ઓમર અબ્દુલ્લાએ LG સાથે કરી મુલાકાત, સરકાર રચવા દાવો કર્યો, જૂઓ Video શું કહ્યું
- NCના સમર્થનમાં આવનાર MLAની યાદી અને પત્રો આપ્યા
- બુધવાર સુધીમાં લઈ શકે છે શપથ
શ્રીનગર, 11 ઓક્ટોબર : જમ્મુ અને કાશ્મીર નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લા શુક્રવારે સાંજે રાજભવન ગયા અને લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાને મળ્યા અને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં INDIA ગઠબંધનને 49 બેઠકો મળી છે. જેમાં નેશનલ કોન્ફરન્સને 42, કોંગ્રેસને 6 અને સીપીએમને એક સીટ મળી છે.
બીજી બાજુ નેશનલ કોન્ફરન્સને ચાર અપક્ષ ઉમેદવારોએ પણ સમર્થન આપ્યું છે. જે અપક્ષ ધારાસભ્યોએ સમર્થન આપ્યું છે તેમના નામ છે પ્યારે લાલ શર્મા, સતીશ શર્મા, ચૌધરી મોહમ્મદ અકરમ અને ડૉ. રામેશ્વર સિંહ છે. તેઓ અનુક્રમે ઈન્દરવાલ, છમ્બ, સુરનકોટ અને બાની વિધાનસભા બેઠકો પરથી જીત્યા છે. આ સાથે નેશનલ કોન્ફરન્સની કુલ બેઠકો વધીને 46 થઈ ગઈ છે અને આ ગૃહમાં બહુમતનો આંકડો પણ છે.
#WATCH | Srinagar: After meeting LG Manoj Sinha, Jammu and Kashmir National Conference Vice President Omar Abdullah says, “I met the LG and handed over letters of support that I have received from the Congress, CPM, AAP and independents. I requested him to fix a date for the… pic.twitter.com/ecF6EBgCur
— ANI (@ANI) October 11, 2024
જમ્મુની અવગણના કરવામાં આવશે નહીં
લેફ્ટનન્ટ ગવર્નરને મળ્યા બાદ ઓમર અબ્દુલ્લાએ કહ્યું, ‘મેં લેફ્ટનન્ટ ગવર્નરને કોંગ્રેસ, CPM, AAP અને અપક્ષોના સમર્થનના પત્રો સોંપ્યા છે. મેં તેમને શપથગ્રહણ સમારોહની તારીખ નક્કી કરવા વિનંતી કરી જેથી સરકાર પોતાનું કામ શરૂ કરી શકે. આ એક લાંબી પ્રક્રિયા હશે કારણ કે અહીં કેન્દ્રીય નિયમ છે. લેફ્ટનન્ટ ગવર્નર પહેલા રાષ્ટ્રપતિ ભવન અને પછી ગૃહ મંત્રાલયને દસ્તાવેજો મોકલશે. મને કહેવામાં આવ્યું છે કે તે 2-3 દિવસ લેશે. જો મંગળવાર પહેલા આવું થશે તો બુધવારે શપથ ગ્રહણ સમારોહ યોજાશે. હું માત્ર એટલું કહેવા માંગુ છું કે આ સરકારમાં જમ્મુની અવગણના કરવામાં આવશે નહીં.
અગાઉ, નેશનલ કોન્ફરન્સના નવા ચૂંટાયેલા ધારાસભ્યો દ્વારા ઓમર અબ્દુલ્લાને સર્વસંમતિથી ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા અને કોંગ્રેસે પણ તેમને ટેકો આપ્યો હતો. નેશનલ કોન્ફરન્સે 51 બેઠકો પર ચૂંટણી લડી હતી જ્યારે કોંગ્રેસે 32 બેઠકો પર ચૂંટણી લડી હતી. ભાજપે 29 બેઠકો જીતી અને બીજા નંબરની સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી હતી. મહેબૂબા મુફ્તીની આગેવાની હેઠળની પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના માત્ર 6 ઉમેદવારો જ વિજયી થયા હતા.
ઓમર અબ્દુલ્લાએ ચૂંટણી પરિણામો પછી જમ્મુ અને કાશ્મીર માટે રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાની માંગ કરી હતી અને કહ્યું હતું કે રાજ્ય સરકારે લોકોના કલ્યાણ માટે લેફ્ટનન્ટ ગવર્નર સાથે કામ કરવું જોઈએ. તેમણે કહ્યું હતું કે અમે ઈચ્છીએ છીએ કે લેફ્ટનન્ટ ગવર્નર અને સરકાર વચ્ચે કોઈ સંઘર્ષ ન થાય. અબ્દુલ્લાએ કહ્યું હતું કે તેમની સરકાર તમામ વ્યક્તિઓ માટે કામ કરશે અને જેમણે અમને વોટ નથી આપ્યા તેમની પાસેથી અમે બદલો લેવાવાળા નથી.
આ પણ વાંચો :- તામિલનાડુમાં બાગમતી એક્સ.માલગાડી સાથે અથડાતા આગ લાગી, જૂઓ વીડિયો