ઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝ

મહેસાણામાં અધિકારીઓની જાસૂસીથી ખળભળાટ, પોલીસે બે ખનીજચોરોની અટકાયત કરી

મહેસાણા, 22 ડિસેમ્બર 2023, ગુજરાતમાં અધિકારીઓની જાસૂસી થવાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પાટણ બાદ હવે મહેસાણામાં ખાણ ખનિજ વિભાગના અધિકારીઓની જાસૂસી થઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે. ખાણ ખનિજ વિભાગે જપ્ત કરેલા વાહનો છોડાવવા માટે આવેલા બે શખ્સોના મોબાઈલની તપાસ કરતાં તેમના મોબાઈલમાંથી વોટ્સએપ ગ્રૂપ મળ્યા હતાં જેમાં વિભાગના અધિકારીઓની તમામ ગતિવિધિના મેસેજ થયા હોવાનું જણાયું હતું. આ બંને શખ્સ સામે વિભાગના અધિકારીએ પોલીસ ફરિયાદ કરતાં બંનેની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરાઈ છે.

મોબાઈલની ચકાસણી કરતા અધિકારી ચોંકી ઉઠ્યા
પ્રાપ્ત વિગતો પ્રમાણે મહેસાણા ખાણ ખનિજ વિભાગે ગેરકાયદે માટી ખનન કરતા એક જેસીબી અને ડમ્પરને ઝડપી પાડ્યું હતું. જેને છોડાવવા માટે કડી તાલુકાના કુંડાળ ગામના દિનેશ વણઝારા અને સંજય વણઝારા નામના શખ્સો ખાણખનીજ કચેરી પર આવ્યા હતા. ખાણખનીજ અધિકારી મિત પરમારે બંને વાહનના ચાલકોની પૂછપરછ અને મોબાઈલની ચકાસણી કરતા ચોંકી ઉઠ્યા હતા. આ બંને શખ્સોના મોબાઈલમાંથી પાંચ વોટ્સએપ ગ્રુપ મળી આવ્યા હતા જેમાં ખાણખનીજ વિભાગના અધિકારીઓની પળેપળની ગતિવિધિની માહિતી આપવામાં આવતી હોવાની ઓડિયો ક્લિપ અને ટેક્સ્ટ મેસેજ હતા.

દરોડાથી બચવા આરોપીઓએ આખું નેટવર્ક ઉભુ કર્યું હતું
જે બે શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે તેમના મોબાઈલ ફોનમાંથી આવી અસંખ્ય ઓડિયો ક્લિપ મળી છે. જેમાં 6038 નંબરની ગાડી ક્યાંથી નીકળી, ક્યાં ઉભી છે અને કઈ તરફ જઈ રહી છે તેની પળેપળની માહિતી આપવામાં આવતી હતી.તેમના વોટ્સએપ ગ્રુપમાં રહેલા સભ્યો મહેસાણા જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં કયા અધિકારીની ગાડી ક્યાં ફરી રહી છે તેનું ધ્યાન રાખતા હતા.ગાડીઓના ફોટો સહિત તમામ પ્રકારની વિગતો શેર કરી નાયબ કલેકટર,મામલતદાર,આરટીઓ અને ખાણ ખનિજના અધિકારીઓની રેકી તથા જાસૂસી કરી વોટ્સએપ ગ્રૂપમાં વિગતો નાખી દરોડાથી બચવા તેમણે આખું નેટવર્ક ઉભુ કર્યું હતું.

વાહન છોડાવવા માટે આવેલા બે શખ્સો આરોપી નીકળ્યા
હાલમાં સમગ્ર કેસમાં માઇન્સ સુપરવિઝન અધિકારી જિમી વાણિયાએ મહેસાણા એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ કેસમાં વધુ તપાસ આદરી છે. મહેસાણા ખાણખનીજ વિભાગના માઈન્સ સુપરવાઈઝર જીમ્મી વાણીયાએ મીડિયાને કહ્યું હતું કે, અમે થોડા સમય પહેલા કડીમાં એક રેડ કરી હતી. જેમાં જે વાહનો ઝડપાયા હતા તેના માલિકો વાહન છોડાવવા માટે આવ્યા હતા. ત્યારે કચેરીમાં તેના મોબાઈલની ચકાસણી કરાતા તેમાં પાંચ ગ્રુપ મળી આવ્યા હતા. જેમાં ખાણખનીજ વિભાગના અધિકારીઓની ગતિવિધિના તમામ મેસેજ કરાતા હોવાનું સામે આવતા બે લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ કેટલા સમયથી ચાલતુ હતું તે અંગે હાલ કહી શકાય નહીં તે પોલીસ તપાસનો વિષય છે.

આ પણ વાંચોઃઓનલાઈન લોન લેતા પહેલાં ચેતજો, યુવતીને મોબાઈલમાં એક લિંકને ક્લિક કરવી ભારે પડી

Back to top button