જીએસટીના કરોડોના કૌભાંડમાં જામનગરના બે ઉદ્યોગપતિની ધરપકડ
આંતર રાજય વેપારમાં માત્ર કાગળ પર ખરીદ વેચાણનાં વ્યવહારો કરી કરોડોની વેરા શાખ લઈ કરચોરી કરવામાં આવતી હોવાનું મોટુ કૌભાંડ ચાલી રહયુ હોય તેને નાથવા સ્ટેટ જીએસટી વિભાગે કમર કસી છે. દસેક દિવસ પહેલા જામનગરની આઠ સહિત રાજયની 13 પેઢીઓ પર દરોડા પાડયા હતા. અન્વેષણ વીંગે હાથ ધરેલી તપાસમાં જામનગરની ચાર પેઢીઓએ આંતર રાજય ખરીદીમાં રૂ.181 કરોડનાં બોગસ વ્યવહારો ઝડપાયા હતા આ બોગસ બિલીંગ કૌંભાડમાં 32 કરોડની ખોટી વેરા શાખ લેવાઈ હોવાનું બહાર આવતા બે વેપારીની ધરપકડ કરવામાં આવી છે.
શાંતિ મેટલ અને ડી.આર. ટ્રેડીંગ પેઢીમાં રૂ. 21.87 કરોડની ખોટી વેરા શાખ
જામનગરની જે ચાર પેઢીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી તેમાં મે. શાંતિ મેટલ રિસાયકલીંગ પ્રા.લી, મે. શાંતિ મેટલ ઈન્ડસ્ટ્રીઝ, મે.ડી.આર. ટ્રેડીંગ કંપની, મે.એકટીવ મેટલ ઈન્ડ. નો સમાવેશ થાય છે. સ્ટેટ જીએસટીનાં સતાવાર સુત્રોએ જણાંવ્યુ હતું કે શાંતિ મેટલ અને ડી.આર. ટ્રેડીંગ પેઢીમાં ખરીદીને લગતી કામગીરી રૂષભ અશોકકુમાર પાંભર સંભાળે છે જેમણે રુ. 121.49 કરોડની ખરીદી દર્શાવી રૂ. 21.87 કરોડની ખોટી વેરા શાખ મેળવી છે.
એકટીવ મેટલ ઈન્ડ.ની રૂ.10.71 કરોડની ખોટી વેરા શાખ
એકટીવ મેટલ ઈન્ડ.ની ધંધાકીય પ્રવૃતિ વરુણ રાકેશ બંસલ સંભાળી રહયા છે. જેઓએ રુ. 49.55 કરોડની ખરીદીનાં વ્યવહારો બતાવીને રૂ.10.71 કરોડની ખોટી રીતે વેરા શાખ લીધી હતી. આમ ઉપરોકત બંને પેઢીએ આંતર રાજય ખરીદીનાં કુલ રૂ.181 કરોડનાં બોગસ બિલિંગ કરી રૂ. 32.58 કરોડની ખોટી વેરા શાખ સરકારમાંથી લીધી હોવાનું બહાર આવતા આ બંને પેઢીના વ્યવહારો સંભાળનાર બે વેપારીની સંડોવણી ખુલતા તા. 28 મીએ રૂષભ અશોકકુમાર પાંભર અને વરુણ બંસલની ધરપકડ કરી જામનગરની કોર્ટમાં રજુ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અન્ય જિલ્લાઓની પેઢીઓમાં પણ તપાસ કરવામાં આવી રહી છે.