- તેલ ભેળસેળયુક્ત કરવાનું કૌભાંડ ઝડપાયુ
- ફૂડ સેફ્ટી ઓફિસરોએ તેલના નમૂના લીધા
- 5 નમુનાઓ લેબોરેટરીના રીપોર્ટ આધારે સબ સ્ટાન્ડર્ડ
ગુજરાતમાં હવે કોઇ વસ્તુ અસલી મળી રહી નથી તેવુ લાગી રહ્યું છે. જેમાં તાજેતરમાં નકલી પનીર, નકલી મરચું, નકલી હળદર, નકલી વરિયાળી, નકલી જીરું વેચાતુ હોવાનું કૌભાંડ ઝડપાયુ છે. અગાઉ નકલી દૂધ બાબતે ઘણા સમાચારો સામે આવી ગયા છે. ત્યારે હવે વડોદરામાં પનીર, ચીઝ અને મસાલા બાદ હવે તેલ પણ ભેળસેળયુક્ત કરવાનું કૌભાંડ ઝડપાયુ છે.
આ પણ વાંચો: ગુજરાત: મંત્રીઓ જ નહિ, MLA અને સેક્રેટરીઓ પણ ઘરેથી કરશે આ કામ
593 લીટર ખાદ્યતેલનો જથ્થો સીઝ કર્યો
વડોદરા કોર્પોરેશનની ખોરાક શાખાના ફૂડ સેફ્ટી ઓફિસરોએ તેલના નમૂના લીધા હતા. જેમાંથી પાંચ તેલના નમૂનાનો રિપોર્ટ આરોગ્ય માટે જોખમી સાબિત થયો છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય શાખાના ફૂડસેફટી ઓફિસરોની ટીમે શહેરના વાડી નાની શાકમાર્કેટ, પ્રતાપનગર રોડ, કડક બજાર અને સયાજીગંજ વિતારની દુકાનોમાં કપાસિયા તેલનું ચેકિંગ કર્યું હતું.
આ પણ વાંચો: જ્ઞાનસેતુ સહિતની સ્કૂલોમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ આ તારીખે થશે
ખાદ્યતેલના સેમ્પલનું લેબોરેટરીમાં પૃથક્કરણ થયું
આ દરમિયાન કુલ 76.674 ની કિંમતનું 593 કિલો કપાસિયા તેલનો જથ્થો સીઝ કર્યો હતો. પાંચ નમુના ચેકિંગમાં સબ સ્ટાન્ડર્ડ મળ્યા હતા. જે બાદ ખાદ્યતેલના સેમ્પલનું લેબોરેટરીમાં પૃથક્કરણ થયું હતું. જયારે આજ તેલનો 15 કિલો કંપની સીલ પેક ટીનનો 1600 ગ્રામ નમુનો લઇ 1514 ની કિંમતનો 13.4 કિલોનો જથ્થો વેપારીની કસ્ટડીમાં સીઝ કર્યો હતો.
સયાજીગંજ ખાતે શાહ કલ્યાણપ્રસાદ ગ્યાસીરામની દુકાનમાં ભેળસેળ થઇ
વડોદરાના કડકબજાર, સયાજીગંજ ખાતે શાહ કલ્યાણપ્રસાદ ગ્યાસીરામની દુકાનમાંથી રીફાઇન્ડ કપાસીયા તેલ 1 લીટર કંપની સીલ પેક પાઉચનો નમુનો લઇ રૂ.9200 ની કિંમતનો 92 લીટર જથ્થો વેપારીની કસ્ટડીમાં સીઝ કર્યો હતો. આજ દુકાનમાંથી આજ તેલોનો 1 લીટર કંપની સીલ પેક પાઉચનો નમુનો લઇ રૂ.28,400 ની કિંમતનો 284 લીટર જથ્થો વેપારીની કસ્ટડીમાં સીઝ કર્યો હતો.
હાલ વિવિધ સ્થળે ચેકિંગની કામગીરી
વડોદરા કોર્પોરેશન ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં કુલ 76 હજારથી વધુ કિંમતનો 593 લીટર ખાદ્યતેલનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ તમામ પાંચ નમુનાઓ લેબોરેટરીના રીપોર્ટ આધારે સબ સ્ટાન્ડર્ડ જાહેર થતા ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલ વિવિધ સ્થળે ચેકિંગની કામગીરીમાં સ્વચ્છતા જાળવવા કડક સૂચના અપાઇ છે.