કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતચૂંટણી 2022

19 ઓક્ટોબરે નરેન્દ્ર મોદી રાજકોટમાં, જાહેરસભા અને કરોડોના વિકાસકામોનું લોકાર્પણ – ખાતમુહૂર્ત

Text To Speech

આગામી તા. 19 ઓકટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ આવશે. રાજકોટ શહેર તેમજ જિલ્લાના પાંચ હજાર કરોડથી પણ વધારે રકમના વિકાસ કામોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત કરશે. આ ઉપરાંત તા. 19મીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેસકોર્સ ખાતે જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યાનું જાણવા મળ્યું છે.

શું કાર્યક્રમ થઈ શકે છે ? યાદી પીએમઓમાં મોકલાઈ

જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ રાજકોટના તૈયાર થઇ ગયેલા વિકાસ કામોની યાદી પીએમઓ કચેરી (દિલ્હી)ને મોકલી આપી હતી તેમાંથી પ્રાથમિક દ્રષ્ટિએ જામનગર રોડ ઉપરના ઇશ્ર્વરિયાપાર્ક ખાતે સાયન્સ સિટીનું લોકાર્પણ તેમજ લાઇટ હાઉસ, મકનસર ખાતે ક્ધટેઇનર ડેપોનું ખાતમુહૂર્ત, છાપરા ખાતે જીઆઇડીસી, રાજકોટ-ગોંડલ સિક્સલેનનું ખાતમુહૂર્ત આ ઉપરાંત રાજકોટ શહેરનાં ત્રણ નવા બ્રિજનું લોકાર્પણ કરશે. જ્યારે કાનાલુસ રેલવે ડબલિંગ પ્રોજેક્ટનો પણ સમાવેશ કરાયો છે. રોડ-શો, રેલી યોજાવાની પણ શકયતા છે.

સૌરાષ્ટ્રમાં અન્ય કાર્યક્રમોનું પણ આયોજન

રાજકોટ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા વડાપ્રધાનનાં તા. 11મીની જામકંડોરણા ખાતેની સભા ઉપરાંત 19મીના રોજ રાજકોટમાં વિવિધ કામોના લોકાર્પણ ખાતમુહૂર્ત વિગેરેની કામગીરી માટે તૈયારીઓનો ધમધમાટ શરુ થઇ ગયો છે. રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચ હજાર કરોડના વિકાસ કામોના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવાના છે ત્યારે જે પ્રોજેકટ પૂર્ણતાના આરે છે અને તા. 19મી સુધી સમાવેશ શકય છે કે કેમ ? તે અંગે સમિક્ષા ચાલી રહી છે. આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી વડાપ્રધાનનો સૌરાષ્ટ્રના પ્રવાસનો તખ્તો ગોઠવાઇ રહ્યો છે. રાજકોટના રેસકોર્સમાં જાહેરસભામાં અભૂતપૂર્વ માનવ મેદની એકત્ર થાય તે માટે ભાજપ દ્વારા પ્રયાસો શરુ કરાશે. પરશુરામ મંદિર પાસે લાઇટ હાઉસ પ્રોજેકટનું લોકાર્પણ કરશે. હોસ્પિટલ ચોક, નાનામવા, રામાપીર ચોકડીના બ્રિજ ઉપર તા. 19મીથી વાહન વ્યવહાર શરુ થઇ જશે. તા. 10 જામનગર, તા. 11 જામકંડોરણા અને તા. 19મીના રાજકોટમાં વડાપ્રધાનનું આગમન થશે. રાજકોટમાં રોડ-શો માટે પણ વિચારણા ચાલી રહી છે.

Back to top button