ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

જમ્મુ-કાશ્મીરના નવા મુખ્યમંત્રી બન્યા ઉમર અબ્દુલ્લા, સરકારમાં સામેલ ન થઈ કોંગ્રેસ

  • રાહુલ ગાંધી, ફારૂક અબ્દુલ્લા અને અખિલેશ યાદવ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા

શ્રીનગર, 16 ઓગસ્ટ: જમ્મુ-કાશ્મીરના નવા મુખ્યમંત્રી તરીકે આજે બુધવારે નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઉમર અબ્દુલ્લાએ શપથ લીધા છે. શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર (SKICC) ખાતે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ તેમને શપથ લેવડાવ્યા હતા. આ ઉપરાંત સુરેન્દ્ર ચૌધરીએ જમ્મુ-કાશ્મીરના ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા છે. કોંગ્રેસ આ નવી સરકારમાં સામેલ થઈ નથી. તેમણે બહારથી સમર્થન જાહેર કર્યું છે. સમારોહમાં કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા, પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ, PDPના વડા મહેબૂબા મુફ્તી, AAP નેતા સંજય સિંહ, CPI નેતા ડી. રાજા સહિત INDI ગઠબંધનના અન્ય નેતાઓ હાજર રહ્યા હતા.

 

સુરિન્દર સિંહ ચૌધરી જમ્મુ-કાશ્મીરના નવા ડેપ્યુટી CM

જમ્મુ-કાશ્મીરના નવા CM બન્યા બાદ ઉમર અબ્દુલ્લાએ મોટો નિર્ણય લીધો છે. તેમણે સુરિન્દર સિંહ ચૌધરીને કેન્દ્ર શાસિત પ્રદેશના નવા ડેપ્યુટી સીએમ બનાવવાનો નિર્ણય કર્યો છે. ચૌધરીએ ચૂંટણીમાં ભાજપના જમ્મુ-કાશ્મીર પ્રદેશ અધ્યક્ષ રવિન્દ્ર રૈનાને હરાવ્યા હતા.

ઉમર કેબિનેટમાં 5 મંત્રીઓને મળ્યું સ્થાન 

  1. સુરિન્દર ચૌધરી: નેશનલ કોન્ફરન્સના નૌશેરાના ધારાસભ્ય (ડેપ્યુટી CM)
  2.  સકીના ઇટુ: નેશનલ કોન્ફરન્સના દમહાલ હંજીપોરા ધારાસભ્ય
  3. જાવેદ રાણા: મેંઢરથી નેશનલ કોન્ફરન્સના ધારાસભ્ય
  4. જાવેદ ડાર: રફિયાબાદથી નેશનલ કોન્ફરન્સના ધારાસભ્ય
  5. સતીશ શર્મા: NC-કોંગ્રેસ ગઠબંધનને ટેકો આપતા છંબના અપક્ષ ધારાસભ્ય

ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સે જંગી જીત નોંધાવી

જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા બાદ પ્રથમ વખત યોજાયેલી ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સે જંગી જીત નોંધાવી હતી. હવે ઉમર અબ્દુલ્લા મુખ્યમંત્રી બન્યા છે. જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી તરીકે અબ્દુલ્લાના શપથ ગ્રહણ સમારોહ પહેલા શ્રીનગરમાં SKICC અને તેની આસપાસ સુરક્ષા કડક કરવામાં આવી છે. શપથ ગ્રહણ સમારોહ પછી, મુખ્યમંત્રી બપોરે 3 વાગ્યે સિવિલ સચિવાલયમાં તમામ વહીવટી સચિવોની બેઠકની અધ્યક્ષતા કરશે.

કોંગ્રેસ સરકારમાં જોડાઈ નહીં

જમ્મુ અને કાશ્મીર પ્રદેશ કોંગ્રેસ સમિતિના વડા તારિક હમીદ કારાએ કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી હાલમાં જમ્મુ અને કાશ્મીર સરકારના મંત્રાલયમાં સામેલ થઈ રહી નથી. કોંગ્રેસે કેન્દ્ર સરકાર પાસે જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાને પણ રેલીઓમાં ઘણી વખત આ વચન આપ્યું હતું, પરંતુ જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો નથી. અમે કેન્દ્ર સરકારના આ પગલાથી નાખુશ છીએ, તેથી હાલમાં અમે મંત્રાલયમાં સામેલ થઈ રહ્યા નથી. JKPCCના વડાએ કહ્યું અને ઉમેર્યું કે, કોંગ્રેસ પાર્ટી રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાની લડાઈ ચાલુ રાખશે.

આ પણ જૂઓ: ઈઝરાયલના રાજદૂત સીએમ યોગીને મળ્યા, જાણો કેમ થઈ મુલાકાત?

Back to top button