ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સુપ્રીમ કોર્ટની નોટિસ પર બાબા રામદેવે કહ્યું, ‘મેડિકલ માફિયા મારા પાછળ પડ્યા છે’

  • સુપ્રીમ કોર્ટની નોટિસ પર યોગ ગુરુ રામદેવે સ્પષ્ટતા કરતાં કહ્યું કે પતંજલિ વિરુદ્ધ 5 વર્ષથી દુષ્પ્રચાર ચાલી રહ્યો છે. અમને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

ઉત્તરાખંડ: ભારતની સર્વોચ્ચ અદાલતે બાબા રામદેવના પતંજલિ આયુર્વેદ ઉત્પાદનોને સખત ઠપકો આપ્યો હતો અને તેમને “ભ્રામક જાહેરાતો બંધ કરવા” સખત રીતે કહ્યું હતું. તેના પર સ્વામી રામદેવે આજે પત્રકાર પરિષદમાં કહ્યું કે પતંજલિ વિરુદ્ધ 5 વર્ષથી દુષ્પ્રચાર ચાલી રહ્યો છે, અમને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. મેડિકલ માફિયા મારી પાછળ પડ્યા છે. સ્વામી રામદેવે વધુમાં કહ્યું કે અમે સુપ્રીમ કોર્ટનું સન્માન કરીએ છીએ, અમે ખોટા વચનો આપતા નથી.

  • સુપ્રીમ કોર્ટે યોગ ગુરુ રામદેવ દ્વારા સહ-સ્થાપિત હર્બલ પ્રોડક્ટ્સ બિઝનેસ પતંજલિ આયુર્વેદ પર અનેક રોગોની દવાઓ વિશેની જાહેરાતોમાં “ખોટા” અને “ભ્રામક” દાવા કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. અગાઉ સુપ્રીમ કોર્ટ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી.

“જો અમે જૂઠા હોઈએ, તો અમે મૃત્યુદંડ માટે તૈયાર છીએ” : સ્વામી રામદેવ

યોગ ગુરુ સ્વામી રામદેવે કહ્યું, “ગઈકાલથી અનેક મીડિયા સાઇટ્સ પર એક સમાચાર ચાલી રહ્યા છે કે સુપ્રીમ કોર્ટે (SC) પતંજલિને ઠપકો આપ્યો છે. SCએ કહ્યું કે જો તમે ખોટી પ્રચાર કરશો તો દંડ કરવામાં આવશે… અમે SCનું સન્માન કરીએ છીએ. પરંતુ અમે કોઈ ખોટો પ્રચાર નથી કરી રહ્યા. કેટલાક ડોકટરોએ એક જૂથ બનાવ્યું છે જે યોગ, આયુર્વેદ વગેરે વિરુદ્ધ સતત ખોટો પ્રચાર કરે છે. જો અમે જુઠ્ઠા છીએ તો અમારા પર 1000 કરોડનો દંડ કરો અને અમે મૃત્યુદંડ માટે પણ તૈયાર છીએ. પરંતુ જો અમે જૂઠા ન હોઈએ તો જે લોકો ખરેખર ખોટો પ્રચાર કરી રહ્યા છે તેમને સજા કરવી જોઈએ. છેલ્લા 5 વર્ષથી રામદેવ અને પતંજલિને નિશાન બનાવીને ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે.

 

સુપ્રીમ કોર્ટ સમક્ષ તમામ પુરાવા રજૂ કરવા તૈયાર- રામદેવ

બાબા રામદેવે કહ્યું કે અમે આયુર્વેદ દ્વારા રોગોનો ઈલાજ અને નિયંત્રણ કરી રહ્યા છીએ. અમારી પાસે આના પુરાવા છે. રામદેવે કહ્યું કે સિન્થેટિક દવાઓ બનાવનારાઓ ખોટો પ્રચાર કરી રહ્યા છે. જો અમે જુઠ્ઠા હોઈએ તો અમારા પર હજાર કરોડનો દંડ થવો જોઈએ. પતંજલિએ દુનિયાને નવો રસ્તો બતાવ્યો છે. તેમણે કહ્યું કે મને સુપ્રીમ કોર્ટમાં સંશોધન અને પુરાવા સામે બોલવાની તક મળવી જોઈએ. અમે સુપ્રીમ કોર્ટ સમક્ષ તમામ સંશોધન અને પુરાવા રજૂ કરવા તૈયાર છીએ. એલોપથીમાં પૈસાની શક્તિ છે અને આપણી પાસે જ્ઞાનની શક્તિ છે.

રામદેવે કહ્યું- અંતિમ નિર્ણય સુધી લડીશું

રામદેવે કહ્યું કે અમે ગરીબ નથી, અમારી પાસે ઋષિમુનિઓના જ્ઞાનનો વારસો છે. પરંતુ અમારી સંખ્યા ઓછી છે. અમે, એક સંસ્થા તરીકે, સમગ્ર વિશ્વના ડ્રગ માફિયાઓ સામે એકલા હાથે લડવા માટે તૈયાર છીએ. સ્વામી રામદેવ ક્યારેય ડર્યા કે હાર્યા નથી. અંતિમ નિર્ણય સુધી અમે આ લડાઈ લડીશું. સાથે જ કહ્યું કે સુપ્રીમ કોર્ટનું હંમેશા સન્માન કરવામાં આવશે.

શું છે મામલો?

પતંજલિ આયુર્વેદે દાવો કર્યો હતો કે તેમના ઉત્પાદનો કોરોનિલ અને સ્વસારીથી કોરોનાની સારવાર કરી શકાય છે. આ દાવા પછી, આયુષ મંત્રાલય દ્વારા કંપનીને ઠપકો આપવામાં આવ્યો હતો અને તરત જ તેનું પ્રમોશન રોકવા માટે કહેવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: NIAએ જબલપુર મોડ્યુલ કેસના 4 આરોપીઓ વિરૂધ્ધ ચાર્જશીટ દાખલ કરી

Back to top button