ગુજરાતચૂંટણી 2022ટ્રાવેલ
NSUIએ ‘બોજમુક્ત રાજકોટ’ કાર્યક્રમ યોજી સાયકલ રેલી કાઢી ઈ-મેમો રદ્દ કરવા માંગ કરી
રાજકોટ જિલ્લા NSUI દ્વારા આજે 150 કરોડની રકમના ઈ-મેમોની માફી માટે ‘બોજમુક્ત રાજકોટ’ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સાયકલ રેલી કાઢી વિરોધ પ્રદર્શન કરાયું હતું. જોકે આ સાયકલ રેલી શરૂ થાય તે પહેલાં જ પોલીસ દ્વારા દેખાવો કરતા તમામ આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. આ તકે NSUIનાં આગેવાનો દ્વારા ભાજપ ઈ-મેમો મારફત ચૂંટણી ફંડ એકઠું કરતું હોવાનો આક્ષેપ કર્યો હતો.
આઈ-વે પ્રોજેકટનો હેતુ લોકોને હેરાન કરવાનો જ, દરરોજ લાખોના દંડના મેમા
રાજકોટ જિલ્લા NSUI પ્રમુખ રોહિતસિંહ રાજપુતે જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં પાંચ વર્ષ અગાઉ આઈ-વે પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી હતી. જેનો મુખ્ય હેતુ ટ્રાફિક સમસ્યા નિરાકરણ કાયદો -વ્યવસ્થા જાળવવી, ગેરકાયદેસર દબાણો દૂર કરવા, ઉપરાંત ગેરપ્રવૃત્તિઓ અટકાવવાનો હતો. પંરતુ પોલીસ દ્વારા જ્યારથી આ કેમેરા નાખવામાં આવ્યા છે ત્યારથી વાહનચાલકો, કારચાલકોને યેનકેન પ્રકારે કાયદાની કલમોનું ખોટું અર્થઘટન કરી દરરોજ લાખોની રકમનાં ઈ-મેમો ઈસ્યુ કરવામા આવે છે.
ચાલકોને રસ્તા ઉપર ઉભા રાખી અથવા ઘરે જઈ કરાઈ છે ઉઘરાણી
વધુમાં રાજપૂતે જણાવ્યું હતું કે, આ ઈ-મેમો એક ટ્રાફિક વાયોલેશન નોટિસ હોય એટલે સમાધાન શુલ્કની રકમ માટે ભરવા ઈચ્છતા લોકો સ્વૈચ્છિક ભરી શકે અન્યથા કોર્ટમાં જવાનો અધિકાર વાહનચાલકોનો હોય છે. પરંતુ પોલીસ કોઈ ખાનગી એજન્ટોની જેમ રોડ પર ઉભા રાખી અને ઘરે રૂબરૂ જઈ બાકી રહેલા ઈ-મેમો ભરવા માટે દબાણ કરી કેસો દાખલ કરવાની જોગવાઇ, અન્યથા વાહન ડિટેઈન કરવાની ધમકીઓ આપી ગેરબંધારણીય રીતે દંડોની રિકવરી કર્યા છે. તેમજ છેલ્લા ઘણા સમયથી વાહનચાલકોને મેસેજ દ્વારા ઈ-મેમો ભરો અન્યથા કોર્ટમાં કેસ દાખલ કરવામા આવશે. આથી રાજકોટના ગરીબ અને મધ્યમ વર્ગીય લોકો જે આ મોટી રકમો ભરવા અસમર્થ છે તે સૌ ભયમાં મૂકાયા છે.
ઉદ્યોગપતિઓના દેવા માફ સરકાર કરતી હોય તો સામાન્ય પ્રજાના ઈ-મેમો કેમ નહીં ?
વધુમાં રોહિતે જણાવ્યું હતું કે, રાજકોટમાં એક રીતે જોઈએ તો એક એવો પરિવાર નહીં હોય કે જેમની પાસે વાહન હોય અને ઈ-મેમો ભરવાના પેન્ડિંગ ના હોય. પંરતુ જે લોકો આર્થિક રીતે સમર્થ નથી તે ભયભીત થઈ કેમ આ દંડ ભરપાઇ કરવા તે અંગે અસમંજસમાં મુકાયા છે. ત્યારે રાજકોટની જનતાની એક જ માગ છે કે, તમામ ઈ-મેમો રદ કરવામા આવે, કારણ કે મોટા ઉદ્યોગપતિઓના દેવા માફ સરકાર કરતી હોય તો સામાન્ય પ્રજાના ઈ-મેમો કેમ નહીં ? સાથે જ જો આ ઈ-મેમો માફ કરવામાં નહીં આવે તો NSUI દ્વારા આવનારા દિવસોમાં પણ અલગ અલગ પ્રકારે વિરોધ કાર્યક્રમો યોજવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામા આવી હતી.