કેન્દ્ર સરકારે પ્રદૂષણ અને હાલની સ્થિતિને જોતાં મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં 15 વર્ષથી જૂના તમામ સરકારી વાહનો અને બસોનું રજિસ્ટ્રેશન 1 એપ્રિલથી રદ કરવામાં આવશે અને તેને ભંગાર કરવામાં આવશે. માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા ગુરુવારના જાહેર કરેલા નિયમ અનુસાર 1 એપ્રિલ, 2023થી પંદર વર્ષથી જૂના તમામ સરકારી વાહનો ભંગાર થઈ જશે અને તેમનું રજિસ્ટ્રેશન રદ કરવામાં આવશે.
શું છે નિયમમાં જોગવાઈ ?
આ ઉપરાંત કેન્દ્ર સરકાર સિવાય તમામ રાજ્ય સરકારોના વાહનોનો સમાવેશ થાય છે. તેમજ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન અને જાહેર ક્ષેત્રની કંપનીઓની માલિકીની બસો પણ આમાં સામેલ છે. જોકે, આ નિયમ દેશના સંરક્ષણ, કાયદો અને વ્યવસ્થાની જાળવણી અને આંતરિક સુરક્ષામાં ઉપયોગમાં લેવાતા સૈન્ય, અર્ધલશ્કરી દળો અને પોલીસના સશસ્ત્ર વાહનો અને અન્ય વિશેષ વાહનોને લાગુ પડશે નહીં.
આ પણ વાંચો : રોજગાર મેળો: PM મોદી 71 હજાર યુવાનોને નિમણૂક પત્ર આપશે, 10 લાખ સરકારી નોકરીઓ આપવાનું લક્ષ્ય
માર્ગ પરિવહન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છેકે, જે વાહનોને તેમની નોંધણીની પ્રથમ તારીખથી 15 વર્ષ પૂર્ણ થયા હશે તેને સ્ક્રેપમાં રૂપાંતરિત કરવામાં આવશે. આ પ્રક્રિયા મોટર વ્હીકલ (રજીસ્ટ્રેશન એન્ડ ફંક્શનિંગ ઓફ વ્હીકલ સ્ક્રેપ ફેસિલિટી) એક્ટ 2021 હેઠળ કરવામાં આવેલી રજીસ્ટર્ડ વ્હીકલ સ્ક્રેપિંગ સુવિધા દ્વારા પૂર્ણ થવી જોઈએ.
તમારી પાસે છે 15 વર્ષ જૂની કાર ?
માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર, સરકારનો આ નિર્ણય હાલમાં ખાનગી કાર અથવા મોટર વાહનોના માલિકો માટે ફરજિયાત નથી. એટલે કે, જો તમારી પાસે કાર અથવા અન્ય કોઈ મોટર વાહન છે, તો સરકારનો આ આદેશ તમને લાગુ પડશે નહીં. જો કે, જો તમે સ્ક્રેપેજ પોલિસી હેઠળ તમારા 15 વર્ષ જૂના વાહનનો નિકાલ કરો છો, તો તમને નિયમો અનુસાર લાભ મળશે.
ખાસ વાત એ છેકે કેન્દ્ર સરકારે નાણાંકીય વર્ષ 2022 ના બજેટમાં વાહનોની સ્ક્રેપ (Scrap Policy) નીતિની જાહેરાત કરી હતી. આ હેઠળ, વ્યવસાયિક વાહનો માટે 15 વર્ષ અને વ્યક્તિગત કાર માટે 20 વર્ષ પછી ફરજિયાત ફિટનેસ ટેસ્ટ તપાસવાની જોગવાઈ કરવામાં આવી હતી.