અયોધ્યામાં NSG યુનિટની થશે સ્થાપના, બ્લેક કેટ કમાન્ડો સાથે સુરક્ષા અભેદ્ય બનશે
- કેન્દ્ર સરકાર દ્વારા NSG કમાન્ડો યુનિટ બનાવવા માટે જમીનની શોધ કરવામાં આવી રહી છે
અયોધ્યા, 12 જૂન: અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરના નિર્માણ બાદ હવે જિલ્લાની સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર હવે અહીં નેશનલ સિક્યોરીટી ગાર્ડ (NSG) કમાન્ડો યુનિટ બનાવવાની તૈયારી કરી રહી છે જેના માટે જમીનની શોધ ચાલી રહી છે. કેન્દ્ર સરકારના નિર્ણયની મંજૂરી બાદ NSGના બ્લેક કેટ કમાન્ડોને અહીં તૈનાત કરવામાં આવશે.
અયોધ્યા સમયાંતરે આતંકવાદીઓના નિશાના પર રહી છે
જિલ્લામાં અત્યાર સુધીમાં કેન્દ્ર સરકારની બે સુરક્ષા એજન્સીઓ અને રાજ્ય સરકારની ચાર સુરક્ષા એજન્સીઓ તૈનાત છે. કોઈપણ VVIP મુલાકાત પર દિલ્હીથી NSG કમાન્ડોને બોલાવવામાં આવે છે. રામ મંદિરના નિર્માણ પછી, જિલ્લામાં અવારનવાર VVIPની મુલાકાતો થાય છે અને દરેક સમયે ભક્તોની ભારે ભીડ રહે છે. તદુપરાંત અયોધ્યા સમયાંતરે આતંકવાદીઓના નિશાના પર રહી છે, જેને જોતા હવે અહીં સુરક્ષા સઘન કરવામાં આવી રહી છે. આ માટે ભવિષ્યમાં અહીં NSG કમાન્ડોની એક યુનિટની સ્થાપના કરવાની તૈયારી છે.
અહેવાલોમાં સૂત્રોને ટાંકીને જણાવ્યા મુજબ, NSGની ટીમે જિલ્લા વહીવટીતંત્રનો સંપર્ક કર્યો છે અને જમીનની ઓળખ કરીને તેને ઉપલબ્ધ કરાવવા જણાવ્યું છે. જેના પર ઝડપથી કામ ચાલી રહ્યું છે. તે જ સમયે, પોલીસ મહાનિરીક્ષક પ્રવીણ કુમારે કહ્યું છે કે, અયોધ્યામાં NSG યુનિટ ખોલવાની માહિતી છે, પરંતુ તેમની પાસે સંપૂર્ણ માહિતી નથી.
આ પણ જુઓ: 18મી લોકસભાનું પ્રથમ સત્ર અને રાજ્યસભાની કાર્યવાહી ક્યારથી શરૂ થશે? જાણો