સુરતમાં આ વર્ષે પહેલી વખત 1 લાખ રૂપિયાની મટકી ફોડવામાં આવશે


શ્રાવણ માસની સાથે તહેવારોની પણ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સુરત શહેરમાં ભાગળ ચાર રસ્તા ખાતે દર વર્ષે દહીંહાંડી (મટકીફોડ)નો કાર્યક્રમ ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવાય છે. જોકે છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે ઉજવાયો ન હતો. પરંતુ આગામી 19 ઓગસ્ટના રોજ જન્માષ્ટમીનો તહેવાર યોજાનાર છે ત્યારે આ વર્ષે પ્રથમવાર 1 લાખની મટકી ફોડવામાં આવશે.
સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિના સભ્યો તેમજ ગોવિંદા મંડળોની રવિવારે મળેલી બેઠકમાં જન્માષ્ટમીની ઉજવણીને લઇ ચર્ચા બાદ 19ઓગસ્ટના રોજ જન્માષ્ટમી નિમિત્તે ભાગળ ચારરસ્તા ખાતે પહેલીવાર એક લાખ રૂપિયાની મટકી ફોડવાનું નિર્ધારીત કરાયું છે. આ અંગે સમિતિના પ્રમુખ ગણેશભાઈ સાવંતે કહ્યું કે, ગત વર્ષ કરતા આ વર્ષે 4 ગોવિંદા મંડળોનો વધારો થયો છે જેથી હમણાં સુધી 132 ગોવિંદા મંડળ નોંધાયા છે.

આ વર્ષે ગોવિંદા ઉત્સવ સમિતિને 25 વર્ષ પૂર્ણ થાય છે તે નિમિત્તે ગુજરાત ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ દ્વારા રૂપિયા એક લાખનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે. જે ગોવિંદા મંડળ વધારે પિરામિડ મારશે તે પ્રમાણે એક લાખની મટકી ફોડવાની તક આપવામાં આવશે. તેમાં અંદાજે 8 પિરામિડ બનશે અને મટકી 40 ફુટ ઊંચી હશે.
આ પણ વાંચો : દારૂની ભઠ્ઠી શોધવામાં ટેક્નોલોજીની મદદ : સુરત જિલ્લા પોલીસે ડ્રોનનો ઉપયોગ કરી 6 ભઠ્ઠી પકડી
આ વર્ષે ભાગળ ચાર રસ્તા ખાતે 4 મટકી ફોડવામાં આવનાર છે જેમાં અંબાજી રોડના જય ભવાની મહિલા મંડળ દ્વારા પ્રથમ મટકી ફોડવામાં આવશે. જેમને 11,000નું રોકડ ઇનામ તેમજ ટ્રોફી અપાશે.ભાગળ ચાર રસ્તાની મુખ્ય મટકી ફોડવાનો લ્હાવો શ્રી લાલ દરવાજા બાળ મિત્ર મંડળને ફાળે ગયો છે, જેઓને 11,000નું રોકડ ઇનામ-ટ્રોફી, સંયોજક તરીકે જોડાનાર અડાજણ વિસ્તારના બાળગણેશ યુવક મંડળને 5,100 નું રોકડ ઇનામ- ટ્રોફી આપવામાં આવશે.