ભાવનગરમાં પીજીવીસીએલના સ્ટોરમાંથી 12 લાખની કિંમતના નટ-બોલ્ટનો હિસાબ ગાયબ
ભાવનગરમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના સ્ટોર વિભાગમાંથી 12 લાખ રૂપિયાના નટ બોલ્ટનો હિસાબ નહીં મળતા હાલ મિસ મેચ થયાનો મામલો બહાર આવતા ચકચાર મચી જાવ પામી છે. હિસાબમાં આ મિસ મેચ કોના કારણે થયું છે ? તેને લઇને ઉચ્ચ અધિકારીઓએ ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકાએ તપાસ શરૂ કરી છે.
સ્ટોર કીપર ચિરાગ ત્રિવેદીને નોટિસ ફટકારવામાં આવી
મળતી માહિતી અનુસાર ભાવનગર પીજીવીસીએલના સીટી-1 વિભાગ નીચે આવતા શહેરનાં નવા બંદરરોડ ખાતે આવેલા સ્ટોરમાં ઇલેટ્રીકલ માલનો હિસાબ મળતો નથી અને તેને લઈને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવેલ છે. આ મામલે પીજીવીસીએલ સુપ્રિટેન્ડિંગ એન્જીનીયર દ્વારા સ્ટોર કીપર ચિરાગ ત્રિવેદીને નોટિસ પણ ફટકારવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સામાન્ય રીતે સ્ટોરમાં રહેલી વસ્તુઓનું અધિકારી દ્વારા ચેકીંગ કરવામાં આવે છે અને સરવૈયું કરવામાં આવે છે. જેમાં 12 લાખના નટ-બોલ્ટનો હિસાબ નહીં મળતા ઉચ્ચ અધિકારી ચોંકી ઉઠ્યા હતા.
અગાઉ પણ આ પ્રકારની ઘટના થઈ
અત્રે ઉલ્લેખનીય છે કે, સ્ટોર અંગેનાં આ મિસ મેચના મામલે જુના રેકોર્ડ મેળવીને વડી કચેરીને રિપોર્ટ મોકલવામાં આવ્યો છે. જોકે પીજીવીસીએલમાં ભ્રષ્ટાચાર કોઈ નવી બાબત નથી રહી. ભૂતકાળમાં પણ અર્થીંગ નાખવાથી લઈને બારોબાર સમાન સગે વગે કરવા જેવી ઘટનાઓ બની છે. આજે હિસાબમાં વધુ એક મિસ મેચની ઘટના સામે આવી છે. જેમાં પણ અધિકારીઓની સંડોવણી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.