ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાને લઈ સહાયની સત્તાવાર જાહેરાત
ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાના કારણે દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે તારાજી સર્જી હતી. જેને લઈ આજે રાજ્ય સરકાર દ્વારા બિપોરજોય વાવાઝોડામાં થયેલ નુકસાનને લઈને સહાય જાહેર કરવામાં આવી છે.જેમાં કપડા અને ઘરવખરી નુકશાન માટે સરકાર 7000 રૂપિયા ચુકવશે. જ્યારે સંપૂર્ણ નાશ થયેલ કાચા પાકા મકાન માટે 1,20,000 ની સહાય અપાશે.
બિપોરજોય વાવાઝોડાના કારણે ગુજરાતના 8 જિલ્લામાં ખેતી તેમજ બાગાયતી પાકોમાં અને મત્સ્યોદ્યોગમાં નુકસાન ઉપરાંત પશુના મોત પણ નોંધાયા છે. ખેડૂતો, પશુપાલકો અને માછીમારોને થયેલા નુકસાનમાં સહાયરૂપ થવા રાજ્ય સરકાર દ્વારા પાક નુકસાની અને પશુઓના મૃત્યુ અંગેનો સરવે શરૂ કરાયો છે.
રાજય સરકાર દ્વારા શું સહાય જાહેર કરાઈ
- કપડા અને ઘરવખરી નુકસાન માટે સરકારે 7 હજાર રૂપિયા ચૂકવશે
- સંપૂર્ણ નાશ થયેલા કાચા માકા મકાનોમાં 1 લાખ 20 હજારની સહાય
- આંશિક નુકસાન થયેલા પાકા મકાનોમાં 15 હજારની સહાય
- આંશિક નુકસાન થયેલા કાચા મકાનોમાં 10 હજારની સહાય
- સંપૂર્ણ નાશ થયેલા ઝુંપડા માટે 10 હજારની સહાય
- ઘર સાથેના શેડ નુકસાન માટે 5 હજારની અપાશે સહાય
- તમામ સહાયમાં SDRF ઉપરાંત રાજ્ય સરકાર પોતાના બજેટમાંથી વધારાની અપાશે રકમ
કૃષિ અને પશુપાલન મંત્રી કચ્છના પ્રભાવિત ગામોની મુલાકાત લેશે
કચ્છ જિલ્લામાં પાક નુકશાની અને પશુપાલન ક્ષેત્રે નુકસાન થયું હોવાનું અનુમાન છે. જેથી રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલ સંપૂર્ણ પરિસ્થિતિનો તાગ મેળવવા તેમજ સર્વે કામગીરીની સમીક્ષા માટે 23મી જૂનના રોજ કચ્છ જિલ્લાની મુલાકાત લેશે. રાઘવજી પટેલ દરિયાકાંઠે માછીમારોને થયેલી નુકસાની અંગે પણ સમીક્ષા કરશે. કૃષિ મંત્રી રાઘવજી પટેલ તેમની કચ્છ મુલાકાત દરમિયાન નખત્રાણા, માંડવી, મુન્દ્રા, અંજાર અને ભુજ તાલુકાના પ્રભાવિત ગામોની મુલાકાત લઈ ખેડૂતો સાથે સંવાદ કરશે.
ઉલ્લેખનીય છે કે, વાવાઝોડાના કારણે 3 સ્ટેટ અને ડિસ્ટ્રિક્ટ હાઇવે બંધ કરવા પડ્યા હતા. તથા 4600 ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. તેમજ 1000 ગામોમાં વીજ પૂરવઠો ફરી શરૂ કરવાનો બાકી હતો. 5120 વીજ થાંભલા વાવાઝોડાથી ધરાશાયી થયા હતા. તથા 581 વૃક્ષો ધરાશાયી થયા હતા. 20 કાચા મકાનો નાશ પામ્યા હતા. તેમજ 9 પાકા મકાનોને અસર થઇ હતી. તથા 474 કાચા મકાનોને નુક્સાન થયું હતું. 65 ઝુંપડાઓનો સંપૂર્ણપણે નાશ થયો હતો. સાવચેતીના ભાગરૂપે ઉદ્યોગો બંધ કરાયા હતા. ઉદ્યોગોને બહુ મોટું નુક્સાન નથી. તથા સાયક્લોનનો મોટો ભાગ આગળ નીકળ્યો હતો.