પાકિસ્તાન આર્થિક રીતે તૂટવાની અણીએ, PM શાહબાઝ મદદ માગવા સાઉદી ગયા


ઇન્ટરનેશનલ ડેસ્ક: પાકિસ્તાનની શાહબાઝ સરકાર માટે ખાલી સરકારી ભંડોળ આફતનું કારણ બની શકે છે. પાકિસ્તાન સરકારના નાણામંત્રી મિફતાહ ઈસ્માઈલે સાઉદી અરબની સરકારને અપીલ કરી હતી કે તે સ્ટેટ બેન્ક ઓફ પાકિસ્તાન(એસબીપી)માં જમા કરેલા 23 હજાર કરોડની ડિપોઝિટ ન ઉપાડે. ખરેખર પાકિસ્તાનનો વિદેશી હૂંડિયામણ રિઝર્વ ઘટીને 78 હજાર કરોડ રૂપિયા જ રહી ગયો છે.
પાકિસ્તાનમાં મોંઘવારી આકાશને આંબી રહી છે. અહીં 10 કિલો લોટ લગભગ 900 રૂ.માં મળી રહ્યો છે. દૂધ 150 રૂ. પ્રતિ લિટરના હિસાબે વેચાઈ રહ્યું છે. અહીં ખાદ્ય પદાર્થોનો મોંઘવારી દર 17 ટકાથી વધુ છે. પાક.માં હાલ મોંઘવારી દર લગભગ છેલ્લાં 70 વર્ષમાં સૌથી રેકોર્ડ બ્રેકિંગ સ્તરે છે. અહીં મોંઘવારી દર 13.4 ટકા છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ વધી ગયા છે. પેટ્રો પદાર્થોના ભાવમાં ગત 6 મહિનામાં 28.8 ટકાનો વધારો થયો છે. લોકોમાં રોષ વધી રહ્યો છે.
નવા પાકિસ્તાની પીએમ શાહબાઝ તેમની પ્રથમ વિદેશયાત્રા પર સાઉદી અરબ દેવું ચૂકવવાની મુદત વધારવા અને નવી લોનની અપીલ સાથે પહોંચ્યા હતા. હાલ અમેરિકા અને ચીન પાસેથી આર્થિક મદદ મળી રહી નથી.