રાજા કી આયેગી બરાત… વચ્ચે ચૂંટણીનું કામ, રાજ્યના અધિકારીઓ-કર્મચારીઓ મૂંઝવણમાં
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે લગ્ન સીઝન પણ પુરબહારમાં ચાલી રહી છે. તેવામાં સરકારી કર્મચારીઓ જે ચૂંટણીના કામે લાગ્યા છે. તેમના માટે લગ્નમાં ચાંલ્લાનો વ્યવહાર જાળવી શકાતો નથી. રાજા કી આયેગી બરાત… વચ્ચે ચૂંટણીના ગાણા પણ ગવાઈ રહ્યા છે. જેમાં મોબાઇલ પર માફી માંગવાનો દોર ચાલુ થયો છે. કારણે કે ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા લોકો 1-5મી ડિસેમ્બર તેમના માટે કટોકટીનો દિવસ છે. જેમાં તેઓ લગ્નમાં હાજરી આપી શકશે નહી.
28થી 14મી ડિસેમ્બર સુધી લગ્નોની મોસમ
રવિવાર તા. 28મીથી 14મી ડિસેમ્બર સુધી લગ્નોની મોસમ એવી પૂરબહારમાં છે કે, એક દિવસમાં એક નહીં પરંતુ બબ્બે ત્રણ ત્રણ લગ્નોમાં સામાજિક રીતે હાજરી આપવી એવી ફરજિયાત બની રહે છે કે, ત્રણેય લગ્નોમાં હાજરી આપવા સમય ટૂંકો પડે છે પરિણામે ઘરના સભ્યો લગ્નોના સમારંભ અંદર વહેંચી લેવાની ફરજ પડે છે. પરિવારનો કોઈ એક સભ્ય કોઈ એક લગ્નમાં સવારે મંડપ મુહૂર્ત કે ચાંલ્લાનો સમય સાચવી લે છે તો કોઈક બપોરે લગ્ન કે વરઘોડાનો સમય સાચવી લઈ વ્યવહાર જાળવી રાખે છે અને સાંજે ખાસ કરીને પરિવારના વડા પત્ની સાથે સત્કાર સમારંભમાં હાજરી આપી ભોજન લઈ વધુ સમય રોકાઈને વ્યવહાર સંપન્ન કરે છે.
અધિકારીઓ-કર્મચારીઓને ભારે મુસીબત
ઉલ્લેખનીય છે લગ્નોની ભરમાર અને વિધાનસભાની ચૂંટણીના દિવસોનો એક સાથે સંગમ થતા રાજ્ય સરકાર, મ્યુનિ. કોર્પોરેશન અને અમદાવાદ જિલ્લા પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓ ભારે મૂંઝવણમાં મુકાયા છે. એક તરફ ચૂંટણીની કઠિન કામગીરી અને બીજી તરફ સગા સહોદર અને મિત્રો સાથે પારિવારિક સંબંધો જાળવી રાખવાનો કાયમી વ્યવહાર નિભાવી રાખવો મુશ્કેલ બન્યો છે. આમ તો દર વર્ષે-માગશર મહિનામાં માગશર બીજથી લગ્નોની મોસમ શરૂ થાય છે અને ફાગણ માસમાં હોળી પહેલાં પૂરી થાય છે પરંતુ હવે દિવાળીના દિવસો એટલે કે, આસોપાસમાં પણ લગ્નોના મુહૂર્ત નીકળતા હોવાથી ખાસ કરીને અમેરિકા, કેનેડા, લંડનમાં વસવાટ કરતાં એન.આર.આઇ. દિવાળીના દિવસોમાં ભારત-ગુજરાત આવીને લગ્નના મુહૂર્ત સાચવી લે છે અને દિવાળીનો તહેવાર માણીને પરદેશ ચાલ્યા જાય છે. પરંતુ આ વખતે દિવાળીના તહેવારોમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થશે અને માહોલ ચૂંટણીનો થતા લગ્ન માટે વાડી કોમ્યુનિટી હોલ કે પાર્ટીપ્લોટના બુકિંગ નહીં મળે તેવી ગણતરીના કારણે એન.આર.આઇ. પરિવારોએ દિવાળીના બદલે માગશર મહિનામાં લગ્નના મુહૂર્તો પાછા ઠેલતા સરકારી, મ્યુનિસિપાલિટી અને જિલ્લા પંચાયતના અધિકારીઓ-કર્મચારીઓને ભારે મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે. કેમ કે, એક તરફ ચૂંટણીની કામગીરી માટે ટ્રેનિંગ લેવા જવાનું અને બીજી તરફ લગ્નોત્સવમાં હાજરી આપવા જવું કઠિન બન્યું છે.
લગ્નના મુહૂર્તોનો પાર નથી એ જ દિવસે વિધાનસભાની ચૂંટણીના મતદાનનો દિવસ
આ કઠિનતા આગામી તા. 1લી અને 5મી ડિસેમબરે વધવાની શક્યતા છે. આ બંને તારીખોએ લગ્નના મુહૂર્તોનો પાર નથી એ જ દિવસે વિધાનસભાની ચૂંટણીના મતદાનનો દિવસ છે. આખો દિવસ ચૂંટણીનું સતત કામ અને સાંજ મતદાન મથકથી મતપેટીઓ તેના મુખ્ય ચૂંટણી મથકે પહોંચે નહીં ત્યાં સુધી કામની જવાબદારી રહેતા લગ્નોમાં હાજરી આપવી એ કોઈપણ રીતે સરળ નહીં. વળી 8મી ડિસેમ્બરે મતગણતરી હોવાથી ચૂંટણીની કામગીરીમાં જોતરાયેલા અધિકારીઓ-કર્મચારીઓ કોઈકાળે લગ્નોમાં હાજરી આપી શકશે નહીં. આ કપરી સ્થિતિમાં અધિકારી-કર્મચારીઓએ મોબાઇલ ફોન દ્વારા કે વોટ્સએપ દ્વારા શુભેચ્છા પાઠવવાનો દોર શરૂ કર્યો છે. એમ મોબાઇલ ફોન કરીને શુભેચ્છા પાઠવીને રૂબરૂ હાજરી નહીં આપવા બદલ ક્ષમા માંગવાનો અને એ રીતે વ્યવહાર સાચવી રાખવાનો દોર શરૂ કર્યો છે.