અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

NSEના કો-લોકેશન કૌભાંડના તાર ગાંધીનગર સુધી લંબાયા, CBIના 10 મોટા શહેરોમાં દરોડા

Text To Speech

દેશભરમાં NSEના કો-લોકેશન કેસ ગાજ્યો છે. એવામાં CBI દ્વારા દિલ્હી, મુંબઈ અને કોલકાતા ખાતે અનેક બ્રોકર્સના ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. આ બોર્કર્સ દ્વારા એનએસઈની કો લોકેશન સુવિધાનો કથિત દુરૂપયોગ કરવામાં આવતો હોવાની માહિતીના પગલે આ પ્રકારે દરોડા પાડવામાં આવ્યા છે. NSEના પૂર્વ વડા અને હાલ જેલમાં છે તે ચિત્રા રામકૃષ્ણ સાથે આ કેસ જોડાયેલો હોય એવી શક્યતા છે. ચિત્રા સામે કો લોકેશન કેસમાં બ્રોકરને મદદગારી કરવાનો આરોપ છે.

ઉલ્લેખનીય છે કે, ગયા મહિને EDએ નવી દિલ્હી અને ગુરૂગ્રામમાં નવ જેટલા સ્થળોએ કો લોકેશન કેસ મામલે દરોડા પાડ્યા હતા. એનએસઈના કો-લોકેશન કેસમાં સીબીઆઈએ અંતે દિલ્હીમાંથી ભૂતપૂર્વ એમડી અને સીઈઓ ચિત્રા રામકૃષ્ણની ધરપકડ કરી હતી. સીબીઆઈની વિશેષ અદાલતે ચિત્રાની આગોતરા જામીન ફગાવી દીધા પછી ગમે ત્યારે તેમની ધરપકડની આશંકા સેવાતી હતી. સીબીઆઈએ આ કેસમાં એનએસઈના ભૂતપૂર્વ ઓપરેટિંગ અધિકારી આનંદ સુબ્રમણ્યનની ધરપકડ કરી હતી.

આ કૌભાંડમાં સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (સીએફએસએલ)ના એક વરિષ્ઠ મનોવૈજ્ઞાનિકે ચિત્રા રામકૃષ્ણની પૂછપરછ કરી હતી. મે ૨૦૧૮માં એનએસઈના કો-લોકેશન કૌભાંડ સંદર્ભમાં એક એફઆઈઆરના આધારે કેટલીક ધરપકડો કરાઈ હતી. સીબીઆઈએ રામકૃષ્ણ, સુબ્રમણ્યન અને રવિ નારાયણની પૂછપરછ કરી હતી. સેબીએ એક અહેવાલમાં જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૩થી ૨૦૧૬ વચ્ચે ચિત્રા રામકૃષ્ણે એનએસઈના મહત્વપૂર્ણ નિર્ણયો કહેવાતા ‘હિમાલયન યોગી’ની સલાહથી લીધા હતા. સીબીઆઈએ ચાર વર્ષ જૂના કેસમાં એફઆઈઆર દાખલ કર્યા પછી હજુ સુધી કોઈ નક્કર પગલાં ન લેતાં કોર્ટ પણ સીબીઆઈથી નારાજ થઈ હતી.

Back to top button