ટ્રેન્ડિંગનેશનલમીડિયા

207 ધારાસભ્યો માટે નાનું પડ્યું કાર્યાલય? મુખ્યમંત્રી બેઠક પહેલાં નવી જગ્યાની શોધ

Office too small for 207 MLAs?:   પશ્ચિમ બંગાળમાં સરકાર રચનાને લઈને રાજકીય હલચલ તેજ બની છે. રાજ્યમાં બહુમતી મળ્યા બાદ હવે નવા મુખ્યમંત્રીના નામને લઈને ચર્ચાઓ ઉગ્ર બની રહી છે. મળતી માહિતી મુજબ, શુક્રવારે ધારાસભ્યોની મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે, જેમાં નવા નેતાની પસંદગી થઈ શકે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠક માટે પક્ષનું રાજ્ય કાર્યાલય નાનું પડી રહ્યું હોવાથી નવી જગ્યા શોધવાની કામગીરી શરૂ થઈ છે. કહેવાઈ રહ્યું છે કે 207 ધારાસભ્યોની હાજરીને ધ્યાનમાં રાખીને વિશાળ સ્થળની જરૂરિયાત ઉભી થઈ છે. જોકે, આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે શુભેંદુ અધિકારીને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવી શકે છે. બેઠક દરમિયાન હાથ ઊંચા કરીને સમર્થન મેળવવાની પ્રક્રિયા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારબાદ સરકાર રચનાનો દાવો રજૂ કરવા માટે રાજભવનમાં મુલાકાત લેવામાં આવી શકે છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

પશ્ચિમ બંગાળમાં બહુમતી માટે 148 બેઠકોની જરૂર હતી, જ્યારે પક્ષે 207 બેઠકો મેળવીને ઐતિહાસિક જીત નોંધાવી છે. એક બેઠકનું પરિણામ હજી જાહેર થવાનું બાકી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

નવા મુખ્યમંત્રીના શપથવિધિ સમારોહ માટે 9 મેની તારીખ નક્કી કરવામાં આવી હોવાનું કહેવાઈ રહ્યું છે. આ કાર્યક્રમમાં દેશના અનેક મોટા નેતાઓ હાજરી આપે તેવી શક્યતા છે. રાજકીય સૂત્રો અનુસાર, રાજ્યની સંસ્કૃતિ અને ભાષા સાથે જોડાયેલા ચહેરાને મુખ્યમંત્રી તરીકે આગળ લાવવાની તૈયારી ચાલી રહી છે.

શુભેંદુ અધિકારીએ બે બેઠકો પરથી જીત મેળવી હોવાથી હવે તેમને એક બેઠક છોડવી પડશે. તેમણે જણાવ્યું હતું કે આગામી 10 દિવસમાં એક બેઠક પરથી રાજીનામું આપવામાં આવશે અને અંતિમ નિર્ણય પક્ષના નેતૃત્વ દ્વારા લેવામાં આવશે.

પશ્ચિમ બંગાળની રાજનીતિમાં આવેલા આ મોટા ફેરફાર પર સમગ્ર દેશની નજર ટકેલી છે અને આગામી દિવસોમાં વધુ મોટા રાજકીય નિર્ણયો સામે આવી શકે છે.

આ પણ વાંચો : સુવેન્દુ અધિકારીના PAVની હત્યા કર્યા બાદ હત્યારા બાંગ્લાદેશ બોર્ડર તરફ ભાગીને ગયા

Back to top button