સાયન્સ સિટીમાં 10 કરોડના ખર્ચે નિર્માણ પામશે ન્યુક્લીયર સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગેલેરી,મુખ્યમંત્રીની ઉપસ્થિતીમાં થયા MOU
અમદાવાદ સ્થિત સાયન્સ સિટીના આકર્ષણોમાં વધુ એક નવું સિમાચિન્હ ન્યુક્લીયર સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગેલેરીના નિર્માણથી ઉમેરાશે.ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી અને ગુજરાત સરકારના સાયન્સ ટેક્નોલોજી વિભાગની ગુજરાત કાઉન્સીલ ઓફ સાયન્સ સિટી વચ્ચે આ ગેલેરીની સાયન્સ સિટીમાં સ્થાપના કરવા માટેના એમ.ઓ.યુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતીમાં ગાંધીનગરમાં સંપન્ન કરવામાં આવ્યા હતા.
નિર્માણ કાર્ય 12 મહિનામાં પૂર્ણ થવાનો અંદાજ
મુખ્ય સચિવ રાજકુમાર અને મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી પણ આ અવસરે જોડાયા હતા. આ ન્યુક્લિયર સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગેલેરીનું નિર્માણ સાયન્સ સિટીના પ્લેનેટ અર્થ પેવેલિયનમાં રૂ. 10 કરોડની નાણાંકીય સહાયથી હાથ ધરાવાનું છે અને તેનું નિર્માણ કાર્ય 12 મહિનામાં પૂર્ણ થવાનો અંદાજ રાખવામાં આવ્યો છે.
આ લાભ થશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ નવિન ગેલેરી અંગેની વિસ્તૃત વિગતો એમ.ઓ.યુ હસ્તાક્ષર વેળાએ ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જીના સચિવ અને એ.ઇ.સી ના અધ્યક્ષ કે.એન. વ્યાસ તેમજ રાજ્ય સરકારના સાયન્સ ટેક્નોલોજી સચિવ વિજય નહેરાએ આપી હતી. આ ન્યુક્લિયર સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગેલેરીમાં પરમાણુ અને અણુ ઊર્જા ક્ષેત્ર સાથે સંબંધિત અને વિવિધ આધુનિક હાથ ધરાયેલા પ્રદર્શનો દર્શાવવામાં આવશે.એટલું જ નહિ, આ ગેલેરી પરમાણુ અને અણુ ઊર્જાની ભારતની આત્મનિર્ભરતા તરફની સફરને પણ પ્રદર્શિત કરશે. અહિં આ સફરની નાની શરૂઆતથી લઇને આ ક્ષેત્રમાં વર્લ્ડ પ્લેયર બનવા સુધીની પરિવર્તનકારી સફર પણ પ્રદર્શિત કરાશે. સાયન્સ સિટી પરમાણુ અને અણુ ઊર્જા અને તેના શાંતિપૂર્ણ ઉપયોગો અને ઉપયોગ વિશે સમાજમાં જાગૃતિ લાવવા માટે વિવિધ વર્કશોપ અને કાર્યક્રમો યોજશે. આ હેતુસર ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી (DAE) ટેક્નિકલ સહાય પૂરી પાડશે, પ્રદર્શનો માટે કલ્પનાત્મક ડિઝાઇન, વિજ્ઞાનના શિક્ષકોને તાલીમ અને ગેલેરીના વિકાસ માટે સહાય પૂરી પાડશે.
અણુ ઊર્જા સંબંધિત અનોખો એડ્યુટેનમેન્ટ અનુભવ
અત્યાધુનિક ન્યુક્લિયર સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગેલેરીના વિકાસથી મુલાકાતીઓને વિવિધ ઇમર્સિવ એક્સપિરિયન્સ પ્રદર્શનો, વર્કિંગ મોડલ્સ, ઇન્ફોગ્રાફિક્સ AR/VR અને ઓડિઓ વિઝ્યુઅલ્સ સાથે અનોખો એડ્યુટેનમેન્ટ અનુભવ મળશે તેમજ પરમાણુ અને અણુ ઊર્જા સંબંધિત વિવિધ પરિમાણોનું પ્રદર્શન નિહાળવા મળશે.
આ મહાનુભવો રહ્યા હાજર
સાયન્સ સિટી અને DAE વચ્ચેનો આ અનોખો સહયોગ પરમાણુ અને અણુ ઊર્જાના ક્ષેત્રમાં યુવાઓમાં વધુ ઉત્સાહ જગાવવા અને ન્યુક્લિયર સાયન્સ ટેક્નોલોજીમાં રસ-રૂચિ ને પણ પ્રોત્સાહન આપશે.આ એમ.ઓ.યુ અવસરે આઇ.પી.આર ના ડિરેકટર ડૉ. શશાંક ચર્તુવેદી, ડૉ. એ.વી. રવિકુમાર તેમજ સાયન્સ સિટીના એક્ઝીક્યુટીવ ડિરેકટર જિતેન્દ્ર વદર અને જનરલ મેનેજર ડૉ. વ્રજેશ પરીખ વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : ડેટિંગ બાદ હવે લગ્નના સમાચાર, રાઘવ અને પરિણીતીની જલ્દી જ થઈ શકે છે સગાઈ