રામ નવમીએ સૂર્યના કિરણો ભગવાનના કપાળ પર તિલક કરશે, જાણો અયોધ્યા મંદિરની આ ખાસિયત
અયોધ્યા (ઉત્તર પ્રદેશ), 22 જાન્યુઆરી: રામ મંદિરમાં રામલલ્લા પધાર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજના ઐતિહાસિક દિવસે રામ લલ્લાના અભિષેકની વિધિ પૂર્ણ કરી હતી. અયોધ્યામાં બનેલા રામ મંદિર માત્ર ભવ્ય જ નથી પરંતુ આ મંદિરની ઘણી વિશેષતાઓ પણ છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે અયોધ્યા મંદિરની અનોખી વિશેષતા વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે અયોધ્યા રામ મંદિરમાં વિશેષ સૂર્ય તિલક તંત્ર છે, જેની રચના એવી રીતે કરાઈ છે કે દર વર્ષે શ્રી રામ નવમીના દિવસે બપોરના સમયે સૂર્યના કિરણો ભગવાન રામના કપાળ પર લગભગ 6 મિનિટ સુધી પડશે. તો ચાલો તેની ખાસ વિશેષતા વિશે જાણીએ.
દરેક રામ નવમી પર સૂર્યના કિરણો તિલક કરશે
રામ નવમીની સામાન્ય રીતે હિન્દુ કેલેન્ડરના પ્રથમ મહિનાની નવમી તારીખે માર્ચ-એપ્રિલમાં ઉજવણી કરવામાં આવતી હોય છે, જે ભગવાન વિષ્ણુના સાતમા અવતાર ભગવાન રામના જન્મદિવસને ચિહ્નિત કરે છે. સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (CBRI)ના સીનિયર વિજ્ઞાની ડૉ.દેવદત્ત ઘોષે જણાવ્યું કે, રામ લલ્લાની મૂર્તિના કપાળ પર રામ નવમીના દિવસે સૂર્યના કિરણો પડશે. રામ નવમી પર બપોરે 12 વાગ્યાથી 12:06 સુધી સૂર્યના કિરણો રામ લલ્લાના પર પર તિલક કરશે. આ માટે CBRIએ એવી ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે કે સૂર્યના કિરણો ગર્ભગૃહની અંદર જશે અને ભગવાન શ્રી રામની મૂર્તિ પર તિલક લગાવશે.
આ ટેકનિકથી તિલક કરવામાં આવશે
CBRIના પ્રિન્સિપાલ સાયન્ટિસ્ટ ડૉ.નવલ કિશોરે જણાવ્યું હતું કે CBRIના ચીફ સાયન્ટિસ્ટ ડૉ.એસ.કે.પાણિગ્રહીની ટીમ દ્વારા આ યાંત્રિક સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે. જેમાં વીજળી કે બેટરીની જરૂર પડતી નથી, આ મેન્યુઅલી ઓપરેટેડ સિસ્ટમ બનાવવા માટે માત્ર બ્રાસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સૂર્ય તિલક 75 MMનું હશે, જે રામ નવમીના દિવસે બપોરે છ મિનિટ સુધી ભગવાન રામના કપાળ પર થશે. આ ખાસ તિલક દર વર્ષે રામ નવમીના અવસરે જ જોવા મળશે. મંદિરના ત્રીજા માળે સ્થાપિત થનારી ઑપ્ટોમિકેનિકલ સિસ્ટમમાં ઉચ્ચ ગુણવત્તાવાળા અરીસાઓ (M1 અને M2), એક લેન્સ (L1), અને ચોક્કસ ખૂણા (L2 અને L3) પર લેન્સ સાથે ઊભી પાઇપિંગનો સમાવેશ થાય છે. ગ્રાઉન્ડ ફ્લૉરના કોમ્પોનન્ટ્સ મિરર્સ (M3 અને M4) અને લેન્સ (L4)નો સમાવેશ થાય છે. સૂર્યપ્રકાશ M1 પર પડે છે, અને L1, M2, L1, L2, M3 (ગભગૃહની બહાર સ્થાપિત) અને છેલ્લે M4 પર પસાર થાય છે, જેના કારણે મૂર્તિના કપાળ પર ‘તિલક’ થાય છે.
આમ, અનોખી રીતે અયોધ્યામાં રામ મંદિરને તૈયાર કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: રામ લલ્લા પ્રાણ પ્રતિષ્ઠાઃ અમેરિકા, બ્રિટન, યુએઈ સહિત વિદેશી મીડિયાએ શું કહ્યું?