સુરત રેલવે સ્ટેશનની બહારથી 33 કિલો ગાંજા સાથે ઓરિસ્સાવાસીની ધરપકડ


- રૂ.3.32 લાખનો ગાંજો લઇ ગંજામથી 4 જણા ટ્રેનમાં સુરત આવ્યા
- એકને ક્રાઇમ બ્રાંચે પકડી પાડતા અન્ય 3 સાથી ભાગી છૂટયા
- ચારેય લોકો ઓરિસ્સાથી મોટી સંખ્યામાં જથ્થો લઈને આવ્યા
સુરતમાં Say NO to Drugs મુહિમ ચાલી રહી છે ત્યારે પોલીસ એક્શનમાં આવી છે. જેમાં ઓરિસ્સાના ગંજામથી ટ્રેનમાં બેસી 3.32 લાખની કિંમતનો 33 કિલોગ્રામ ગાંજાનો જથ્થો લઇને નીકળેલા 4 યુવકોમાંથી એકને સુરત ક્રાઇમ બ્રાંચે રેલવે સ્ટેશન બહારથી પકડી પાડયો હતો.
મળતી વિગતો પ્રમાણે સુરત શહેર પોલીસ છેલ્લાં બે વર્ષથી નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહી છે. જે અંતર્ગત ડ્રગ્સની હેરાફેરી કરનારાઓ પર પોલીસ બાજ નજર રખાઇ રહી છે. ક્રાઇમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે, 4 ઓરિસ્સાવાસી યુવકો ટ્રેનમાં બેસી ગાંજાનો મોટો જથ્થો લઇને સુરત આવી રહ્યા છે.
સુરત પોલીસે રેલવે સ્ટેશન પાસે ક્રાઇમ બ્રાંચે વોચ ગોઠવી સ્ટેશનની બહાર તિરૂપતિ હોટલ પાસેથી રંજન ઉર્ફે પપ્પુ ત્રીનાથ ગૌડા (ઉ.વ.19, રહે- ગોકુલનગર, હાઉસિંગ બોર્ડ, સચિન- મુળ ગંજામ, ઓરિસ્સા)ને પકડી પાડી તેની પાસેની બે બેગની તલાશી લેતા 33 કિલો 21 ગ્રામ વજનનો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂ3.32 લાખની કિંમતના ગાંજો, આરોપીનો મોબાઇલ, રોકડા 260 વિગેરે મળી 3.38 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
વધુમાં પોલીસના જણાવ્યા પ્રમાણે ઓરિસ્સાના ગંજામથી રંજનની સાથે દિપક મનોજ સ્વાઇ, આકાશ સુદર્શન પ્રધાન, કાનુ ઉર્ફે કનૈયા સંન્યાસી પ્રધાન માલધા-સુરત ટ્રેનમાં બેઠાં હતા. સુરત સ્ટેશન આવતા જ તેઓએ ગાંજાનો તમામ જથ્થો રંજનની બેગમાં ભરી પોલીસને ચકમો આપવા ચારેય જણા છૂટાછવાયા ટ્રેનમાંથી ઉતર્યા હતા. જોકે, રંજન સ્ટેશન બહાર ક્રાઇમ બ્રાંચની ઝપટે ચઢી ગયો હતો. તેના ત્રણેય સાથી પોલીસને જોઇ ભાગી છૂટયા હતા. ગાંજો મંગાવનારા સુરતના સચિનમાં રહેતા બિચિત્ર પ્રધાન ઉર્ફે કાલીયા બન્ધુપ્રધાનને પણ વોન્ટેડ જાહેર કરાયો હતો.