ટ્રેન્ડિંગવર્લ્ડ

હાય રે કિસ્મત! ભાઈ 2800 કરોડની લોટરી જીત્યા, પણ રકમ મેળવવા કોર્ટના ધક્કા ખાવા પડ્યા

વૉશિંગ્ટન (અમેરિકા), 20 ફેબ્રુઆરી: વૉશિંગ્ટન ડીસીમાં એક વ્યક્તિએ 340 મિલિયન ડૉલર એટલે કે 2,800 કરોડ રૂપિયાની લોટરી જીતવાનો દાવો કર્યો છે. જો કે, લોટરીની કંપનીએ આ વાતને નકારી કાઢી છે. જેના કારણે શખ્સે પાવરબૉલ અને ડીસી લોટરી કંપની સામે કાયદાકીય કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે. ધ ગાર્ડિયનના રિપોર્ટ મુજબ, જ્હોન ચીક્સ નામની વ્યક્તિએ 6 જાન્યુઆરી 2023ના રોજ પાવરબૉલ લોટરીની ટિકિટ ખરીદી હતી. જે બાદ આ કિસ્સો સામે આવ્યો છે.

લોટરી કંપનીએ ભૂલથી નંબર જાહેર કરવાની વાત કરી

જ્હોન ચીક્સે લોટરી ખરીદ્યાના બીજા જ દિવસે વિજેતાની નામની જાહેરાત કરાઈ હતી. જો કે, તે એ તપાસવાનું ચૂકી ગયો. પરંતુ બે દિવસ પછી, જ્યારે વ્યક્તિએ ડીસી લોટરી વેબસાઈટ પર તેનો લોટરી નંબર જોયો તો ખુશીના મારે ઉછળી પડ્યો. બીજી તરફ, પાવરબૉલ અને ડીસી લોટરીનું કહેવું છે કે, તેમણે ભૂલથી જ્હોનનો લોટરી નંબર પબ્લિશ કરી દીધો છે. ત્યારબાદ જેકપોટના અસલી હકદાર મુદ્દે કાનૂની જંગ છેડાઈ ગઈ.

ચીક્સ રકમ મેળવવા કોર્ટ સુધી પહોંચ્યો

એક ઈન્ટરવ્યૂમાં જ્હોન ચીક્સે કહ્યું કે, જ્યારે મને જાણ થઈ કે મારો નંબર લોટરીના વેબસાઈટમાં છે ત્યારે હું શરૂઆતમાં થોડો ઉત્સાહિત થયો હતો, પરંતુ મેં કોઈ બૂમ-બરાડા ન પાડ્યા. મેં શાંતિથી એક મિત્રને ફોન કર્યો અને મિત્રએ કહ્યું તેમ મેં તસવીર લીધી ને પછી હું સૂવા જતો રહ્યો. જો કે, ઓફિસ ઑફ લોટરી એન્ડ ગેમિંગ (OLG)માં તેણે ટિકિટ સબમિટ કર્યા પછી, લોટરી જીતવાના ચીક્સના દાવાને નકારી કાઢવામાં આવ્યો. આ પછી ચીક્સે કોર્ટના દરવાજા ખટખટાવ્યા. કોર્ટમાં આપેલા ડોક્યુમેન્ટ્સમાં પણ કંપનીએ ચીક્સના દાવાનો અસ્વીકાર કર્યો. ચીક્સને પત્ર દ્વારા જણાવ્યું કે, OLGની ગેમિંગ સિસ્ટમમાં તેમની ટિકિટને વિજેતા તરીકે માન્ય રાખવામાં આવતી નથી.

જ્હોને લોટરીની રકમ વ્યાજ સહિત આપવાની માંગ કરી

ચીક્સે તેની ટિકિટ સેફ ડિપોઝીટ બોક્સમાં મૂકી અને પાવરબૉલ સામે કાયદાકીય કાર્યવાહી કરવા જણાવ્યું છે. તેમજ પાવરબોલ જેકપોટ માટે લોટરીની જીતેલી રકમની માંગણી કરી છે. આ ઉપરાંત જ્હોન ચીક્સ વ્યાજ સાથે લોટરીની રકમ માંગી રહ્યો છે. જેનું મૂલ્ય 340 મિલિયન ડૉલર છે. ચીક્સે હવે આઠ અલગ-અલગ મામલે કેસ દાખલ કર્યો છે, જેમાં કરારનો ભંગ, બેદરકારી, ભાવનાત્મક લાગણી અને છેતરપિંડીના કેસ કર્યા છે. તેના વકીલ રિચાર્ડ ઇવાન્સે દલીલ કરી છે કે, વિજેતા નંબર મિસ્ટર ચીક્સના નંબર સાથે મેળ ખાય છે, જેથી તેઓ આ જેકપોટના હકદાર છે. આ મામલામાં આગામી સુનાવણી 23 ફેબ્રુઆરીએ થશે.

આ પણ વાંચો: 31 માર્ચ પછી પણ ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ યથાવત્ રાખવાનો કેન્દ્રનો નિર્ણય

Back to top button