ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

આતંકી હુમલાની વરસીને દિવસે લોકસભામાં બે જણનો આતંક, જોકે હવે સબ સલામત

  • બે જણ પ્રેક્ષક ગેલરીમાંથી કૂદ્યા, પીળો ધૂમાડો ચારે બાજુ છોડ્યો
  • થોડી ક્ષણ માટે લોકસભામાં અફરાતફરી મચી, બંને જણ પકડાઈ જતા સાંસદોએ રાહતનો દમ લીધો
  • હવે ચિંતાનું કોઈ કારણ નહીં હોવાનું લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાનું આશ્વાસન

નવી દિલ્હી, 13 ડિસેમ્બર, 2023: લોકસભાની કાર્યવાહી દરમિયાન આજે શૂન્યકાળ દરમિયાન સાંસદો તેમના પ્રશ્નો રજૂ કરી રહ્યા હતા તે સમયે પ્રેક્ષક ગેલરીમાંથી બે જણા સાંસદો બેસે છે ત્યાં અચાનક કૂદ્યા હતા અને ધૂમાડા જેવો પદાર્થ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે કેટલાક હિંમતવાન સાંસદોએ આ બંનેને પકડી લીધા હતા અને તે દરમિયાન સલામતી જવાનો પણ આવી પહોંચ્યા હતા, જેમણે આ બંનેને પકડીને પોલીસને હવાલે કર્યા હતા.

ભારતીય સંસદ ઉપર આજથી બરાબર 22 વર્ષ પહેલાં 13 ડિસેમ્બરે પાકિસ્તાની આતંકીઓએ હુમલો કર્યો હતો અને તેની આજે વરસી હતી. આજે સંસદ શરૂ થઈ તે પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત તમામ પક્ષના નેતાઓએ 13 ડિસેમ્બર 2001ની ઘટનાના હુતાત્માઓને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારબાદ જોકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશમાં ભાજપની નવી સરકારના શપથવિધિ સમારંભમાં ભાગ લેવા માટે ચાલ્યા ગયા હતા, તેથી આજે સંસદમાં આ ઘટના બની તે સમયે પીએમ મોદી ગૃહમાં કે સંસદભવનમાં નહોતા.

ઘટનાબાદ તરત જ લોકસભાની કાર્યવાહી થોડા સમય માટે સ્થગિત કરી દેવામાં આવી હતી. જોકે, એકાદ કલાક બાદ ફરી સંસદની કાર્યવાહી શરૂ થઈ હતી અને તે સમયે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ પોતે નિવેદન કરતાં કહ્યું હતું કે, શૂન્યકાળ દરમિયાન જે કોઈ ઘટના બની તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે. આ બાબતે દિલ્હી પોલીસને જરૂરી નિર્દેશ આપવામાં આવ્યા છે. તોફાની તત્વોએ માત્ર ધૂમાડો છોડ્યો હતો અને તેનાથી ચિંતાનું કોઈ કારણ નથી.


સંસદની પરંપરા મુજબ લોકસભાની કાર્યવાહી જોવાની સામાન્ય નાગરિકોને સુવિધા આપવામાં આવે છે, પરંતુ તે માટે કોઈપણ ચૂંટાયેલા સંસદસભ્યની સત્તાવાર ભલામણ હોવી જરૂરી છે. આ કેસમાં પણ જે બે જણે આજે તોફાન મચાવ્યું તે કોઇને કોઈ સાંસદની ભલામણથી જ આવ્યા હશે અને દેખીતી રીતે તે અંગે તપાસ અને કાર્યવાહી થશે. પ્રાથમિક જાણકારી મુજબ આ બંને જણા મૈસૂરના સાંસદની ભલામણથી આજે સંસદની કાર્યવાહી જોવા આવ્યા હતા.

દરમિયાન દિલ્હી પોલીસના ટોચના આધિકારીઓ પણ સંસદ ભવન પહોંચી ગયા છે અને કેસની તપાસ શરૂ કરી દીધી છે.


આ પણ વાંચોઃ BREAKING NEWS : લોકસભામાં પ્રેક્ષક ગેલરીમાંથી બે જણ કૂદ્યા, જોખમ જણાતા સંસદ સ્થગિત

Back to top button