ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતના સ્થાપના દિવસે ગૃહ વિભાગ મોટા ફેરફાર કરે તેવી શક્યતા, ગાંધીનગરમાં પોલીસ કમિશ્નર નિમાઈ શકે

Text To Speech

અમદાવાદઃ ગુજરાતના સ્થાપના દિવસે ગૃહ વિભાગ મોટો નિર્ણય જાહેર કરે તેવી શક્યતા છે. મેગાસિટીની જેમ ગાંધીનગર માટે પણ માળખું તૈયાર કરવામાં આવશે તેવી માહિતી મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે અંતર રહ્યું નથી, બંને જોડિયા નગર બની ગયાં છે. જેથી ગાંધીનગરને હવે પોલીસ કમિશનરેટ વિસ્તાર બનાવવાની પ્રક્રિયા ઝડપથી કરવામાં આવશે. ગાંધીનગરમાં ઝોન દીઠ DCP અને ACP નિમણૂક કરવામાં આવે તેવી શક્યતા છે. ગાંધીનગર પોલીસ કમિશનર વિસ્તારનો નકશો બનાવવામાં આવશે. અમદાવાદ શહેરના છેવાડાના વિસ્તારો ગાંધીનગર પોલીસને સોંપાઈ શકે છે.

ગાંધીનગર પોલીસ કમિશનરેટ વિસ્તારમાં ફેરવાઈ શકે
અમદાવાદના સોલા, સાબરમતી, ચાંદખેડા પોલીસ સ્ટેશન ગાંધીનગર અંતર્ગત મૂકવામાં આવી શકે છે. એક સમયે ચાંદખેડા પોલીસ સ્ટેશન ગાંધીનગર પોલીસની હદમાં હતું, તે અમદાવાદ કમિશનરેટને સોંપાયા પછી ફરીવાર ગાંધીનગર પોલીસની હદમાં જાય તેવી શક્યતા છે. તેવી જ રીતે રીંગ રોડ આસપાસના સોલા અને સાબરમતી પોલીસ સ્ટેશનના વિસ્તારો પણ ગાંધીનગર પોલીસ કમિશનરેટ વિસ્તારમાં જાય તેવી શક્યતા છે.

SPના તાબામાં સાત DYSP કે SDPO કાર્યરત છે
ગાંધીનગર જિલ્લા પોલીસમાં અત્યારે SPના તાબામાં સાત DYSP કે SDPO કાર્યરત છે. ટ્રાફિક વિભાગ સીધો જ પોલીસ વડાના તાબામાં છે. જ્યારે ગાંધીનગરમાં પોલીસ કમિશનરની સત્તા આવશે એટલે IGP કક્ષાના પોલીસ કમિશનરના તાબામાં 5 DCP કાર્યરત રહેશે. કુલ 14 પોલીસ સ્ટેશન બે DCPના સુપરવિઝનમાં વહેંચી દેવાશે. ઝોન-1 A ડીવિઝનમાં કલોલ શહેર, કલોલ તાલુકા, માણસા, સાંતેજ, બી ડીવિઝનમાં અડાલજ, ચાંદખેડા અને સોલા પોલીસ સ્ટેશન રહેશે. જ્યારે ઝોન-2 DCPના તાબામાં C ડીવિઝન હેઠળ સેક્ટર-21, સેક્ટર-7, ઈન્ફોસિટી, પેથાપુર, D ડીવિઝનના તાબામાં ચિલોડા, દહેગામ, રખિયાલ અને ડભોડા પોલીસ સ્ટેશન રહે તેવી શક્યતાઓ છે.

પોલીસ કમિશનર હેઠળ 5 DCP હોઈ શકે
સચિવાલય અને વીઆઈપી સિક્યુરિટી માટે DCP કક્ષાના અધિકારી હેઠળ આખી ટીમ રહે તેવી શક્યતાઓ છે. આ ઉપરાંત વહીવટ અને સ્પેશ્યલ બ્રાન્ચ DCP તેમજ ક્રાઈમ બ્રાન્ચ અને ટ્રાફિકના અલગ DCP રહેશે. આમ, IGP કક્ષાના પોલીસ કમિશનર હેઠળ પાંચ ડીસીપી હોઈ શકે છે. હાલમાં ગાંધીનગરનો હવાલો DCP (SP) કેડરના અધિકારી સંભાળે છે. હવે, DCP (SP) કક્ષાના પાંચ અધિકારી ગાંધીનગરને મળી શકે છે.

Back to top button