દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ઓલિમ્પિક મેડલ વિજેતા કુસ્તીબાજ બજરંગ પુનિયાને માનહાનિના કેસમાં સમન્સ પાઠવ્યું છે. કોર્ટે પુનિયાને આરોપી તરીકે 6 સપ્ટેમ્બરે સમન્સ પાઠવ્યા છે. રેસલિંગ કોચ નરેશ દહિયાએ બજરંગ પુનિયા વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો છે, જેની સુનાવણી કરતા કોર્ટે બજરંગને સમન્સ મોકલ્યા છે.
શું છે આખો કેસ ? શા માટે મોકલ્યું હતું સમન્સ ?
ફોજદારી બદનક્ષીની ફરિયાદમાં, ફરિયાદી નરેશ દહિયાએ જણાવ્યું હતું કે 10 મેના રોજ જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન દરમિયાન બજરંગ પુનિયાએ પ્રેસ કોન્ફરન્સમાં તેમની સામે અપમાનજનક ટિપ્પણી કરી હતી. ટોચના ભારતીય કુસ્તીબાજોના નેતૃત્વમાં દેશના 30 કુસ્તીબાજો જાન્યુઆરી 2023માં હડતાળ પર બેઠા હતા. રેસલર્સે રેસલિંગ એસોસિએશનના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ અને કેટલાક કોચ પર પણ ગંભીર આરોપ લગાવ્યા હતા. તેણે કહ્યું હતું કે બ્રિજ ભૂષણ અને ઘણા કોચ મહિલા ખેલાડીઓ અને મહિલા કોચનું યૌન શોષણ કરે છે.
ખેલાડીઓ ધરણાં ઉપર બેઠા હતા
જોકે, રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર સાથેની વાતચીત બાદ કુસ્તીબાજોએ હડતાળ પાછી ખેંચી હતી. ઘણા મહિનાઓ સુધી રાહ જોયા પછી, જ્યારે કુસ્તી સંઘના પ્રમુખ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી ન હતી, ત્યારે કુસ્તીબાજો એપ્રિલમાં ફરીથી ધરણા પર બેઠા હતા અને એક મહિનાથી વધુ સમય સુધી દિલ્હીના જંતર-મંતર પર ધરણા પર રહ્યા હતા. દરમિયાન બજરંગે આવું નિવેદન આપ્યું હતું, જેના આધારે નરેશ દહિયાએ માનહાનિનો કેસ દાખલ કર્યો છે.