દુબઇમાં નોકરીની ઓફર આપી પૈસા પડાવ્યા, કોલલેટર આપવાના દિવસે જ એજન્ટએ કર્યું ઉઠામણું
- છેતરપિંડીનો વધુ એક કેસ, 80 હજારની દુબઈમાં નોકરી આપવાનું કહી રુ.2.25 લાખ પડાવ્યા.
- 50થી વધુ યુવાનો દુબઈની નોકરીની ઓફરનો ભોગ બન્યા હોવાની અટકળ.
વડોદરાઃ દિવસેને દિવસે છેતરપિંડીના કેસો વધી રહ્યા છે, ત્યારે ફરી વધુ એક કેસ સામે આવ્યો છે. ગાંધીનગરના એક યુવકને દુબઈમાં નોકરીની ઓફર આપી રુ.2.25 લાખ પડાવ્યા હોવાની યુવકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ સમા-સાવલી રોડની ડ્રીમ કન્સલટન્સીના સંચાલક સામે કરવામાં આવી છે, યુવકનું કહેવું છે કે નોકરીની ઓફર આપ્યા બાદ પુરા રુપિયા આપ્યા પછી પણ ઓરિજનલ કોલ લેટર અને ટિકિટ આપી નથી.
ગાંધીનગરના સેક્ટર-16માં રહેતા મનોજભાઇ રાજપૂતે પોલીસને કહ્યું છે કે, મારા પુત્રએ બીસીએ કર્યું છે. તેણે દુબઇમાં મોલ, જ્વેલર્સ, હોટલમાં રુ. 60 થી 80 હજાર સુધીની નોકરીની ઓફર જોઇ મને જાણ કરતાં અમે વડોદરાના સમા-સાવલી રોડ પર આવેલી ડ્રીમ કન્સલટન્સીના સંચાલક જેનિલ પ્રજાપતિને મળ્યા હતા. જેનિલે અમારી પાસે ટુકડે ટુકડે રુ.2.25 લાખ લીધા હતા. વોટ્સએપમાં તેણે ટિકિટ અને કોલ લેટર મોકલ્યા હતા. પરંતુ ઓરિજનલ કોલ લેટર અને ટિકિટ તા.10મી જૂને આપવાની વાત કરી હતી.
10મી જૂન બાદ પણ ઓરિજનલ કોલ લેટર કે ટિકિટના આપતાં ફરિયાદ નોંધાવી:
મનોજભાઇએ કહ્યું છે કે, તા.10મીએ હું જેનિલની ઓફિસે આવ્યો ત્યારે બીજા ઘણાં લોકો હાજર હતા અને જેનિલની ઓફિસ તેમજ મોબાઇલ બંધ હતા. જેથી અમે પોલીસ કેસ કરવાનું નક્કી કર્યું હતું. પરંતુ જેનિલ ક્યારેક ફોન કરીને રુપિયા આપવાની ખાતરી આપતો હોવાથી ફરિયાદ કરવામાં વિલંબ થયો છે. સમા પોલીસના પીએસઆઇ જે ટી રબારીએ કહ્યું હતું કે, હાલમાં જેનિલની ઓફિસ બંધ છે. જેથી અમે ભોગ બનેલા લોકો વિશે માહિતી એકત્રિત કરીશું.
10 જૂને એક સાથે 60 લોકોને જાહેરમાં કોલ લેટર આપવાનું કહી એજન્ટ ફરાર:
જેનિલને આ બાબતે પૂછતાં તેણે કહ્યું હતું કે, મારે તમારી સાથે બીજા 60 લોકોને દુબઇ મોકલવાના છે. જેથી તમામને ઓરિજનલ કોલ લેટર અને ટિકિટ આપવા માટે એક હોટલમાં મોટું ફંક્શન રાખવાનો છું. જેમાં મોટી હસ્તીઓના હાથે ટિકિટ અને કોલ લેટર આપવામાં આવશે. ત્યાર બાદ તા.9મી જૂને જેનિલનો મારા પર ફોન આવ્યો હતો અને આવતીકાલે પરિવાર સાથે ઓફિસે બોલાવ્યા હતા. બીજા દિવસે તા.10મીએ અમે ઓફિસે ગયા ત્યારે ઘણા લોકો હાજર હતા. પરંતુ ઓફિસ બંધ હતી અને જેનિલનો ફોન પણ સ્વીચ ઓફ આવતાં 50થી વધુ લોકો દુબઈ જવાની ઓફરના ભાગ બન્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પોલીસે મનોજ રાજપૂતની ફરિયાદ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: સુરતમાં હંસ આર્ટ સાથે સંકળાયેલી સંસ્થાની અનોખી પહેલ, દિવાળી ગિફ્ટ માટે બનાવ્યા રામ મંદિરના મોડલ