જન ધન ખાતાની સંખ્યા 50 કરોડને પાર, 34 કરોડ રુપે કાર્ડનું વિનામૂલ્યે વિતરણ
- 2014 માં મોદી સરકારે નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપવા માટે જન ધન બેંક ખાતા ખોલવા માટે એક વિશાળ રાષ્ટ્રવ્યાપી કવાયત શરૂ કરી હતી. જન ધન ખાતાઓમાંથી લગભગ 34 કરોડ રુપે કાર્ડ મફત આપવામાં આવ્યા છે.
દેશમાં જનધન ખાતાની સંખ્યા 50 કરોડના રેકોર્ડ આંકડાને પાર કરી ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે તેની પ્રશંસા કરી અને તેને એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન ગણાવ્યું છે. પીએમ મોદીએ પોસ્ટ કરી કહ્યું કે, ‘હું આ જોઈને ખુશ છે કે આ 50 કરોડ જનધન ખાતામાંથી અડધાથી વધુ મહિલાઓના છે’. આ સાથે કેન્દ્રીય નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે દેશમાં જનધન ખાતાઓની કુલ સંખ્યા 50 કરોડને પાર કરી ગઈ છે, જેમાંથી 56 ટકા ખાતા મહિલાઓના છે. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે આમાંથી લગભગ 67 ટકા ખાતા ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં ખોલવામાં આવ્યા છે.
મહિલાઓનો મોટો હિસ્સો:
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું- ‘આ જોઈને આનંદ થાય છે કે આમાંથી અડધાથી વધુ ખાતા આપણી મહિલા શક્તિના છે. 67% ખાતા ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં ખોલવામાં આવ્યા છે. અમે એ પણ સુનિશ્ચિત કરી રહ્યા છીએ કે તેમને લાભ મળે. નાણાકીય સમાવેશ આપણા દેશના દરેક ખૂણે પહોંચવો જોઈએ.
નાણાં મંત્રાલયે કહ્યું કે જન ધન ખાતામાં કુલ જમા રકમ 2.03 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. જ્યારે આ ખાતાઓમાંથી લગભગ 34 કરોડ રુપે કાર્ડ મફત આપવામાં આવ્યા છે. મોદી સરકારે 2014 માં નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપવા માટે જન ધન બેંક ખાતા ખોલવા માટે દેશવ્યાપી કવાયત શરૂ કરી હતી. તેનો હેતુ ગરીબો માટે સીધો લાભ સહેલાઈથી સુલભ સહિત અનેક નાણાકીય સેવાઓનો હતો.
જન ધન ખાતામાં આ સુવિધાઓ ઉપલબ્ધ:
દરેક પરિવારના બે સભ્યો શૂન્ય બેલેન્સમાં જન ધન ખાતું ખોલાવી શકે છે. દરેક પરિવારને બેંકિંગ સુવિધા આપવાનું કામ જન ધન એકાઉન્ટ યોજના દ્વારા કરવામાં આવ્યું હતું. જન ધન ખાતામાં પૈસા જમા કરાવવા કે ઉપાડવા માટે કોઈ ચાર્જ લાગતો નથી. આ ખાતાઓમાં કોઈપણ ચાર્જ વગર ફંડ ટ્રાન્સફર કરવામાં આવે છે અને મોબાઈલ બેંકિંગ સુવિધા પણ કોઈપણ ચાર્જ વગર ઉપલબ્ધ છે.
જન ધન ખાતાના મુખ્ય ફાયદા:
ભારતીય રિઝર્વ બેંક (RBI) ની માર્ગદર્શિકા મુજબ જન ધન ખાતા સહિત તમામ મૂળભૂત બચત બેંક ડિપોઝિટ ખાતા ધારકોએ લઘુત્તમ બેલેન્સ જાળવવાની જરૂર નથી. આ યોજના હેઠળ સરકાર લોકોને ખૂબ જ સસ્તા દરે વિવિધ નાણાકીય ઉત્પાદનો અને સેવાઓ પ્રદાન કરે છે. એટલું જ નહીં, જનધન ખાતાધારકોને સ્કોલરશિપ, સબસિડી, પેન્શન અને કોવિડ રિલીફ ફંડ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા સીધા તેમના બેંક ખાતામાં મળે છે.
જન ધનનું ખાતું કોણ ખોલાવી શકે?
આ યોજના હેઠળ દેશની કોઈપણ વ્યક્તિ જેનું કોઈ પણ બેંકમાં ખાતું નથી તે ખાતું ખોલાવી શકે છે. 10 વર્ષથી વધુ ઉંમરના સગીર પણ આ યોજના હેઠળ ખાતું ખોલાવી શકે છે. જો તમારી પાસે કોઈપણ બેંકમાં ખાતું નથી, તો https://pmjdy.gov.in/home પરથી અંગ્રેજી અથવા હિન્દીમાં ઉપલબ્ધ ફોર્મ ડાઉનલોડ કરો. હવે આધાર કાર્ડ, મતદાર આઈડી કાર્ડ, ડ્રાઈવિંગ લાઇસન્સ, મનરેગા કાર્ડ, પાસપોર્ટ અને પાન જેવા દસ્તાવેજો સાથે કોઈપણ બેંકની નજીકની શાખામાં જાઓ. હવે ભરેલા ફોર્મ અને દસ્તાવેજોની મદદથી જન ધન ખાતું ખોલાવી શકાશે.
આ પણ વાંચો: આધાર ધારકોને UIDAIએ ચેતવણી આપી, આ ભુલ કરી તો મોટી સમસ્યા થઈ શકે