22મી જૂને કોંગ્રેસના સિનિયર નેતાઓને દિલ્હીનું તેડુ, લોકસભાની ચૂંટણીને લઈને થશે બેઠક
- કોંગ્રેસની કથળતી જતી સ્થિતિને લઈ રાજ્યના અગ્રણી નેતાઓને 22મી જૂને દિલ્હીથી તેડું આવ્યું છે. રાહુલ ગાંધીએ ગુજરાતના સિનિયર નેતાઓને મુલાકાત માટે બોલાવ્યા છે.
ગુજરાતના રાજકારણમાં છેલ્લાં ઘણા સમયથી કોંગ્રેસની સ્થિતિ ખરાબ રહી છે. બે દાયકા કરતા વધુ સમયથી પાર્ટી સત્તામાં આવી શકી નથી. વર્ષ 2022માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે પોતાના ઈતિહાસનું સૌથી ખરાબ પ્રદર્શન કરતા માત્ર 17 સીટો જીતી હતી. હવે ગુજરાત કોંગ્રેસને જગદીશ ઠાકોરના સ્થાને નવા પ્રદેશ પ્રમુખ મળ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલે ગુજરાત કોંગ્રેસની કમાન સંભાળી લીધી છે. આ વચ્ચે માહિતી મળી રહી છે કે રાહુલ ગાંધીએ રાજ્યના અગ્રણી નેતાઓને દિલ્હી બોલાવ્યા છે.
ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓને દિલ્હી બોલાવ્યાં:
હાઈકમાન્ડે ગુજરાતના સિનિયર નેતાઓને 22મી જૂને દિલ્હી બોલાવ્યાં છે. જેમાં સિનિયર નેતાઓ વચ્ચે તાલમેલ નહીં હોવાથી પાર્ટીને મોટું નુકસાન ભોગવવુ પડ્યું હોવાનું હાઈકમાન્ડનું માનવું છે. ત્યારે શક્તિસિંહ ગોહિલ, જગદીશ ઠાકોર, સુખરામ રાઠવા, અમિત ચાવડા જેવા સિનિયર નેતાઓ આજે દિલ્હી જશે. જ્યાં તેમની સાથે હાઈકમાન્ડ બેઠક કરશે. આ બેઠકમાં ગુજરાતમાં પડી ભાંગેલુ સંગઠન ફરી બેઠું કરવા માટે નેતાઓને સૂચનાઓ અપાશે. તે ઉપરાંત આગામી લોકસભાની ચૂંટણીની રણનીતિને લઈને પણ ચર્ચાઓ કરાશે.
કેટલાક સિનિયર નેતાઓ ભાજપમાં જોડાઈ ગયાં:
વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસના અનેક સિનિયર નેતાઓ ભાજપમાં જોડાઈ ગયાં છે. કોંગ્રેસના તાકાતવર નેતાઓ ભાજપમાં જોડાઈ જવાથી આ વખતે કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. કોંગ્રેસના સ્થાનિક અને સિનિયર નેતાઓ વચ્ચે વધી રહેલી ટાંટિયાખેંચને કારણે પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો હોવાનું જુના કાર્યકરો જણાવી રહ્યાં છે.
આ પણ વાંચો: વિદેશ જવાના મોહમાં ગુજરાતી કપલ ઈરાનમાં ફસાયું, બંધક બનાવી રુપિયા માગ્યા