મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના કાર્યકાળને પ્રથમ વર્ષ પૂર્ણ થવા પર ત્રણ દિવસ આ રીતે થશે ઉજવણી
એક વર્ષ પહેલાં આજના જ દિવસે ભુપેન્દ્ર પટેલની ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પસંદગી થઈ હતી. જેની ઉજવણી રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી રહી છે. આ માટે રાજ્યમાં ત્રણ દિવસ સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે. જેના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા નવા પ્રોજેક્ટના ખાતમુહૂર્ત અને કરોડોના પ્રોજેક્ટનું લોકાર્પણ પણ કરવામાં આવશે.
આ વચ્ચે તમામ પ્રધાનોને રાજ્યના વિવિધ વિસ્તારોમાં મોકલીને કરોડોના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. 13 સપ્ટેમ્બરે રાજ્ય સરકાર દ્વારા ‘વિશ્વાસથી વિકાસ’ના સૂત્ર હેઠળ એક વર્ષની ઉજવણી કરવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેમાં મુખ્યપ્રધાન 10 હજાર કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપશે. જેમાં આજે પ્રાંત કક્ષાએ કાર્યક્રમોનું આયોજન છે. આ માટે 4 હજાર 500 કરોડના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થશે. આવતીકાલે જિલ્લા કક્ષાએ કાર્યક્રમો યોજાશે અને 15 સપ્ટેમ્બરે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજાશે.
આ પણ વાંચો : ભુપેન્દ્રભાઈ પટેલ : સામાન્ય કાર્યકર્તાથી મુખ્યમંત્રી સુધીની સફરની એક ઝલક
મુખ્યપ્રધાને એક વર્ષમાં કરેલા કામો
ભુપેન્દ્ર પટેલે મુખ્યપ્રધાન તરીકે રાજ્યની કમાન સંભાળતાં જ તમામ સરકારી વિભાગોમાં જે કેટલાય સમયથી જે સરકારી જગ્યાઓ ખાલી પડી હતી, તેને ફરીથી ભરવા માટેની જાહેરાત કરવામાં આવી હતી. તેમણે 50 હજાર સરકારી ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. જે પછી 99 ટકા ગ્રામીણ ક્ષેત્રને લગતી જરૂરિયાતોના પ્રશ્નો ઘેર બેઠા જ સમાધાન થાય તે પ્રકારની વ્યવસ્થા પણ કરી છે. એક વર્ષની અંદર રાજ્ય સરકારે પોલીસના આર્થિક પ્રશ્નની કામગીરી હોય અને રાજ્ય સરકારના કર્મચારીઓની પગાર ભથ્થાની કામગીરી હોય અથવા તો જાહેર જનતાના પ્રશ્નોની કામગીરી હોય, તે મહત્વના પ્રશ્નોનું ઉકેલ લાવી છે.