18મી જૂને વડાપ્રધાન મોદીના માતા હીરાબા 100 વર્ષનાં થશે, વડનગર ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા 18 મી જુનના રોજ 100 વર્ષ પૂર્ણ કરવાના છે. જેઓ ગાંધીનગરના રાયસણના વૃંદાવન બંગલોમાં હાલમાં રહે છે. ત્યારે રાયસણ પેટ્રોલ પંપથી 80 મીટર સુધીના માર્ગને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાના નામે નામકરણ કરવાની ગાંધીનગરના મેયર હિતેશ મકવાણાએ જાહેરાત કરી છે.
ગાંધીનગરમાં હીરાબા માર્ગ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બાને 18 જૂને 100 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. તે નિમિત્તે ગાંધીનગરના રાયસણ પેટ્રોલ પંપથી 80 મીટરના રોડને ‘પૂજ્ય હીરાબા માર્ગ’ તરીકે નામાભિધાન કરાશે. ભવિષ્યમાં આવનાર પેઢી તેમના જીવનમાંથી ત્યાગ, તપસ્યા, સેવા અને કર્તવ્યનિષ્ઠાના બોધપાઠ લઈ શકે તે હેતુસર રાયસણ પેટોલ પંપથી 80 મીટરના રોડને “પૂજ્ય હીરાબા માર્ગ” નામકરણ કરવાનું નક્કી કરાયુ છે.
આ અંગે ગાંધીનગરના મેયર હિતેશ મકવાણાએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા તા. 18 મી જૂનનાં રોજ 100 વર્ષ પૂર્ણ કરવાના છે. ગાંધીનગરની જનતાની લોક માંગ હતી કે, વડાપ્રધાનના માતા હીરાબા રાયસણમાં રહે છે જેથી આ માર્ગને તેમનું નામ આપવામાં આવે. આમ લોક લાગણીને માન આપીને રાયસણ પેટ્રોલ પંપથી 80 મીટરના રોડને હીરાબા માર્ગ તરીકે જાહેર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
PM મોદી 18 જૂને માતાના આશીર્વાદ લેવા આવશે
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબા શતાયુ વર્ષના થવા જઈ રહ્યા છે આગામી તારીખ 18 જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાત છે તે દિવસે જ તેમનો જન્મદિવસ આવી રહ્યો છે, આ દિવસે વડનગર ખાતે વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન તેમના પરિવારજનો દ્વારા કરવામાં આવ્યું છે. આ પૂજા કાર્યક્રમમાં PM મોદી પણ ઉપસ્થિત રહેશે. આ સિવાય PM મોદી પાવાગઢમાં મહાકાળી મંદિરનું ધ્વજારોહણ પણ કરશે.
હીરાબાનો 100મો જન્મદિવસ
હીરાબા આગામી તા. 18 મી જૂનના દિવસે શતાયુ વર્ષમાં પ્રવેશ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતુશ્રી શતાયુ પ્રવેશ નિમિત્તે વડનગર ખાતે સુંદરકાંડ, શિવ આરાધના અને ભજન સંધ્યાનો ત્રિવેણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સુંદરકાંડના પાઠ કેતન થામલે શિવ આરાધના અનુરાધા પોડવાલ, ભક્તિ ભજન જીતુ રાવલ, લોક હાસ્ય ગુણવંત ચુડાસમા, સંગીત નિયોજક પંકજ ભટ્ટ દ્વારા કરવામાં આવશે. શનિવારે સાંજે સાડા સાત કલાકે હાટકેશ્વર મહાદેવ મંદિર વડનગર ખાતે યોજાનારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા નગરજનોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
કાર્યક્રમને લઈને ખાસ તૈયારીઓ
18મી જૂને યોજાનારી PM મોદીની બીજી મુલાકાતની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. એક સત્તાવાર નિવેદન અનુસાર, સ્થળ પર જર્મન ટેક્નોલોજીથી બનેલા ખાસ ડોમ સહિતની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. રસ્તાઓનું કાર્પેટિંગ, પાર્કિંગની સુવિધા, લાઇટિંગ અને અન્ય સુવિધાઓની વ્યવસ્થા પણ પૂર્ણતાના આરે છે. કોઈપણ ઈમરજન્સીને પહોંચી વળવા માટે મેડિકલ ટીમો પણ સ્થળ પર તૈનાત કરવામાં આવશે.
જૂનમાં PMની બીજી ગુજરાત મુલાકાત
આ મહિનામાં PM મોદીની ગુજરાતની આ બીજી મુલાકાત હશે. આ પહેલા 10 જૂનના રોજ, તેમની પ્રથમ મુલાકાત દરમિયાન, તેમણે નવસારીના આદિવાસી વિસ્તારમાં રૂ. 3,050 કરોડના 7 પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું હતું અને આ વિસ્તારમાં પાણી પુરવઠામાં સુધારો કરવાના હેતુથી બની રહેલા અન્ય 14 થી વધુ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો.