ ઓરિસ્સાના બે શખ્સોએ પૈસાની લેતી દેતીના ડખ્ખામાં માથામાં પથ્થરના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. રવિવારે સવારે ધમલપર નજીકના રોડ પરના કાંઠેથી રાધેશ્યામની લાશ પડી હોવાની જાણ થતાં કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઈ ડો.એલ.કે. જેઠવા તથા ટીમે સ્થળ પર પહોંચી કાર્યવાહી કરી હતી. ત્યાં મોટો કાળમીંઢ પથ્થર પડયો હતો. જેથી તેના માથામાં ઘા ઝીંકી હત્યા કરાયાનું સ્પષ્ટ બન્યું હતું.