ગુજરાતટોપ ન્યૂઝનેશનલબિઝનેસવર્લ્ડવિશેષ

ડાયમંડ સિટી સુરતની વિશ્વ ફલક પર ચમકઃ OM નામના ડાયમંડનો દુનિયામાં ડંકો

Text To Speech

ગુજરાતનું ડાયમંડ હબ એવા સુરતની ગ્રીનલેબ ડાયમંડ્સ દ્વારા બનાવેલા ઓમ, નમઃ અને શિવાય નામના ત્રણ લેબગ્રોનની ચળકાટ માત્ર રાજ્ય કે દેશ નહીં પણ સમગ્ર વિશ્વમાં ફેલાઈ છે. લેબગ્રોન હીરાના ઉત્પાદન ક્ષેત્ર સાથે સંકળાયેલી ગ્રીન લેબ ડાયમંડ્સ દ્વારા બનાવેલા આ ત્રણેય હીરાએ ચીનને પછડાટ આપી સમગ્ર વિશ્વમાં ડંકો વગાડ્યો છે. 27.27 કેરેટના વિશ્વના સહુથી મોટા માર્ક્વિઝ સ્ટેપ કટ પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડ ‘ઓમ’ને ઇન્ટરનેશનલ જેમોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટે પ્રમાણિત કરતા વિશ્વ રેકોર્ડ બની ગયો છે. અગાઉ આ રેકોર્ડ ચીનના નામે હતો. તે રેકોર્ડને તોડી ઓમ, નમઃ અને શિવાય નામના આ ત્રણેય હીરાએ લેબગ્રોન ક્ષેત્રમાં માત્ર સુરત કે ગુજરાત નહીં પણ ભારત દેશનું નામ રોશન કર્યું છે.

ડાયમંડ વિશે શું કહ્યું મુકેશભાઈ પટેલે?
ગ્રીનલેબ ડાયમંડ્સ કંપનીના મુકેશભાઈ પટેલે જણાવ્યું કે વિશ્વના સૌથી મોટા લેબમાં તૈયાર કરાયેલા હીરા ‘ઓમ’, ‘નમઃ’ અને ‘શિવાય’ને પ્રદર્શિત કરતા આનંદ અનુભવીએ છીએ. ઓમ’, ‘નમઃ’ અને ‘શિવાય’ નામના ત્રણેય લેબગ્રોન પોલિશ્ડ હીરાને આગામી જૂન મહીનામાં આયોજીત થનારા જેસીકે લાસ વેગાસ-શોમાં પ્રદર્શિત કરવામાં આવશે.

ગ્રીનલેબ ડાયમંડ્સ કંપનીના મુકેશભાઈ પટેલ

ચીનના નામે હતો રેકોર્ડ
સૌથી મોટો જાણીતો પોલિશ્ડ CVD ડાયમંડ પ્રિન્સેસ કટ 16.41 કેરેટ વજનનો જી-કલર હીરાને ચીનની શાંઘાઈ ઝેંગશી ટેક્નોલોજી દ્વારા બનાવવામાં આવ્યો હતો. જે VVS2 સ્પષ્ટતા ધરાવતો હીરો હતો. જેને HPHT ટેકનિકનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો હતો. આ હીરાને અમેરિકાની જેમોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટે ગત જાન્યુઆરીમાં પ્રમાણિત કર્યો હતો. હવે ભારતિય ગ્રીનલેબ ડાયમંડ્સ એલએલપી દ્વારા લેબમાં તૈયાર કરવામાં આવેલા ‘ઓમ’ નામના હીરાએ તેનો રેકોર્ડ બ્રેક કરી દીધો છે.

‘ઓમ’ ડાયમંડ

 

 

કેવી રીતે બનાવાયો ‘ઓમ’ ડાયમંડ?
સુરતની ગ્રીનલેબ ડાયમંડ્સ દ્વારા લેબમાં તૈયાર કરવામાં આવેલા માર્ક્વિઝ સ્ટેપ કટ હીરાનું ‘ઓમ’ નામ આપવામાં આવ્યુ છે. 27.27 કેરેટ વજનના વિશ્વના સહુથી મોટા માર્ક્વિઝ સ્ટેપ કટ પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડ ‘ઓમ’ને પ્રમાણિત કરનાર ઇન્ટરનેશનલ જેમોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટે જણાવ્યું હતું કે આ હીરો રાસાયણિક વરાળ ડિપોઝિશનનો ઉપયોગ કરીને લેબમાં તૈયાર કરવામાં આવ્યો છે.

 

‘નમઃ’ અને ‘શિવાય’ ડાયમંડનું કેટલું વજન?
ઓમ, નમ: અને શિવાયને જેસીકે લાસ વેગાસ-શોમાં પ્રદર્શિત કરાશે. ઓમ નામના લેબગ્રોન હીરાની સાથે IGIએ ગ્રીનલેબ ડાયમંડ્સ દ્વારા પ્રયોગશાળામાં તૈયાર કરવામાં આવેલા અન્ય વધુ બે નમ: અને શિવાય નામના લેબગ્રોન હીરાને પણ પ્રમાણિત કર્યો છે. ‘નમ:’ હીરાનું વજન 15.16 કેરેટ છે અને તે પિઅર રોઝ કટ પોલિશ્ડ હીરો છે. જ્યારે ‘શિવાય’ નામનો હીરો 20.24 કેરેટ વજન ધરાવે છે અને તે એમરાલ્ડ કટ પોલિશ્ડ હીરો છે.

‘નમઃ’ અને ‘શિવાય’ ડાયમંડ્સ

 

 

સુરતમાં 500થી વધુ ગ્રીન લેબ ડાયમંડ મેન્યુફેક્ચરિંગ યુનિટ છે. વિશ્વના કુલ લેબગ્રોન ઉત્પાદન પૈકી 15 ટકા લેબગ્રોન હીરાનું ઉત્પાદન ભારતમાં થાય છે. જ્યારે ચીન 56 ટકા LGDના ઉત્પાદન સાથે વિશ્વમાં પ્રથમ ક્રમાંકે છે. જો કે, ભારતના લેબગ્રોન ઉત્પાદનમાં ઝડપી પ્રગતિ થઈ રહી છે. ભારતમાં LGD ઉત્પાદન વધીને 30 લાખ કેરેટ થયું છે અને નિકાસ 106 ટકા વધીને 10 હજાર કરોડ થઈ છે.

Back to top button