ઓલ્મ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપરાનું આગામી લક્ષ્ય વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતવાનું, તુર્કીમાં કરી રહ્યો છે આકરી મહેનત
ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા જેવલિન થ્રોઅર નીરજ ચોપરા તુર્કીમાં ટ્રેનિંગ લઈ રહ્યો છે. બ્રેક બાદ નીરજ 14 જૂનથી ફિનલેન્ડમાં પ્રથમ ટૂર્નામેન્ટ તુરકૂ પાવો નુરમી ગેમ્સમાં રમશે. આ તેની ટોક્યો ઓલિમ્પિક બાદ પ્રથમ ટૂર્નામેન્ટ રહેશે. 24 વર્ષીય નીરજ 30 જૂને સ્ટૉકહોમ ડાયમંડ લીગમાં રમશે. જેથી 15 થી 24 જુલાઈ સુધી યોજાનાર વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે પૂરતી તૈયારી કરી શકે.
નીરજ ચોપરાએ જણાવ્યું ક- ‘ટ્રેનિંગ ભલે મોડી શરૂ કરી હોય. પરંતુ અમે યોગ્ય ટ્રેક પર છીએ. અહીં આવતા અગાઉ સૌથી મોટો પડકાર ઓવરવેટ અને ફિટનેસ હતા. કાર્ડિયો અને રનિંગ પર ફોક્સ કર્યું. મેં 90 મીટરનો ટાર્ગેટ રાખ્યો છે, પરંતુ તે સંપૂર્ણ સિઝનમાં હાંસલ કરવાનું છે. હાલ સિઝનની શરૂઆત અમે 87-88 મીટરે કરી શકીએ છીએ.’
મારું લક્ષ્ય વર્લ્ડ ચેમ્પિયનશિપઃ નીરજ ચોપરા
નીરજે વધુમાં કહ્યું કે,‘એશિયન ગેમ્સ સ્થગિત થવાથી શેડ્યુલ બદલાયું. લક્ષ્ય વર્લ્ડ ચેમ્પિયનશિપ જ છે. કોમનવેલ્થમાં ગોલ્ડ ડિફેન્ડ કરવાનું છે. મેં વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે 40-45 દિવસ અગાઉ તૈયારી શરૂ કરી. જેથી વર્લ્ડ ચેમ્પિયનશિપના સમય સુધી પીક પર પહોંચી જઉં.
નીરજે કહ્યું કે,‘મે જોયું છે કે ઘણા યુવા સારું કરી રહ્યા છે. જુનિયરમાં મનુ અને રોહિતે 80 મીટર પાર કર્યું. ભવિષ્ય સારું લાગી રહ્યું છે. જો ઓલિમ્પિકમાં મેડલ લાવશે તો હું પોતાને સફળ માનીશ.’