ગુજરાત

વલસાડના પારડીમાં નર્સનો આપઘાત: ‘ચાલવા જઉં છું’ કહીને ટેરેસ પરથી કૂદકો માર્યો

Text To Speech

પારડી એક જાણીતી હોસ્પિટલમાં પરિચારિકા તરીકે ફરજ બજાવતી અને શાંતિકુંજ એપાર્ટમેન્ટમાં રહેતી પ્રેમિલાબેન ખીસ્ત્રીએ શનિવારે વહેલી સવારે તેની પાંચ માળની બિલ્ડીંગના ટેરેસ પરથી નીચે ઝંપલાવી આપઘાત કરી લેતા પંથકમાં ચકચાર મચી ગઇ હતી.પોલીસ આપઘાત પાછળનું કારણ જાણવા પ્રયાસ કરી રહી છે.

પારડી શહેરમાં આવેલી એક હોસ્પિટલમાં છેલ્લા 18 વર્ષથી નર્સ તરીકે ફરજ બજાવતી પ્રેમિલાબેન ઓગસ્ટસ જાતે ખ્રિસ્તી ઉ વ 44 તેના પતિ મનીષભાઈ ઓગસ્ટસ મેકવાન અને સાત વર્ષીય દીકરી તેમજ સાસુ સાથે કોલેજ પાસે આવેલા શાંતિકુંજ એપાર્ટમેન્ટમાં ફ્લેટ નંબર 406 માં રહેતી હતી. તેણીએ શનિવારે સવારે 6.30 કલાકે બિલ્ડીંગના ટેરેસ પર ચાલવા જાવ છું કહી ઘરેથી નીકળી હતી જે બાદ થોડી વારમાં મનીષભાઈ પણ ટેરેસ પર ચાલવા માટે જતાં હતા.

આ દરમિયાન પ્રેમિલાએ બિલ્ડીંગના પાંચમાં માળેથી ઝંપલાવી દીધું હતું પ્રેમિલા નીચે પડતાં જ આજુબાજુના લોકો અવાજ સાંભળી દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં પ્રેમિલાને તાત્કાલિક 108માં પારડી કુરેશી હોસ્પિટલ લઈ જવાઈ હતી જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. પ્રેમિલા 18 વર્ષથી હોસ્પિટલ સાથે જોડાયેલી હોય સેવાભાવી હતી.આ અંગેની જાણ પારડી પોલીસને કરતાં પોલીસે લાશનો કબજો લઈ પી. એમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે. આપઘાત કરવા પાછળનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી જેને લઈ પંથકમાં અનેક ચર્ચાઓ થઈ રહી છે. બીજી તરફ આ મુદ્દે મૃતક મહિલાના પતિએ મીડિયા સમક્ષ કોઇપણ નિવેદન આપવાનો ઇન્કાર કર્યો હતો.

લગ્નના 12 વર્ષે સંતાન સુખ મળ્યું હતું
પ્રેમીલાબેનના લગ્ન જીવનના 12 વર્ષ બાદ તેમને સંતાન સુખ મળ્યું હતું તેમને ત્યાં દીકરીનો જન્મ થતા પરિવાર ખુશખુશાલ હતો. હાલ દીકરી 7 વર્ષની છે અને ધો 2 માં અભ્યાસ કરે છે. અચાનક પ્રેમિલાબેને આપઘાત કરી લેતા તેમની દીકરીએ નાનીવયે માતાની છત્રછાયા ગુમાવી છે. બીજી તરફ એવી પણ ચર્ચા ચાલી રહી છેકે, શુક્રવારે સાંજે પણ મૃતક મહિલા પારડી પાર નદીમાં મોતની છલાંગ લગાવવા ગઇ હતી.

Back to top button