ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ગાંધી જયંતિ પર PM મોદીએ આજે રાજઘાટ ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી, કહ્યું: બાપુને નમન

  • વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને મહાત્મા ગાંધી વિશે લખ્યું

નવી દિલ્હી, 02 ઓક્ટોબર: દેશભરમાં આજે બુધવારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું કે, “તમામ દેશવાસીઓ વતી, આદરણીય બાપુને તેમની જન્મજયંતિ પર નમન. સત્ય, સદ્ભાવ અને સમાનતા પર આધારિત તેમનું જીવન અને આદર્શો હંમેશા દેશવાસીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે.”

 

સર્વ ધર્મ પ્રાર્થના સભા

આ પ્રસંગે, ત્યાં એક સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય મંત્રીઓ સહિત ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહ્યા હતા. મહાત્મા ગાંધીનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ ગુજરાતના પોરબંદરમાં થયો હતો. તેમનો જન્મદિવસ ગાંધી જયંતિ તેમજ આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેમણે બ્રિટિશ શાસનથી ભારતને આઝાદ કરાવવાની લડાઈનું નેતૃત્વ કર્યું હતું. તેમના દ્વારા અહિંસક વિરોધનો શીખવવામાં આવેલો પાઠ આજે પણ સમગ્ર વિશ્વમાં આદરપૂર્વક યાદ કરવામાં આવે છે.

લાલ બહાદુર શાસ્ત્રીને અર્પણ કરી શ્રદ્ધાંજલિ

 

પીએમ મોદીએ ભારતના બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને પણ તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. લાલ બહાદુર શાસ્ત્રીને શ્રદ્ધાંજલિ આપતા PM મોદીએ કહ્યું કે, “ભૂતપૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી, જેમણે પોતાનું જીવનને દેશના સૈનિકો, ખેડૂતો અને આત્મસન્માન માટે સમર્પિત કર્યું, તેમને તેમની જન્મજયંતિ પર આદરપૂર્વક શ્રદ્ધાંજલિ.” વડાપ્રધાન મોદીએ લાલ બહાદુર શાસ્ત્રીના સમાધિ સ્થળ વિજય ઘાટ જઈને તેમને શ્રદ્ધાંસુમન અર્પણ કર્યા હતા. લાલ બહાદુર શાસ્ત્રી ભારતના બીજા વડાપ્રધાન હતા. તેમનો જન્મ 2 ઓક્ટોબર 1904ના રોજ ઉત્તર પ્રદેશમાં થયો હતો. તેમની સાદગી અને નમ્રતાથી લોકો પ્રભાવિત થયા. તેમણે 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ‘જય જવાન જય કિસાન’નો નારો આપ્યો હતો.

આ પણ જૂઓ: જમ્મુ કાશ્મીર : ત્રીજા અને અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ, જાણો શું કહે છે ચૂંટણી પંચના આંકડા

Back to top button