જો મારું ચાલતું હોત તો મસૂદ અઝહરને એ જ સમયે…જાણો નિવૃત્ત પોલીસ અધિકારીની પીડા
- ‘જો મારી ઈચ્છા ચાલતી હોત, તો મેં મસૂદ અઝહરનું ગળું દબાવી દીધું હોત: તેને જેલમાંથી એરપોર્ટ સુધી લઈ જનાર અધિકારી
જમ્મુ, 03 સપ્ટેમ્બર: Netflixની IC-814 વેબ સિરીઝ વિવાદમાં આવી ગઈ છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે કંદહાર પ્લેન હાઇજેકની ઘટના પર આધારિત આ શ્રેણી અંગે નોટિસ જારી કરી છે. આ દરમિયાન, જમ્મુ અને કાશ્મીરના તત્કાલિન DIG SP વૈદ્યે એક ઇન્ટરવ્યૂમાં IC 814 હાઈજેકની આખી કહાની સંભળાવીને પોતાની ભાવના વ્યક્ત કરી છે. તેમણે આતંકવાદી મસૂદ અઝહરને જેલમાંથી એરપોર્ટ લઈ જવાની વાત પણ કહી. એસપી વૈદ્યે કહ્યું કે, મસૂદ અઝહર કોટ ભલવાલ જેલમાં હતો. તેને જમ્મુ એરપોર્ટ પર લઈ જવામાં આવ્યો હતો. જો મારી ઈચ્છા ચાલતી હોત, તો મેં તેનું ગળું દબાવીને તેનો જીવ લઈ લીધો હોત.
SP વૈદ્યે વધુમાં કહ્યું કે, હું મારા જીવનમાં ક્યારેય આટલો નિરાશ થયો નથી. તેને મુક્ત કરીને આપણા દેશને ભારે કિંમત ચૂકવવી પડી હતી. IC-814 હાઈજેક પર, ડૉ. એસપી વૈદ્યે કહ્યું કે, તે સમયે મને પોલીસ હેડક્વાર્ટરમાં બોલાવવામાં આવ્યો અને મૌલાના મસૂદ અઝહરને છોડાવવા માટે કોટ ભલવલ જેલમાં જવા માટે કહેવામાં આવ્યું. એ જાણીને આશ્ચર્ય થયું કે, અમારી સરકારે આતંકવાદીઓ સમક્ષ આત્મસમર્પણ કરી દીધું. દેશ માટે આ સૌથી શરમજનક ક્ષણ હતી. હું જેલમાં ગયો અને મેં જેલ સુપ્રિટેન્ડેન્ટને એ આતંકીને મુક્ત કરવા કહ્યું હતું.
“જો મારા હાથમાં સત્તા હોત તો…”
SP વૈદ્યે વધુમાં કહે છે કે, મૌલાના મસૂદ અઝહરને મુક્ત કરવામાં આવ્યો હતો. મેં સૈનિકોને તેના ચહેરાને મંકી કેપથી ઢાંકવાનો આદેશ આપ્યો. મસૂદ અઝહરે ના પાડી. મેં તેને ઠપકો આપ્યો અને તેને ઘૂંટણિયે પડવા દબાણ કર્યું અને મંકી કેપ પહેરવી દીધી. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મીડિયા જેલની બહાર ઊભું હતું. મસૂદ અઝહરની બોડી લેંગ્વેજ અહંકારથી ભરેલી હતી. અમે તેનો ચહેરો ઢાંકીને તેને જમ્મુના ટેકનિકલ એરપોર્ટ પર લઈ ગયા. જો મારી પાસે સત્તા હોત તો, તો મેં તેને જીવતો જવા દીધો ન હોત. મેં તેનું ગળું દબાવીને મારી નાખ્યો હોત. પરંતુ હું ફરજ બજાવતો અધિકારી હતો, મારે તેને જમ્મુ ટેકનિકલ એરપોર્ટ પર વિદેશ મંત્રાલયના અધિકારીઓને સોંપવો પડ્યો. તે દિવસે હું ખૂબ જ ઉદાસ હતો.
“મારા જીવનમાં ક્યારેય આટલો નિરાશ નથી થયો”
આતંકવાદી મૌલાના મસૂદ અઝહરની મુક્તિને યાદ કરીને SP વૈદ્ય ખૂબ જ નિરાશ જોવા મળ્યા હતા. તેમણે કહ્યું કે, હું મારા જીવનમાં ક્યારેય આટલો નિરાશ નથી થયો. આ આખી ઘટના મને જીવનભર પરેશાન કરનારી છે. તેને મુક્ત કરીને આપણા દેશને ભારે કિંમત ચૂકવવી પડી હતી. IC-814 હાઇજેક પહેલા મસૂદ અઝહરને કોટ ભલવાલ જેલમાંથી છોડાવવા માટે અનેક કાવતરા ઘડવામાં આવ્યા હતા. એકવાર 7 આતંકવાદીઓના ગ્રુપે કોટ ભલવાલ જેલ પર હુમલો કરવાનું કાવતરું ઘડ્યું હતું જેથી મસૂદ અઝહર ભાગી શકે. અમારી પાસે પહેલેથી જ ઇનપુટ હતું અને અમે તે આતંકવાદીઓને સફળતાપૂર્વક ઠાર માર્યા હતા.
મસૂદને ભગાડવા માટે સુરંગ ખોદવામાં આવી હતી
SP વૈદ્ય કહ્યું કે, બીજો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. મસૂદને ભગાડવા માટે જેલમાં સુરંગ ખોદવામાં આવી હતી. અમે તે પ્રયાસને નિષ્ફળ બનાવવામાં પણ સફળ રહ્યા હતા. સિસ્ટમમાં એવા ઘણા અધિકારીઓ છે જે આતંકવાદીઓના સંપર્કમાં હતા. નહીંતર મસૂદ અઝહરને ભગાડવા માટે જેલમાં સુરંગ ખોદવામાં આવી ન હોત. કમનસીબે, સિસ્ટમમાં એવા ભ્રષ્ટ લોકો છે જેઓ દેશને વેચી પણ શકે છે. આપણે IC-814 હાઇજેકને કારણે ઊભા થયેલા સંકટનો સામનો કરી શક્યા નહીં. આપણી અસમર્થ અમલદારશાહી કંઈ કરી શકી નહીં. તેઓએ ગરબડ કરી અને દેશને મોટી શરમ નાખી દીધો.
આ પણ જૂઓ: ભારતીયોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો કોઈને અધિકાર નથી: IC814 વિવાદ પર સરકારે કરી લાલ આંખ