GPSનો ઉપયોગ કરવાનું ઘાતક નીવડ્યું, જન્મદિવસે જ મૃત્યુ આંબી ગયું
એર્નાકુલમ, કેરળઃ કેરળમાં રવિવારે રાત્રે અત્યંત કમનસીબ ગોઝારી દુર્ઘટના બની. જન્મદિવસની ઉજવણી કરવા નીકળેલા મિત્રોએ રાત્રિના અંધારામાં રસ્તો ન મળતા જીપીએસ-ની મદદ લીધી અને જીપીએસ એ લોકોને નદીમાં લઈ ગયું, જ્યાં પાંચ પૈકી બે મિત્ર ડૂબીને મૃત્યુ પામ્યા અને ત્રણને માંડ બચાવી લેવામાં આવ્યા.
અહેવાલ અનુસાર કેરળના એર્નાકુલમ જિલ્લામાં ડૉ. અદ્વૈત અને ડૉ. અજમલ આસિફ સહિત પાંચ મિત્રો અદ્વૈતનો જન્મદિવસ ઉજવવા નીકળ્યા હતા. કાર ડૉ. અદ્વૈતની જ હતી અને એ પોતે જ ચલાવી રહ્યા હતા. જન્મદિવસની ઉજવણી પરથી પરત આવતાં રાત્રિના 12.30 વાગી ગયા હતા. એ સમયે સમગ્ર વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો હતો અને અંધારું ઘણું હતું.
આગળ વધવાનો રસ્તો મળે એ માટે ડૉ. અદ્વૈતે GPS ચાલુ કર્યું. જીપીએસે રસ્તો બતાવવાનું શરૂ કર્યું. આગળ પાણી ભરાયેલું દેખાતું હતું છતાં ગાડી ધીમેધીમે ચાલતી હતી અને મિત્રોને એવું જ લાગ્યું કે વરસાદી પાણી ભરાયેલું છે.
જીપીએસે એ લોકોને સીધા સીધા જવાની સૂચના આપી, અદ્વૈતે ગાડી સીધી જવા દીધી અને… એકાએક આખી કાર ડૂબવા લાગી. કારમાં બેઠેલા પાંચેય મિત્રો કશું સમજે તે પહેલાં ગાડી નદીમાં ગરકાવ થવા લાગી. ડૉ. અદ્વૈત અને ડૉ. અજમલ આગળ બેઠેલા હતા એ બંને સૌપ્રથમ ડૂબ્યા અને તેમના માટે બચવાનો કોઈ માર્ગ ન રહ્યો. જોકે પાછળ બેઠેલા ત્રણ મિત્ર ગમેતેમ કરીને દરવાજા ખોલીને બહાર કૂદી ગયા અને બચી ગયા.
પોલીસના જણાવ્યા મુજબ આ તમામ ડૉક્ટર ક્રાફ્ટ હોસ્પિટલમાં કામ કરતા હતા અને દુર્ઘટનામાં બચી ગયેલા અન્ય એક ડૉક્ટર ગાઝી તબસીરે પોલીસને આ માહિતી આપી હતી.
ડૉ. અદ્વૈતનો આ 29મો જન્મદિવસ હતો પરંતુ જીપીએસથી ગેરમાર્ગે દોરવાતાં તેનો મૃત્યુદિવસ પણ બની ગયો.
આ પણ વાંચોઃ કેરળમાં ટ્રેનમાં આગ લગાડનાર શાહરૂખ સામે NIAની ચાર્જશીટ