Ginger Price Hike: હવે આદુ વગરની ચા પીવી પડશે, ભાવ આસમાને
- પહેલી વખત આદું આટલું મોંઘું થયું
- આદુંની આવકમાં ૭૦ ટકા ઘટાડો
- ઘટેલી આવક ભાવવધારા માટે જવાબદાર
છેલ્લા એકાદ મહિનાથી આદુના ભાવ આસમાને પહોંચતા ચામાંથી આદુ ગાયબ થાય તેવા દિવસો આવી ગયા છે. શહેરમાં છેલ્લા એક મહિના દરમિયાન આદુંના ભાવ મોસમના મિજાજની જેમ રંગ બદલી રહ્યા છે. એક સમયે રૂ. 100થી 120નું પ્રતિ કિલો મળતું આદું અત્યારે રૂ. 300એ કિલો વેચાતાં ગૃહિણીઓ પરેશાન છે. એક જ મહિનામાં આદુંનો એક કિલોનો ભાવ 120 રૂપિયાથી વધીને 300 રૂપિયાએ પહોંચી ગયો છે. સામાન્ય રીતે ઉનાળામાં શાકભાજીની આવક ઘટે છે, જેથી ભાવ આસમાને પહોંચી જાય છે. ખાસ કરીને લીંબુ, ટામેટાં સહિતના ભાવમાં વધારો થાય છે. પરંતુ આ વર્ષે આદુંના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. તેની સામાન્ય લોકોને પણ નવાઈ લાગી રહી છે.
ચામાં આદુનો સ્વાદ આવતો નથી
ચાના સ્વાદરસિયા પણ પરેશાન છે. કેમ કે ભાવ આસમાને પહોંચી જતા ચાની ચૂસકીમાંથી પણ આદું થોડા સમય પુરતુ ગાયબ થઈ ગયું છે. વરસાદની સિઝનમાં પણ આદું વગરની ચા પીવાની ફરજ પડી રહી છે. એપીએમસીમાં આદુંનો સ્ટોક આવતાંની સાથે જ ચપોચપ વેચાઈ જાય છે. શહેરમાં રોજની આદુની માગ સામે 50 ટકા માલ જ આવી રહ્યો છે. આદું દરેક વ્યક્તિના ઘરમાં બારે માસ ઉપયોગમાં લેવાતું કંદ છે. મુસાફરી કે કામ કરીને ત્રસ્ત થયેલી વ્યક્તિ ચામાં આદું નખાવી ચાની ચૂસકી મારી સ્વસ્થ થઇ જાય છે.
આવક ઘટતા ભાવ વધી ગયા
આદુંની ખેતી સમગ્ર ભારતમાં થાય છે. તેનો ઉપયોગ શાકભાજીથી લઈને ચા બનાવવા માટે થાય છે. આદું રોજિંદાં જીવનમાં ઉપયોગ લેવાતી શાકભાજી છે. એ જ આદુંના ભાવ અત્યારે તીખા થયા છે. એપીએમસીનાં સૂત્રોનાં જણાવ્યા અનુસાર શહેરમાં જેટલી ડિમાન્ડ છે તેટલો આદુંનો સ્ટોક આવતો નથી. જેના કારણે ભાવમાં વધારો થયો છે. આદુંની આવકમાં વધારો થશે એટલે ભાવ નીચે જતો રહેશે. અમદાવાદ સહિત ગુજરાતના અન્ય ભાગોમાં કેરળ અને કર્ણાટકમાંથી આદુંનો માલ સૌથી વધુ આવે છે. છેલ્લા કેટલાક દિવસોથી આયાતી આદુની આવકમાં ઘટાડો થયો છે કમોસમી વરસાદના કારણે આદુના પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. પરિણામે એપીએમસીમાં આદુંની આવકમાં મોટો ઘટાડો થયો છે. આ કારણે આદુનો ભાવ આસમાને પહોંચ્યો છે. હાલ છૂટક બજારમાં આદું રૂ. 300ના ભાવે વેચાઈ રહ્યું છે.
કમોસમી વરસાદથી થયુ નુકસાન
વેપારીઓની મતે કમોસમી વરસાદના કારણે આદુંના પાકને નુકસાન પહોંચ્યું છે. ખેતરમાં પાણી ભરાતાં આદુંના ઉત્પાદન પર અસર થઈ છે. આદુંની ખેતી કરતા ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આદું લઈને આવતી ટ્રકની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. વરસાદના કારણે પાકને નુકસાન થતાં આદુના ભાવ વધ્યા છે. વેપારીઓનું કહેવું છે કે જ્યાં સુધી આવકમાં વધારો નહીં થાય ત્યાં સુધી ગ્રાહકોએ ભાવવધારો સહન કરવો પડશે. છૂટક વેપારી પર કોઇનો કંટ્રોલ હોતો નથી પરિણામે ગ્રાહકો લુંટાઈ રહ્યા છે.
આદુ મોંઘુ પણ તીખાશ નથી રહી
આદુની કિંમતમાં ધરખમ વધારાને લીધે ચા વેચતા ટી સ્ટોલવાળાએ અને ઘરમાં ચામાં આદું નાખવાની ટેવ હોય એમણે વપરાશનું પ્રમાણ ઘટાડવું પડયું છે. ચાના સ્ટોલવાળા કહે છે કે અમે કિંમત વધારી નથી શકતા એટલે આદુના વપરાશમાં કાપ મૂક્યો છે. આદુની માગમાં સતત વધારો થતો હોવાથી કિંમત વધવા લાગી છે, ભીંજાયેલાં અને હલકી ક્લોલિટીનાં આદુંનું પણ અત્યારે ઊંચા ભાવે વેચાણ થાય છે. ચાની કીટલીવાળાનું કહેવું છે કે હાલમાં આટલું મોંઘાં ભાવનું આદું ખરીદવા છતાં તેમાં તીખાશ નથી.
આ પણ વાંચોઃ વિદેશનો મોહ વધતો જ જાય છે ત્યારે મહેસાણાના યુવકને પાસપોર્ટમાં ચેડા કરવા ભારે પડ્યા