હોળીના દિવસે રાશિ અનુસાર કરો દાનઃ ચમકશે ભાગ્ય
રંગોનો તહેવાર હોળી આખા ભારતમાં ધૂમધામથી મનાવવામાં આવે છે. જે રીતે બધા રંગો એકસમાન હોય છે, તે રીતે તમામ મન એક રંગમાં રંગાઇ જાય છે. બધા જ લોકો જીવનમાં ખુશી, આનંદ, હર્ષોલ્લાસ સાથે આરોગ્યમય જીવનની કામના કરે છે.
હોળી પ્રગટાવવાની પાછળનું કારણ એ પણ છે કે સૃષ્ટિમાં જે પાંદડા, ડાળીઓ સુકાઇ ગયા છે, તેને એકઠા કરીને એક સ્થાન પર લાવીને સળગાવી દેવામાં આવે છે. જેના કારણે નવ સંવત્સરનુ સ્વાગત કરવામાં આવે છે. સમગ્ર સૃષ્ટિ શુદ્ધ થઇ શકે, આખુ નગર સ્વચ્છ અને સુરક્ષિત થાય તે પણ હેતુ હોય છે. આપણે ચૈત્ર મહિનાથી નવા સંવત્સરનો પ્રારંભ શુદ્ધતા સાથે કરી શકીએ તે હેતુ હોય છે. સાથે આ દિવસે રાશિ અનુરૂપ દાન પુણ્ય કરીને જીવનમાં મંગલ કામના અને સુરક્ષિત જીવનની ઇચ્છા રાખવી જોઇએ.
રાશિ અનુસાર કરો આ વસ્તુઓનું દાન
મેષઃ મેષ રાશિના જાતકોએ ધનની સાથે વસ્ત્રનું દાન કરવુ જોઇએ. સાવ ગરીબ કે નીચી જાતિના લોકોને ગોળનું દાન આપવુ જોઇએ.
વૃષભઃ આ રાશિના જાતકોએ અન્નનું દાન કરવુ જોઇએ અને ચમકીલા વસ્ત્રો પણ દાનમાં આપવા જોઇએ.
મિથુનઃ આ રાશિના જાતકોએ આખા મગનું દાન આપવુ જોઇએ. તેઓ લીલા વસ્ત્રો પણ દાનમાં આપી શકે છે.
કર્કઃ કર્ક રાશિના જાતકોએ ચોખાનું દાન આપવુ જોઇએ. આ ઉપરાંત મગ દાળ મિશ્રિત ચોખા કે ખીચડીનું દાન કરવુ જોઇએ.
સિંહઃ સિંહ રાશિના જાતકોએ ઘઉંનુ દાન અને કોઇ પ્રકાશતુલ્ય વસ્તુનુ દાન જેમ કે ટોર્ચ કે ચિમની આપવી જોઇએ.
કન્યાઃ કન્યા રાશિના જાતકોએ કોઇ ગરીબને ભોજન કરાવવુ જોઇએ અને મંદિરમાં કપાસનું દાન આપવુ જોઇએ.
તુલાઃ તુલા રાશિના જાતકોએ આ દિવસે ખાંડનું દાન અને ખાંડ ધાણા કે ગોળ ધાણાનું દાન આપવુ જોઇએ.
વૃશ્વિકઃ વૃશ્વિક રાશિના જાતકોએ આ દિવસે લાલ વસ્ત્રો અને મસુરની દાળનું દાન કરવુ જોઇએ.
ધનઃ ધન રાશિના જાતકોએ ચણાની દાળ પીળા વસ્ત્રમાં બાંઘીને તેનું હીન વ્યક્તિને દાન કરવુ જોઇએ. સાથે દક્ષિણા પણ આપવી જોઇએ.
મકરઃ મકર રાશિના જાતકોએ શ્રીફળની સાથે લોખંડની વસ્તુનુ દાન આપવુ જોઇએ.
કુંભઃ કુંભ રાશિના જાતકોએ અડદને કાળા કપડામાં બાંધીને તેનું દાન કરવુ જોઇએ સાથે બ્લેન્કેટ પણ દાનમાં આપવુ જોઇએ.
મીનઃ મીન રાશિના જાતકો વસ્ત્રનુ દાન કરે સાથે સાત પ્રકારના અનાજનું પણ દાન કરે.
આ પણ વાંચોઃ કયા સંજોગોમાં અને કોને મળે છે Y+ અને Z+ સુરક્ષા, જાણો દેશમાં સુરક્ષાની કેટલી શ્રેણીઓ છે