ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 138માં સ્થાપના દિવસની ઉજવણી તથા કોંગ્રેસ સેવાદળના 99માં સ્થાપના દિન ઉજવણી પ્રસંગે યોજાયેલ ધ્વજવંદન બાદ મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, સેવા, સમર્પણ અને સ્વરાજની ભાવના સાથે સ્થપાયેલ ભારતીય કોંગ્રેસ પક્ષ 1885થી અનેક ચડાવ – ઉતાર, સત્તા અને સંઘર્ષ વચ્ચે પણ દેશની એકતા, અખંડિતતા, બિનસાંપ્રદાયિકતા, સમાનતાના સિધ્ધાંતો સાથે કોંગ્રેસની વિચારધારા આજદિન સુધી ક્યારેય પણ કોઈપણ પ્રકારની બાંધછોડ નથી કરી. આ કોંગ્રેસની વિચારધારા છે. જેને આઝાદ ભારતમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરના નેતૃત્વમાં બંધારણ આપ્યું છે.
દેશની પ્રગતિ માટે સૌનું યોગદાન હોવું જોઈએ
બંધારણમાં દરેકને વાણીની સ્વતંત્રતા, વિચારોની સ્વતંત્રતા, અભિવ્યક્તિની સ્વતંત્રતા સાથેસાથે ધર્મ, જાતિ, પ્રાંતથી ઉપર ઉઠી તમામ લોકો એક છે અને ભારત દેશના વિકાસ માટે, દેશની પ્રગતિ માટે સૌનું યોગદાન હોવું જોઈએ, સૌનો દેશ પર અધિકાર છે. આ ભાવના સાથે વિશ્વનો શ્રેષ્ઠ કહી શકાય તેવુ બંધારણ આપ્યું. આટલા વર્ષોના શાસનોમાં કોંગ્રેસપક્ષ અનેકવાર સત્તા ઉપર પણ આવ્યો અને અનેક વાર વિપક્ષમાં પણ રહ્યો તેમ છતા પણ હંમેશા જ્યારે દેશનાં એકતા અખંડિતતાની વાત આવે ત્યારે રાજનીતીથી ઉપર ઉઠી દેશને પહેલુ પ્રાધાન્ય આપ્યું છે. જ્યારે પણ સંવૈધાનીક અધિકારોના હનન થાય, કોઈપણ નાગરીકને અન્યાય થાય, જ્યારે પણ કોઈ ધર્મ, જાતિ કે પ્રાંતના નામે ભેદભાવની વાત કરે ત્યારે હરહંમેશ સંવિધાનની રક્ષાની માટે કોંગ્રેસના કાર્યકરોએ આગળ આવીને કામ કર્યું છે.
શાસન આજે અંગ્રેજોને પણ શરમ આવે તે રીતે ચાલી રહ્યું છે
આજે દેશની સાંપ્રત પરિસ્થિતિઓમાં છે, સંવૈધાનીક સંસ્થાઓનો દુરુપયોગ થઈ રહ્યો છે, ક્યાક ને ક્યાંક જાતિ, ધર્મના નામે ભાગલા પાડીને રાજનીતિ થઈ રહી છે. ત્યારે ભારત વાસીઓને જે ડૉ. બાબાસાહેબ આંબેડકરના બંધારણે સંવૈધાનીક અધિકારો આપ્યા જેમાં અભિવ્યક્તિની આઝાદી, બોલવાની આઝાદી, વિચારોની આઝાદી, લખવાની આઝાદી, વિરોધ કરવાની આઝાદી, આ તમામ આઝાદી પર આજે ભાજપ સરકાર સંવૈધાનીક અધિકારોનો હનન કરી રહી છે. અંગ્રેજોનું અન્યાય અને અત્યાચારનું શાસન ચાલતુ હતુ, લોકોનો અવાજ દબાવવો લોકોની સ્વતંત્રતા છીનવાની એ જ પ્રકારનું શાસન આજે અંગ્રેજોને પણ શરમ આવે તે રીતે ચાલી રહ્યું છે. આજના દિવસે આઝાદીની લડતમાં લડતા લડવૈયાઓને પણ યાદ કરવાજ રહ્યાં. મહાત્મા ગાંધીના નેતૃત્વમાં સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ, ડૉ. બાબાસાહેબ આંબેડકર, મૌલાના અબુલ કલામ સહિત અનેક નામી અનામી સ્વાતંત્ર્ય સેનાનીઓના ત્યાગ અને સમર્પણના કારણે આજે આપણે આઝાદી ભોગવી રહ્યાં છીએ.
વડાપ્રધાન મનમોહનસિંહનો સમયગાળો અધિકારોનો દાયકો ગણાય છે
દેશી રજવાડાઓને એક કરવા માટે થઈને સરદાર વલ્લભભાઈ પટેલે તિરંગાને સન્માન આપ્યું હતું. જ્યારે દેશમાં ટાંકણી પણ નહોતી બનતી ત્યારે દેશમાં નવરત્નોની સ્થાપના કરીને દેશને સ્વાવલંબી બનાવવા માટે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ તિરંગાને સન્માન આપ્યું હતું. જયજવાન જય કિસાન નો નારો આપી, પાકિસ્તાન સામે પ્રથમ યુદ્ધ જીતીને લાલબહાદુર શાસ્ત્રીએ તિરંગાને સન્માન આપ્યું હતું. પાકિસ્તાનના બે ટુકડા કરીને અને પોખરાણમાં પ્રથમ અણુધડાકો કરી વિશ્વમાં તિરંગાનું નામ રોશન ઈન્દિરા ગાંધીએ કર્યું હતું. ભારતને 21મી સદીમાં લઈ જનાર અને આઈ.ટી. અને ટેકનોલોજીક્રાંતિ લાવીને, 18 વર્ષની ઉંમરે મતદાનનો અધિકાર આપીને રાજીવ ગાંધીએ તિરંગાને સન્માન આપ્યું હતું. આર્થિક ઉદારીકરણની શરૂઆત કરીને પી.વી. નરસિંહારાવે ભારતનો ડંકો વિશ્વમાં પ્રસ્થાપિત કરીને તિરંગાને સન્માન આપ્યું હતું. યુ.પી.એ. અધ્યક્ષા સોનિયા ગાંધી અને વડાપ્રધાન મનમોહનસિંહનો સમયગાળો અધિકારોનો દાયકો ગણાય છે.
કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે રાષ્ટ્રધ્વજને સલામી આપી
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પટાંગણમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. આ ઉજવણીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ ઈન્દ્રવિજયસિંહ ગોહિલ, ધારાસભ્ય શૈલેષભાઈ પરમાર, ઈમરાનભાઈ ખેડાવાલા, અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ નીરવ બક્ષી, અમદાવાદ શહેર વિરોધપક્ષના નેતા શેહઝાદખાન પઠાણ સાથે કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં હાજરી આપી કોંગ્રેસ સ્થાપના દિવસની ઉજવણી કરી હતી.